જ. 29 જાન્યુઆરી, 1860 અ. 14 જુલાઈ, 1904

રૂસી વાર્તાકાર અને નાટ્યકાર ઉપરાંત તબીબી વ્યવસાય ધરાવતા અન્તોનનો જન્મ તાગન્રોગ, રશિયામાં થયો હતો. 1884માં તેઓએ મૉસ્કો યુનિવર્સિટીમાંથી તબીબીની ઉપાધિ મેળવી હતી. એ દરમિયાન જ મોટા કુટુંબને પોષવા, મોટા ભાઈના અનુકરણે, છાપાં અને સામયિકોમાં વાર્તાઓ, રેખાચિત્રો, હાસ્યલેખો લખવાનું શરૂ કર્યું. પછીનાં ત્રણ વર્ષમાં સંગ્રહો પણ ઉપનામથી પ્રસિદ્ધ કર્યા. આથી ચેહફની આવક વધી, વાર્તાઓની ગુણવત્તા સુધરી અને લોકપ્રિયતા પણ વધી. દાક્તરી અભ્યાસ સમયે જ થયેલા ક્ષયના રોગે 1890માં રશિયાના દૂર પૂર્વમાં આવેલ સહાલીન ટાપુની મુલાકાત દરમિયાન માઝા મૂકી. આ મુલાકાતના અનુભવો એણે 1893માં પ્રસિદ્ધ કર્યા. ત્યારબાદ મૉસ્કો નજીક મેલીહોવો નગરમાં એણે તબીબી વ્યવસાય શરૂ કર્યો. આ ગાળામાં ચેહફે ‘વૉર્ડ નં. 6’, ‘માય લાઇફ’, ‘પેઝન્ટ’ વગેરે ખૂબ જાણીતી વાર્તાઓ લખી. તેઓેને લિયો તૉલ્સ્તૉય અને મૅક્સિમ ગૉર્કી જેવા લેખકોનો પરિચય થયો, આથી ‘ધ લેડી વિથ ધ ડૉગ’, ‘બિટ્રોથ્ડ’ વગેરે જાણીતી વાર્તાઓ તેમણે લખી. 1901માં મૉસ્કો આર્ટ થિયેટરની અભિનેત્રી ઑલ્ગા કનિપર સાથે લગ્ન કર્યાં. અભિનય માટે ઑલ્ગા મૉસ્કોમાં અને તબિયત સાચવવા ચેહફ યાલ્ટામાં રહેતા. ચેહફે બે શકવર્તી નાટકો લખ્યાં – ‘ધ ચેરી ઑર્ચાર્ડ’ અને ‘ધ થ્રી સિસ્ટર્સ’. જીવનના અનેકવિધ અનુભવોમાંથી અને તબીબી વ્યવસાય કરેલ નિરીક્ષણોમાંથી તેઓએ પોતાનાં પાત્રો સર્જ્યાં છે. ચેહફનાં નાટકોમાં રૂસી જીવનનું ચિત્રણ આબેહૂબ થયેલ છે. ચેહફ મહાન ગદ્યકારોની પંક્તિમાં સર્જક તરીકે સ્થાન પામ્યા, તે ઉપરાંત તેઓ સવાયા દિગ્દર્શક તરીકે પંકાયા. આ ઉપરાંત તેઓએ લખેલ સુંદર નાટિકાઓ એટલી સરસ કે તેના લીધે પણ વિશ્વસાહિત્યમાં તેઓ સ્થાન પામી શકે. તેમની ટૂંકી વાર્તાઓનાં અનેક ભાષામાં ભાષાંતરો થયાં છે. અર્નેસ્ટ જે સિમૉન્સે ‘ચેહફ (chekhov) : અ બાયૉગ્રાફી’ પુસ્તક 1970માં પ્રસિદ્ધ કર્યું છે.
અંજના ભગવતી
