અમેરિકાની સૌથી જૂની, સૌથી મોટી અને વિશ્વની અગ્રિમ પંક્તિની યુનિવર્સિટી. આ યુનિવર્સિટી મૅસેચૂસેટ્સ રાજ્યમાં કેમ્બ્રિજ, બૉસ્ટન પાસે અને ચાર્લ્સ નદીના કિનારે આવેલી છે. પ્રારંભમાં તેની સ્થાપના હાર્વર્ડ કૉલેજ તરીકે ૧૦ ઑક્ટોબર, ૧૬૩૬માં જનરલ કૉર્ટ ઑવ્ મૅસેચૂસેટ્સ બે કૉલોનીના ઠરાવ પછી થઈ હતી. પ્રારંભમાં આ સ્થળનું નામ ન્યૂટાઉન હતું, જે બદલીને કેમ્બ્રિજ રાખવામાં આવ્યું. ઈ. સ. ૧૭૮૦માં તે હાર્વર્ડ યુનિવર્સિટીમાં રૂપાંતરિત થઈ. હાર્વર્ડ યુનિવર્સિટીનું નામ હાર્વર્ડ કૉલેજના પ્રથમ દાતા જ્હૉન હાર્વર્ડના નામ સાથે જોડાયેલું છે. જ્હૉન હાર્વર્ડે ઈ. સ. ૧૬૩૮માં તેઓ મૃત્યુ પામ્યા તે પહેલાં, તેમની અર્ધી મિલક્ત અને ૪૦૦ પુસ્તકો હાર્વર્ડ કૉલેજને દાનમાં આપ્યાં હતાં.

હાર્વર્ડ યુનિવર્સિટી, અમેરિકા
આ યુનિવર્સિટીની વિવિધ સંસ્થાઓ પૈકી કેટલીક કેમ્બ્રિજ, કેટલીક બૉસ્ટન અને કેટલીક મૅસેચૂસેટ્સ રાજ્યના અન્ય ભાગોમાં છે. વળી કેટલીક સંસ્થાઓ કૉલોરાડો, ક્યૂબા અને દક્ષિણ આફ્રિકામાં છે. યુનિવર્સિટી આર્થિક અને શૈક્ષણિક રીતે સંપૂર્ણ સ્વાયત્ત છે, રાજ્યાશ્રિત નથી. યુનિવર્સિટી ૪,૯૩૮ એકરના વિસ્તારમાં આવેલી છે. તેમાં કુલ ૨૦૦ મકાનો છે. તેનું પ્રથમ મકાન ૧૬૩૭માં બન્યું હતું. તે પછી ઉત્તરોત્તર તેમાં વધારો થતો ગયો. આ યુનિવર્સિટીના પૂર્વસ્નાતક-કક્ષાએ બે મુખ્ય વિભાગો છે, જેમાં હાર્વર્ડ કૉલેજ યુવકો માટે અને રેડક્લિફ (Radcliffe) કૉલેજ યુવતીઓ માટે છે. ત્યારબાદ સ્નાતક અને વ્યવસાયલક્ષી વિદ્યાશાખાઓમાં સહઅધ્યયન (co-education) છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં નીચેની વિદ્યાશાખાઓ અને સંસ્થાઓ કાર્યરત છે : ૧. આર્ટ્સ અને વિજ્ઞાનની શાખા, ૨. તબીબી શાખા, ૩. વ્યાપાર-ઉદ્યોગ-સંચાલન શાખા, ૪. સ્થાપત્ય, લૅન્ડસ્કેપ અને અર્બન પ્લાનિંગ, ૫. વિશ્વના ધર્મોના અભ્યાસ માટેની શાખા, ૬. શિક્ષણલક્ષી અને માનવ-સંસાધન-વિકાસ શાખા, ૭. જ્હૉન એફ. કૅનેડી સ્કૂલ ઑવ્ ગવર્નમેન્ટ, ૮. કાયદાશાસ્ત્રની શાખા, ૯. જાહેર સ્વાસ્થ્યની શિક્ષણશાખા. આ ઉપરાંત પણ ઘણીબધી વિદ્યાપ્રવૃત્તિને લગતી આનુષંગિક શાખાઓમાં બૉટેનિકલ ગાર્ડન (વનસ્પતિ-ઉદ્યાન), ગ્રે હર્બૅરિયમ (સૂકવેલી ઔષધિ-વનસ્પતિઓનો સંગ્રહ), ઍસ્ટ્રૉનૉમિકલ ઑબ્ઝર્વેટરી અને હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસનો સમાવેશ થાય છે. છેલ્લી બે શતાબ્દીઓ દરમિયાન આ યુનિવર્સિટીના સ્નાતકો અને અધ્યાપકોએ અમેરિકાના બૌદ્ધિક અને રાજકીય વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.
રાજશ્રી મહાદેવિયા
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હાર્વર્ડ યુનિવર્સિટી, પૃ. 158)
