એ. કે. હંગલ


જ. 1 ફેબ્રુઆરી, 1914 અ. 26 ઑગસ્ટ, 2012

ભારતીય હિન્દી સિનેમાના ચરિત્ર અભિનેતા એ. કે. હંગલ એક આગવી ઓળખ ધરાવે છે. એમનું મૂળ નામ અવતાર ક્રિષ્ણ હંગલ હતું. તેઓ જન્મે કાશ્મીરી પંડિત હતા. પિતા સ્વાતંત્ર્યસેનાની હોવાને કારણે દેશભક્તિના સંસ્કાર એમને બાળપણથી જ પ્રાપ્ત થયા હતા. તેઓ ફિલ્મજગતમાં આવતાં પહેલાં સ્વાતંત્ર્યસેનાની તરીકે સતત સક્રિય રહ્યા. અર્થોપાર્જન માટે દરજીકામથી કારકિર્દીની શરૂઆત કરી, પરંતુ અભિનય પ્રત્યે બાળપણથી જ લગાવ હતો. 1936માં કરાંચીમાં શ્રી સંગીત પ્રિયા મંડળમાં જોડાયા, જ્યાં વિવિધ નાટકોમાં અભિનય કર્યો. મિત્રોના પ્રભાવથી માર્કસવાદી વિચારધારા અપનાવી. સામ્યવાદી ચળવળોની પ્રવૃત્તિઓને કારણે કારાવાસ પણ ભોગવવો પડ્યો. કારાવાસમાંથી મુક્ત થયા પછી મુંબઈમાં સ્થાયી થયા. ત્યાં અભિનય માટે ઇપ્ટા સંસ્થા સાથે જોડાયા. જીવનનાં પચાસ વર્ષ પછી હિન્દી ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. 1966માં બાસુ ભટ્ટાચાર્યના દિગ્દર્શનમાં ફિલ્મ ‘તીસરી કસમ’માં અભિનય કર્યો. ‘શાગિર્દ’, ‘આઈના’, ‘શોલે’, ‘શૌકીન’, ‘નમકહરામ’, ‘બાવર્ચી’, ‘અર્જુન’, ‘આપ કી કસમ’, ‘અવતાર’ જેવી લગભગ 225 ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે પાત્રો ભજવ્યાં. 2001માં ફિલ્મ ‘લગાન’માં તેમનો અભિનય ધ્યાનાકર્ષક રહ્યો. 2008 સુધી એમની અભિનયયાત્રા ચાલુ રહી. 2008માં સિરિયલ ‘ક્રિષ્ણ ઔર કંસ’માં મહારાજા ઉગ્રસેનના પાત્રને એમણે અવાજ આપ્યો. 2008માં ‘હમસે હૈ ઝમાના’ ફિલ્મમાં અભિનય કરીને અભિનયક્ષેત્રે સંન્યાસ લીધો. 91 વર્ષે ફૅશન શોમાં વ્હિલચૅર ઉપર બેસીને રેમ્પ વૉક કરીને એક આગવી ઓળખ પણ આપી. 2006માં ભારત સરકારે એમને પદ્મભૂષણ ઍવૉર્ડથી સન્માનિત કર્યા હતા. એ. કે. હંગલ સદા એક સંસ્કારી, નીતિવાન, આદર્શ વ્યક્તિના પાત્રમાં ભાવકોના હૃદયમાં સદાય બિરાજમાન રહેશે. 98 વર્ષની ઉંમરે ઉંમરાધીન વ્યાધિઓ અને ફૅક્ચર થવાને કારણે તેમનું અવસાન થયું.