જ. 20 જાન્યુઆરી, 1871 અ. 5 સપ્ટેમ્બર, 1918

ભારતીય ઉદ્યોગપતિ અને દાનવીર સર રતનજી જમશેદજી ટાટાનો જન્મ મુંબઈમાં થયો હતો. જમશેદજી ટાટાના તેઓ નાના પુત્ર હતા. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી શિક્ષણ મેળવ્યું. પછી પિતાની કંપનીમાં જોડાયા. 1893માં નવાજબાઈ સાથે તેમનાં લગ્ન થયાં. 1904માં જમશેદજી ટાટાના અવસાન પછી તેમના ભાગે વારસામાં મળેલી સંપત્તિના મોટા ભાગનો ઉપયોગ પરોપકારી કાર્યો અને ભારતનાં સંસાધનોના વિકાસ માટે વિવિધ ઉદ્યોગસાહસો શરૂ કરવામાં કર્યો. 1905માં બૅંગાલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સની સ્થાપના કરી. 1912માં લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં રતન ટાટા ડિપાર્ટમેન્ટ ઑફ સોશિયલ સાયન્સ ઍન્ડ ઍડમિનિસ્ટ્રેશનની સ્થાપના કરી. આર્થિક જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે લંડન યુનિવર્સિટીમાં રતન ટાટા ફાઉન્ડેશનની સ્થાપના કરી. તેમણે 1909માં આફ્રિકાના ટ્રાન્સવાલમાં ન્યાય માટે લડનારા ભારતીયોની લડત માટે મદદ કરવા ગાંધીજીને 50,000 રૂપિયાનું દાન આપ્યું હતું. તેમણે ગોપાલકૃષ્ણ ગોખલેના સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીને સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે દસ વર્ષ સુધી વાર્ષિક 10,000 રૂપિયાનું દાન કર્યું હતું. મુંબઈ મ્યુનિસિપાલિટી દ્વારા શરૂ કરાયેલ કિંગ જ્યોર્જ પંચમ ઍન્ટિટ્યુબર ક્યુલોસિસ લીગને દસ વર્ષ સુધી વાર્ષિક 10,000 રૂપિયાનું દાન આપ્યું. એટલું જ નહીં, ભારતમાં તેના સ્થાપક જનરલ બૂથના સ્મારક માટે એક લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. 1913માં પાટલીપુત્રમાં થયેલ પુરાતત્ત્વીય ઉત્ખનન માટે મોટું ભંડોળ આપ્યું હતું. તેઓ કલાપ્રિય હતા. પ્રાચીન વસ્તુઓ ખરીદવાનો અને સંગ્રહ કરવાનો તેમને શોખ હતો. તેમણે એકઠાં કરેલાં ચિત્રો, વાસણો, કાર્પેટ, હસ્તપ્રતો વગેરે પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈને આપ્યાં હતાં. આજે છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલયમાં સર રતનજી ટાટાના સંગ્રહોનો એક વિભાગ છે. તેમણે સંબંધીના પરિવારમાંથી નવલ ટાટાને દત્તક લીધા. 1918માં તેમનું અવસાન થતાં તેમને લંડન નજીક બ્રુકવુડ કબ્રસ્તાનમાં તેમના પિતા જમશેદજી ટાટાની બાજુમાં દફનાવવામાં આવ્યા. તેમના અવસાન પછી તેમનાં પત્નીએ 1919માં સર રતન ટાટા ટ્રસ્ટની સ્થાપના કરી. તેમને 1916માં નાઇટની ઉપાધિ આપવામાં આવી હતી.
અનિલ રાવલ
