હિમાલય પર્વતમાળા


ભારતની ઉત્તરે આવેલી, વિશ્વમાં સૌથી ઊંચાં હિમાચ્છાદિત શિખરો ધરાવતી પર્વતમાળા. હિમાલય પર્વતોની અનેક હારમાળાઓથી બનેલો છે. આ હારમાળાઓ પશ્ચિમમાં પાકિસ્તાનથી માંડીને પૂર્વમાં તિબેટ સુધી આશરે – ૨૪૦૦ કિમી. લાંબી ભારત તરફ બહિર્ગોળ – એવી ચાપ આકારે આવેલી છે. દુનિયાની આ સૌથી વિશાળ પર્વતશ્રેણી ગણાય છે. આ પર્વતમાળાઓના દક્ષિણ ઢોળાવો સીધા જ્યારે ઉત્તર ઢોળાવો આછા છે. આ પર્વતશ્રેણીનાં ૩૦ શિખરો તો ૭૩૦૦ મીટરથી (૨૪,૦૦૦ ફૂટ) પણ વધુ ઊંચાઈ ધરાવે છે. આ શિખરો બરફથી છવાયેલાં અને ઉગ્ર ઢોળાવવાળાં છે. આ પર્વતશ્રેણીમાંની ખીણો મોટી હિમનદીઓ પણ ધરાવે છે. દક્ષિણ એશિયાની મોટા ભાગની નદીઓનું ઉદ્ગમસ્થાન અહીં રહેલું છે. ભારતની સિંધુથી માંડી બ્રહ્મપુત્રા સુધીની મોટી નદીઓ હિમાલયમાંથી ઉદય પામે છે. આજથી લગભગ ૩ કરોડ ૮૦ લાખ વર્ષ પૂર્વે હિમાલયની પર્વતમાળાનો તબક્કાવાર ઉદ્ભવ થયેલો. હિમાલય એ ગેડવાળા પર્વતની હારમાળા છે, જે બે ભૂતક્તીઓ (ભારતીય અને એશિયાઈ) એકબીજા સાથે અથડાતાં સર્જાઈ છે.

હિમાલય પર્વતમાળા

હિમાલય પર્વતમાળામાં કીમતી પથ્થરો અને ખનિજોના ભંડારો આવેલા છે. વળી ઘણી નદીઓ પર બંધ બાંધી વિદ્યુત પેદા કરવામાં આવે છે. નદીઓના ખીણપ્રદેશમાં તથા પહાડોના ઢોળાવો પર ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, શેરડી જેવા પાકો થાય છે. સિમલા, દાર્જિલિંગ અને આસામમાં ચાના બગીચાઓ પણ આવેલા છે. તે સિવાય ફળાઉ વૃક્ષો, ચીડ, દેવદાર, સાગ, સિડાર, શંકુવૃક્ષો, ચેસ્ટનટ વગેરે થાય છે. આ વિસ્તારોમાં જંગલી કેવડો, કેતકી અને સપુષ્પ વનસ્પતિ જોવા મળે છે. હિમાલયમાં વૈવિધ્યવાળી પ્રાણીસૃષ્ટિ છે. ર્હાઇનૉસિરોસ, યાક, રીંછ, ગૌર (જંગલી ગાય), કસ્તૂરીમૃગ, હંગુલ (કાશ્મીરી સાબર), કાળાં હરણ, દીપડા, લંગૂર વાનરો, બકરાં વગેરે પ્રાણીઓ તથા ૮૦૦થી વધુ જાતિનાં કીટકો તેમ જ પક્ષીઓ પણ અહીં વસે છે. હિન્દુ તથા બૌદ્ધ લોકો જેને ખૂબ પવિત્ર માને છે એ કૈલાસ પર્વત (ઊંચાઈ ૬,૭૪૧ મીટર) તિબેટમાં આવેલો છે. આ સ્થળે ભારત તથા મધ્ય એશિયાના ઘણા યાત્રાળુઓ યાત્રા કરવા આવે છે. કૈલાસ પર્વત પાસે મોટું માનસરોવર આવેલું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હિમાલય પર્વતમાળા, પૃ. 175)