હિપોપૉટેમસ


ભૂમિ પર રહેતું ત્રીજા નંબરનું મહાકાય પ્રાણી.

‘હિપોપૉટેમસ’નો અર્થ છે ‘નદીમાં રહેતો ઘોડો’. જોકે તે ભુંડને વધારે મળતું આવે છે. આફ્રિકામાં વસતું આ પ્રાણી ઝરણાં, નદી, તળાવ કે સરોવરની પાસે રહે છે અને ઘણો સમય પાણીમાં જ ગાળે છે. બે પ્રકારના હિપો જોવા મળે છે. બીજા પ્રકારના હિપો પિગ્મી હિપોપૉટેમસ છે, જે હવે જૂજ સંખ્યામાં છે. હિપોનું શરીર મોટા પીપ જેવું હોય છે. તે નાના પગ અને પૂંછડી ધરાવે છે. તેનું વજન આશરે ૨૫૦૦ કિલોગ્રામ જેટલું હોઈ શકે છે. તેના મોટા માથાની ઉપરના ભાગમાં આંખ, કાન તથા નાક આવેલાં હોય છે. જેથી તે મોંનો એટલો ભાગ પાણીમાંથી બહાર કાઢીને તરે છે. હિપો ચપળતાથી પાણીમાં તરે છે અને ડૂબકી મારીને ૫થી ૬ મિનિટ સુધી પાણીની અંદર રહી શકે છે. તે સમયે તે તેનાં કાન અને નાક બંધ કરી દે છે, જેથી તેમાં પાણી દાખલ થાય નહીં.

હિપોપૉટેમસ

હિપોની ચામડી ઘેરા બદામી – કથ્થાઈ રંગની તથા જાડી હોય છે. તેના પર નહીંવત્ રુવાંટી હોય છે. તેના શરીર પર ગ્રંથિઓ આવેલી હોય છે. તેમાંથી લાલ રંગનો તૈલી પદાર્થ ઝમે છે, જેનાથી તેની ચામડી સૂકી થતી નથી. હિપો ટોળામાં રહે છે. માદાઓ તથા બચ્ચાંઓ સમૂહમાં રહે છે. તેઓ રાત્રે પણ છીછરા પાણીમાં એકબીજાની પાસે સમૂહમાં સૂઈ જાય છે. માદા હિપો બચ્ચાંની સારી સંભાળ લે છે. બચ્ચાંનો જન્મ પાણીમાં જ થાય છે. બચ્ચું તેના શત્રુઓથી (સિંહ, હાયેના તથા મગર) બચવા હિપોની પીઠ પર સવારી કરે છે. હિપો સાંજ પડે પાણીમાંથી બહાર નીકળીને ઘાસ ખાવા જાય છે. તે મહાકાય હોવા છતાં ઝડપથી ૩૦ કિમી./કલાક દોડી શકે છે. ક્યારેક તો ખેતરમાં ઊગેલો પાક પણ તે આરોગી લે છે. ખોરાક મેળવવા ક્યારેક નદીમાં જતી નાની બોટ પર પણ તે હુમલો કરે છે. હિપો પાણીમાં તેના વિસ્તાર માટે અને માદા માટે આક્રમક વલણ અપનાવતો હોય છે. મોટાં મોટાં બગાસાં ખાઈને તે પ્રતિસ્પર્ધીને આહવાન આપે છે અને પોતાના રાક્ષી દાંતથી હુમલો કરે છે. માદા સામાન્ય રીતે એક બચ્ચાને જન્મ આપે છે. હિપોનું આયુષ્ય આશરે ૩૦ વર્ષનું હોય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10