એક જળચર પક્ષી. હંસને ઠંડી આબોહવા માફક આવે છે. આફ્રિકા અને ઍન્ટાર્ક્ટિકા સિવાય દરેક ખંડમાં જ્યાં ઠંડી આબોહવા હોય ત્યાં તે વસે છે. ચપટી ચાંચ, લાંબી નાજુક ડોક, લાંબી પાંખો, ટૂંકી પૂંછડી તથા પગ ધરાવતા હંસ દેખાવે ખૂબ સુંદર લાગે છે. હંસનાં પીંછાં પાણીમાં ન ભીંજાય તેવાં હોય છે. પગનાં આંગળાં પાતળી ચામડીથી જોડાયેલાં હોવાથી તે હલેસાંની જેમ તરવામાં મદદ કરે છે. જમીન પર પણ હંસ ચાલી, દોડી શકે છે. હંસ બતક કરતાં કદમાં મોટો હોય છે. પાણીમાં છટાદાર રીતે તે તરે છે. મોટા ભાગે હંસ સફેદ પીંછાં ધરાવે છે. ઉત્તર ગોળાર્ધમાં આવા હંસ વસે છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં કાળાં પીંછાંવાળા હંસ જોવા મળે છે. તે લાંબું અંતર ઊડી શકે છે. હંસ પાણીમાં ઊગતી વનસ્પતિ અને નાનાં જળચરોને પોતાની લાંબી ડોક વડે તળાવમાંથી મેળવીને ખાય છે. તળાવકાંઠે ઊગતું ઘાસ કે ખેતરમાં ઊગેલા દાણા પણ ખાય છે. ૨થી ૩ વર્ષની વયે તે પોતાના જીવનસાથીને શોધી લે છે. નર અને માદા મોટા અવાજો કરી, પાંખો ફેલાવી એકબીજાની સન્મુખ નાચે છે. હંસની જોડ જીવનપર્યંત સાથે રહે છે.

હંસ ઘાસ તથા અન્ય ઝાડ-પાનથી તળાવના કિનારે માળો બાંધે છે. માદા ૪થી ૬ સફેદ ઈંડાં મૂકે છે. સામાન્ય રીતે ઈંડાં સેવવાની જવાબદારી માદાની હોય છે. જ્યારે માદા ઈંડાં સેવતી હોય ત્યારે આક્રમક થઈ જાય છે. શિયાળ, કૂતરા, માણસ કે અન્ય સજીવ પ્રાણીઓનો તે સામનો કરે છે. બચ્ચાં જન્મે ત્યારે રાખોડી રંગનાં પીંછાં ધરાવે છે. થોડા જ વખતમાં તેમને ઊડવાનાં પીંછાં આવે છે અને ૭ અઠવાડિયાંમાં તેઓ ઊડતાં શીખી જાય છે. હંસમાં કૌટુંબિક ભાવના સારી હોય છે. બચ્ચાંની તે સારી સંભાળ લે છે. બચ્ચાં માની પીઠ પર બેસીને સવારી કરે છે. વિવિધ જાતના હંસો જાતભાતના અવાજો કાઢી શકે છે. પૌરાણિક હિન્દુ માન્યતા પ્રમાણે હંસ સરસ્વતીનું વાહન ગણાય છે. નળ-દમયંતીની વાતમાં હંસ દૂતનું કામ કરી નળ તથા દમયંતીના રૂપનું વર્ણન એકબીજાની સામે કરે છે. કૈલાસ પાસે આવેલ માનસરોવરમાં હંસ વસે છે. આપણે ત્યાં એવી વાયકા છે કે, માનસરોવરના હંસ મોતીનો ચારો ચરે છે. આ વાયકામાં થોડું તથ્ય છે. માનસરોવરના કાંઠે મળી આવતી કેટલીક છીપની જાતોમાં મોતી પાકે છે. આ હંસલા આવી છીપમાંના જીવને ખાઈને મોતીનો મળ વાટે કે ચાંચ દ્વારા ત્યાગ કરે છે અને તેથી આ માત્ર કવિકલ્પના નથી. કેટલીક જાતની મીઠા પાણીની છીપમાં મોતી તૈયાર થતાં હોય છે. હંસ બાળવાર્તાઓમાં પણ આવે છે. ‘અગ્લી ડકલિંગ’ની વાર્તામાં બતકનાં બચ્ચાં અને હંસનાં બચ્ચાંની વાત આવે છે. રશિયન બૅલેમાં ‘સ્વાન લેક’ જાણીતું બૅલે-નૃત્ય છે.
અંજના ભગવતી
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી
