હિલસ્ટેશન


સમુદ્રસપાટીથી આશરે ૧૦૦૦ મીટર જેટલી ઊંચાઈ પરનું હવા ખાવાનું મથક.

ગિરિમથક અથવા હિલસ્ટેશન એ એક એવું સ્થળ હોય છે, જે નજીકના મેદાન કે ખીણથી અમુક ઊંચાઈ પર આવેલું હોય. એશિયા, આફ્રિકા અને ભારતમાં આવાં સ્થળોનો વિકાસ ઘણું કરીને અંગ્રેજોએ કર્યો હતો. જ્યાં જ્યાં અંગ્રેજો શાસન કરતા હતા એવા એશિયાઈ દેશોમાં ઉનાળાની ગરમીથી રાહત મેળવવા ઊંચાઈએ આવેલાં ઠંડાં સ્થળોની પસંદગી કરાતી હતી. ભારતમાં તેઓ ખાસ કરીને હિમાલય અને નીલગિરિ ટેકરીઓમાં આવેલાં ગિરિમથકોમાં સમય વિતાવતા. તેઓએ ગિરિમથક સિમલાને ઉનાળુ પાટનગર(‘સમર કૅપિટલ’)નો દરજ્જો આપેલો. ભારતમાં ૧૮૨૦ના સમયમાં આવાં સ્થળો સેનેટોરિયમ તરીકે ઉપયોગમાં લેવાતાં હતાં. બીમાર માણસોને – ઘણું કરીને ટી.બી. જેવા રોગથી પીડાતા લોકોને સ્વચ્છ હવા, ખુશનુમા વાતાવરણ મળી રહે એવાં ગિરિમથકો પર રાખવામાં આવતા. ત્યારબાદ ૧૮૪૦થી ૧૮૫૦ દરમિયાન ઘણાં નવાં ગિરિમથકોની સ્થાપના થઈ.

સિમલા-કુલુ-મનાલીનાં હિલસ્ટેશન

આ પૂર્વે પણ ઊંચાઈ પર આવેલાં અનેક તીર્થધામોનો પણ વિકાસ થયેલો હતો, જ્યાં લોકો જાત્રા કરવા અવારનવાર જતા હતા. ૧૯મી સદીના અંતમાં ગિરિમથકોનો ઉપયોગ સામાન્ય માનવી હરવાફરવા માટે પણ કરતો થયો. ગિરિમથકો પર પ્રવર્તતી આબોહવાકીય પરિસ્થિતિ મુજબ ત્યાંનું વનસ્પતિજીવન પાંગરેલું હોય છે. અહીં વિવિધ પ્રકારનાં વૃક્ષો, ફૂલો વગેરે થાય છે. અનુકૂળ હવામાનને કારણે સફરજન, પ્લમ, લીચી, નારંગી, દ્રાક્ષ જેવાં વિવિધ ફળોનો પાક લેવામાં આવે છે. આવાં સ્થળોએ વન્ય પ્રાણીઓનું જીવન પણ ખૂબ જ સમૃદ્ધ અને વૈવિધ્યસભર હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાનો તેમ જ અભયારણ્યોમાં વિહરતાં વિવિધ જાતનાં પ્રાણીઓ અને પક્ષીઓને રક્ષણ પૂરું પાડવામાં આવે છે. ઊંચાં શિખરો, હરિયાળા ઢોળાવો, ઊંડાં કોતરો અને ખીણપ્રદેશો, સરોવરો, નદીનાળાં, જળધોધ, જંગલો, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે ગિરિમથકોને કુદરતે બક્ષેલી સમૃદ્ધિ છે. ગિરનાર, પાવાગઢ, પાલિતાણા, તારંગા અને સાપુતારા ગુજરાતનાં જાણીતાં ગિરિમથકો છે. ગિરિમથક આબુને જ્યારે રાજસ્થાનમાં સમાવી લેવામાં આવ્યું ત્યારે ગુજરાતમાં સાપુતારાનો ગિરિમથક તરીકે વિકાસ કરવામાં આવ્યો. ભારતનાં જાણીતાં ગિરિમથકોમાં શ્રીનગર, પહેલગામ, ગુલમર્ગ, સોનમર્ગ, કુફરી, સિમલા, ડેલહાઉસી, કુલુ-મનાલી, નૈનિતાલ, રાણીખેત, અલમોડા તથા મસૂરી, ગંગટોક, દાર્જિલિંગ, ક્લિમપૉંગ, ચમ્બા, માથેરાન, મહાબળેશ્વર, આબુ, મુનાર, કોડાઈકેનાલ અને ઉટાકામંડનો સમાવેશ થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હિલસ્ટેશન, પૃ. 178)