હુંદરાજ દુઃખાયલ


જ. 16 જાન્યુઆરી, 1910 અ. 21 નવેમ્બર, 2003

સિંધી અને હિન્દી સાહિત્યકાર અને સ્વાતંત્ર્યસેનાની હુંદરાજ દુઃખાયલનો જન્મ સિંધના લાડકાણામાં થયો હતો. પિતા લીલારામ માણેક અને માતા હિરલબાઈ. શાળેય શિક્ષણ અરબી-સિંધી પ્રાથમિક શાળામાં થયું. આઠ-દસ વર્ષની વયે ગીતો લખવાનું શરૂ કર્યું. 11 વર્ષની ઉંમરે ભજનસંગ્રહ ‘કૃષ્ણ ભજનાવલિ’ પ્રગટ થયો. એ પછી ‘આર્ય ભજનાવલિ’ સંગ્રહ પ્રગટ થયો.

1921માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાયા. સરકારી શાળા છોડી લાડકાણાની કોમી શાળામાં દાખલ થયા. ફરી શાળા છોડી અને આઝાદીની લડતમાં જોડાયા. શાળા છોડી દવાઓ બનાવી તેમજ સોના-ચાંદીની દુકાન કરી. પછી સ્ટૅમ્પવેન્ડર બન્યા, પરંતુ આઝાદીની લડતમાં જોડાવાથી સરકારે લાઇસન્સ રદ કર્યું. તેમને છ વખત જેલવાસ થયો હતો. તેઓ ખંજરી લઈને આઝાદીનાં ગીતો ગાતા. તેમણે ‘હનુમાન’ સાપ્તાહિક શરૂ કર્યું. તેમના ‘ફાંસી ગીતમાળા’ અને ‘આલાપ આઝાદી’ પુસ્તકને અંગ્રેજ સરકારે જપ્ત કર્યાં. તેઓ 1949માં ભારત આવ્યા. ભાઈ પ્રતાપ સાથે ગાંધીધામ-આદિપુરની સ્થાપનામાં વ્યસ્ત બન્યા. તેમણે ‘ગાંધીધામ મૈત્રીમંડળ’ની સ્થાપના કરી. વિનોબા ભાવે સાથે 12 વર્ષમાં 30,000 માઈલની પદયાત્રા કરી. તેમણે સિંધી ભાષામાં ‘ધરતીમાતા’ અને હિંદી ભાષામાં ‘ભૂમિદાન’નું સંપાદન કર્યું. 1964માં ‘ગાંધીધામ સમાચાર’ સાપ્તાહિક શરૂ કર્યું. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેમને પદ્મશ્રી, સાધુવાણી ઍવૉર્ડ, સિંધુરતન ઍવૉર્ડ, રામ પંજવાણી ઍવૉર્ડ, સહયોગ ઍવૉર્ડ, સિંધી અકાદમી, દિલ્હી તરફથી મિલેનિયમ ઍવૉર્ડ જેવા અનેક ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મિલેનિયમ ઍવૉર્ડના 11 લાખ રૂપિયાનું આદિપુરમાં બી.એડ્. કૉલેજની સ્થાપના માટે દાન આપ્યું. તેમણે મળેલ ઇનામ-ઍવૉર્ડની રકમ તથા તમામ સંપત્તિ શિક્ષણસંસ્થાઓને દાનમાં આપી હતી.