જ. 31 જાન્યુઆરી, 1923 અ. 3 નવેમ્બર, 1947

પાકિસ્તાન સાથેના યુદ્ધમાં શહીદ થનાર મેજર સોમનાથ શર્માનો જન્મ કાંગડામાં થયો હતો. તેમના દાદા મોહનલાલ કાશ્મીરના મહારાજા ગુલાબસિંહની સેનાના યોદ્ધા હતા. પિતા અમરનાથ ડૉક્ટર હતા. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધમાં લડતાં ભારતીય સૈનિકોની સારવાર માટે પ્રૅક્ટિસ છોડી અને લશ્કરમાં જોડાયા હતા. માતા સરસ્વતી પ્રથમ વિશ્વયુદ્ધની કથાઓ સંભળાવતી હતી. કૉલેજશિક્ષણ પૂર્ણ કરી તેઓ 1941માં ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાં જોડાયા. તેઓ બ્રિટિશ હિંદની સેના વતી બર્મા મોરચે લડ્યા હતા. અરાકાન મોરચે સફળતા બદલ તેમને મેન્શન્ડ ઇન ડિસ્પેચિસ ચંદ્રક આપવામાં આવ્યો હતો. ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે તેઓ દિલ્હીમાં હતા. તેમના હાથે ફ્રૅક્ચર થયું હતું. તેમણે મોરચા પર જવા માટે જીદ કરી. 4થી કુમાઉં બટાલિયનની ટુકડી સાથે તેઓ શ્રીનગર પહોંચ્યા. 3 નવેમ્બર, 1947ના રોજ 700 જેટલા પાકિસ્તાની સૈનિકોએ બડગામ સરહદે હુમલો કર્યો ત્યારે ડેલ્ટા કંપનીમાં 90 સૈનિકો હતા. મેજર શર્માએ જવાનોનો જુસ્સો વધાર્યો. દુશ્મનોને માર્યા. આથી બીજું આક્રમણ આવ્યું. ડેલ્ટા કંપનીના સૈનિકો ઘાયલ થયા. જવાનોને શસ્ત્રસરંજામ પૂરો પાડવા દોડધામ કરી. દુશ્મનો નજીક આવતાં તેમને પીછેહઠ કરવાનો આદેશ મળ્યો, છતાં તેમણે લડવાનું નક્કી કર્યું. આપણા શસ્ત્રાગાર પાસે દુશ્મનની તોપનો ગોળો આવ્યો. દારૂગોળો ફાટ્યો એ સાથે જ મેજર સોમનાથ શર્મા શહીદ થયા. તેમની સૂઝબૂઝને કારણે શ્રીનગરની હવાઈ પટ્ટી પાકિસ્તાનના હાથમાં જતાં બચી હતી. ભારત સરકારે 21 જૂન, 1950ના રોજ તેમને મરણોત્તર પરમવીરચક્ર એનાયત કર્યો હતો. પરમવીરચક્ર મેળવનાર તેઓ પ્રથમ હતા.
અનિલ રાવલ
