ભારતના અગ્નિખૂણે આવેલા તમિળનાડુ રાજ્યનો એક જિલ્લો, જિલ્લામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 10° 48´ ઉ. અ. અને 79° 09´ પૂ. રે.. આ જિલ્લાની ઉત્તરે આરિયાલુર, ઈશાને નાગપટ્ટિનમ્, પૂર્વમાં થિરુવરુર, દક્ષિણે પાલ્કની સામુદ્રધુની, નૈઋત્યે પુડુકોટ્ટાઈ, પશ્ચિમે તિરુચિરાપલ્લી જિલ્લા આવેલા છે. જિલ્લાનું ક્ષેત્રફળ 3476 ચોકિમી. તથા કુલ વસ્તી 26,30,000 (2025, આશરે) છે. ચક્રવાતને કારણે તે જૂન અને ઑક્ટોબર દરમિયાન અવારનવાર વાવાઝોડાનો ભોગ બને છે. સરાસરી વાર્ષિક તાપમાન 27.5° સે. રહે છે. ઉનાળા તથા શિયાળામાં અનુક્રમે 30° થી 32° સે. અને 25.5° સે. થી 27° સે. તાપમાન રહે છે. દરિયાકિનારે આવેલ ત્રિકોણપ્રદેશમાં નાળિયેર, આંબા અને કેળનાં વૃક્ષો જોવા મળે છે. ડાંગર, શેરડી અને મગફળીના મુખ્ય પાક ઉપરાંત મકાઈ, તમાકુ, મરચાં વગેરેનો પણ પાક થાય છે. કાવેરીની નહેરોને કારણે ડાંગરનો પાક બે વખત લેવાય છે. નેવેલીમાં લિગ્નાઇટની ખાણો છે.

બૃહદીશ્વર મંદિર, તાંજાવુર
જિલ્લામાં કાપડની મિલો ઉપરાંત ખોરાકી ચીજોના તથા હાથસાળ કાપડના મુખ્ય ઉદ્યોગો છે. 70 ટકા લોકો ખેતીમાં રોકાયેલા છે. ત્રણ શહેરો તાંજાવુર, નાગપટ્ટીનમ્ અને કુંભકોણમ્ સિવાયનો બાકીનો ગ્રામવિસ્તાર છે. નાગપટ્ટીનમ્ મધ્યમ કક્ષાનું બંદર છે. કુંભકોણમ્ તીર્થક્ષેત્ર છે. તે સાતમી સદીમાં ચોલ રાજ્યનું પાટનગર હતું. તાંજાવુર કાવેરી નદીની શાખા ઉપર ત્રિકોણાકાર પ્રદેશને પશ્ચિમ છેડે નાગપટ્ટીનમ્ થી 97 કિમી. પશ્ચિમે આવેલું છે. નવમીથી અગિયારમી સદી દરમિયાન તે ચૌલ રાજાઓની રાજધાની હતું. આ શહેર વહીવટી કેન્દ્ર ઉપરાંત જિલ્લાનું વેપારીકેન્દ્ર અને દક્ષિણ રેલવેનું મહત્ત્વનું મથક છે. અહીં કાપડ, ખેતીની પેદાશો ઉપર આધારિત ઉદ્યોગો ઉપરાંત હાથવણાટ, વીણા, ઝવેરાત, ગાલીચા અને ધાતુકામ વગેરેના ગૃહઉદ્યોગો વિકસ્યા છે. તે જમીનમાર્ગો તથા રેલવે દ્વારા ચેન્નાઈ, ચિત્તુર, સાલેમ, કરૂર, બૅંગાલુરુ, નાગપટ્ટીનમ્ સાથે જોડાયેલું છે. રાજરાજ પહેલાએ ઈ. સ. 1000માં બંધાવેલ 50મી. ઊંચા ગોપુરમવાળું બૃહદીશ્વર મંદિર તથા કિલ્લો જોવાલાયક છે. ઇતિહાસ : તાંજાવુર પર દસમી સદીના મધ્યભાગથી ચોલ રાજાઓનું 1400થી હોયસલ વંશનું અને 1465થી વિજયનગરનું શાસન હતું. તે બિજાપુરના સુલતાન નીચે હતું ત્યારે શિવાજીના પિતા શાહજી તેનો વહીવટ સંભાળતા હતા. શાહજીનો પુત્ર વ્યંકોજી 1676માં તાંજોરની ગાદીએ બેઠા.
શિવપ્રસાદ રાજગોર
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાંજાવુર (તાંજોર), પૃ. 824 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાંજાવુર/)
