જ. 7 જાન્યુઆરી, 1967 અ. 29 એપ્રિલ, 2020

ભારતીય ફિલ્મ અભિનેતા અને નિર્માતા ઇરફાન ખાનનો જન્મ રાજસ્થાનના ટોંકમાં થયો હતો. તેઓ હિન્દી સિનેમા ઉપરાંત બ્રિટિશ અને હોલિવુડ ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય માટે ખ્યાતનામ છે. તેમનાં માતા સઇદાબેગમ ખાન અને પિતા યાસીન અલી ખાન. ઇરફાન ખાનનું બાળપણ શરૂમાં ટોંકમાં અને પછીથી જયપુરમાં વીત્યું. જયપુરની કૉલેજમાંથી જ તેમણે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ક્રિકેટના કુશળ ખેલાડી હતા. તેઓ અંડર 23 સી. કે. નાયડુ ટ્રૉફી માટે ઊભરતા ખેલાડી તરીકે રમવા માટે પસંદગી પામ્યા હતા, પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે તેમાં સામેલ થઈ શક્યા નહીં. ત્યારબાદ જોધપુરમાં તેમના મામાના પ્રભાવ હેઠળ તેમને અભિનય પ્રત્યે રુચિ જાગૃત થઈ. 1984માં અભિનયની તાલીમ માટે તેમણે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય(એન.એસ.ડી.)માં પ્રવેશ મેળવ્યો. 1987માં એન.એસ.ડી.માં સ્નાતક બન્યા બાદ તેમણે ખૂબ સંઘર્ષ કર્યો અને અંતે તેમણે સૌપ્રથમ મીરા નાયરની ફિલ્મ ‘સલામ બૉમ્બે’માં એક નાનકડી ભૂમિકા ભજવવાથી અભિનય કારકિર્દીનો આરંભ કર્યો. તેમની મુખ્ય ભૂમિકાવાળી પ્રથમ ફિલ્મ 2005માં ‘રોગ’ હતી. તે પછી તેમણે ‘ધ નેમસેક’, ‘લાઇફ ઇન મેટ્રો’, ‘મકબૂલ’, ‘ગૂંડે’, ‘પિકૂ’, ‘જજબા’, ‘ધ લન્ચબૉક્સ’, ‘પાનસિંહ તોમર’ ‘હિન્દી મિડિયમ’, ‘અંગ્રેજી મિડિયમ’ વગેરે જેવી અનેક ફિલ્મોમાં અભિનયનાં અજવાળાં પાથર્યાં. તેમણે નિર્માતા તરીકે ‘મદારી’, ‘કરીબ કરીબ સિંગલ’ જેવી ફિલ્મો કરી. જ્યારે ‘કહાની’, ‘ખામોશી’ વગેરે જેવી ફિલ્મો માટે સંવાદ-લેખનનું કાર્ય કર્યું હતું. બોલિવુડમાં સફળતા મેળવ્યા બાદ તેમણે દૂરદર્શન પર ધારાવાહિકોનું સંચાલન કર્યું અને અભિનય કર્યો. તેમણે કેટલીક લઘુ- ફિલ્મો અને નાટકોમાં પણ અભિનય કર્યો. તેમને માટે કહેવાતું કે તેઓ શબ્દોથી વધુ આંખો દ્વારા અભિનય કરતા. તેમણે અનેક વૈવિધ્યસભર પ્રભાવશાળી ભૂમિકાઓ ભજવી. તેમણે ‘ધ માઇટી હાર્ટ’, ‘ધ દાર્જિલિંગ લિમિટેડ’, ‘સ્લમડૉગ મિલિઓનર’ વગેરે જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પણ પ્રશંસનીય અભિનય કર્યો છે. 2011માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અનેક ઍવૉર્ડ જીતનાર ખાનને 2018માં ‘હિન્દી મિડિયમ’ ફિલ્મ માટે ફિલ્મફેરનો સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
શુભ્રા દેસાઈ
