કુન્દનિકા કાપડિયા


જ. 11 જાન્યુઆરી, 1927 અ. 30 એપ્રિલ, 2020

ગુજરાતી સાહિત્યનાં અગ્રગણ્ય નવલકથાકાર, નવલિકાકાર અને નિબંધકાર કુન્દનિકા કાપડિયાનો જન્મ લીંબડીમાં થયો હતો. પિતા નરોત્તમદાસ અને માતા રંભાબહેન. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પંચમહાલના ગોધરામાં થયું હતું. તેમણે ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી 1948માં બી.એ.ની પદવી મેળવી. તેમણે 1942માં ‘હિંદ છોડો’ લડતમાં ભાગ લીધો હતો, આથી તેમને જેલ પણ થઈ હતી. તેમણે લખેલી પહેલી વાર્તા ‘જન્મભૂમિ’એ યોજેલી આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં દ્વિતીય સ્થાને આવી હતી. તેમણે 1955માં ‘યાત્રિક’ સામયિક શરૂ કર્યું હતું. તેઓ 1962થી 1980 સુધી ‘નવનીત’ સામયિકનાં સંપાદક હતાં. તેમણે 1968માં કવિ મકરંદ દવે સાથે લગ્ન કર્યાં. તેમના સર્જનમાં પ્રકૃતિ, પ્રેમ, માનવીય સંવેદના અને મૂલ્યો જોવા મળે છે. સમાજમાં થતા નારીશોષણ સામે વિદ્રોહની કથા ‘સાત પગલાં આકાશમાં’ તેમની બહુચર્ચિત નવલકથા છે. આ નવલકથાએ તેમને આગવી ઓળખ આપી છે. તેમનું તખલ્લુસ ‘સ્નેહધન’ હતું. તેમણે ‘પ્રેમનાં આંસુ’, ‘વધુ ને વધુ સુંદર’, ‘કાગળની હોડી’ જેવા વાર્તાસંગ્રહો, ‘અગનપિપાસા’, ‘પરોઢ થતાં પહેલાં’, ‘સાત પગલાં આકાશમાં’ જેવી નવલકથાઓ અને ‘દ્વાર અને દીવાલ’, ‘ચંદ્ર તારા વૃક્ષ વાદળ’ જેવા નિબંધસંગ્રહો આપ્યા છે. ‘પુરુષાર્થને પગલે’, ‘કિશોર ડિટેક્ટિવ’, ‘વસંત આવશે’ વગેરે જેવા અનુવાદ તેમની પાસેથી મળ્યા છે. ‘પરમ સમીપે’ પ્રાર્થનાસંગ્રહ છે. વલસાડથી ધરમપુર જવાના રસ્તે નંદિગ્રામ આશ્રમની સ્થાપના કરી તેમણે અને તેમના પતિ મકરંદભાઈએ આદિવાસી સમાજની સેવા આરંભી હતી. મકરંદભાઈના દેહાવસાન પછી કુન્દનિકાબહેને આશ્રમનું સંચાલન કર્યું હતું. તેમના સર્જનને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પોંખવામાં આવ્યાં છે. 1984માં તેમને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. 1985માં ‘સાત પગલાં આકાશમાં’ માટે સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર મળ્યો હતો.