કૌમુદી મુન્શી


જ. 3 ફેબ્રુઆરી, 1929 અ. 14 ઑક્ટોબર, 2020

ગુજરાતી સુગમસંગીતને લોકપ્રિય બનાવનાર, કુંવર નંદલાલ મુન્શી અને અનુબહેન મુન્શીના છઠ્ઠા સંતાન તરીકે જન્મેલ કૌમુદી મુન્શીના દાદા માધવલાલ મુન્શી બ્રિટિશ વાઇસરૉય લૉર્ડ મિન્ટોના સલાહકાર સમિતિના સભ્ય હતા અને મામા રમણલાલ વસંતલાલ દેસાઈ ગુજરાતી સાહિત્યના ખૂબ જાણીતા લેખક હતા. દેખીતી રીતે જ ઘરમાં સાહિત્ય અને સંગીતનું વાતાવરણ હતું. 1950માં તેઓ બનારસ યુનિવર્સિટીમાંથી સંગીતમાં સ્નાતક થયા ત્યારે સમાજ ગાયિકાઓને પ્રોત્સાહન આપે તેવો ન હતો. 21 વર્ષની વયે રેડિયો પર ગાયિકા બનવાના સપના સાથે તેઓ મુંબઈ આવ્યાં. હિન્દીભાષી હોવાના લીધે ગુજરાતી ગાવાનું ખૂબ કપરું હોવા છતાં શ્રી ર. વ. દેસાઈના માર્ગદર્શન હેઠળ અને ભાઈ અક્ષય દેસાઈના પીઠબળથી તેમણે ખૂબ પરિશ્રમ કર્યો. 1952માં તેમણે ઑલ ઇન્ડિયા રેડિયોમાં ઓડિશન આપ્યાં અને પસંદગી પણ પામ્યાં. મુંબઈમાં તેમને વિરલ સંગીતસર્જકો શ્રી અવિનાશ વ્યાસ, શ્રી દિલીપ ધોળકિયા, શ્રી અજિત મર્ચન્ટ વગેરેનો સહવાસ સાંપડ્યો. પરિવારોના વિરોધ વચ્ચે તેઓ શ્રી નીનુ મજુમદાર સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. સાહિત્ય અને સંગીતને વરેલી આ જોડીએ ગુજરાતની અસ્મિતાને છાજે એવાં અસંખ્ય સુંદર સ્વરાંકનો અને ગીતોથી ગુજરાતી સુગમસંગીતને સમૃદ્ધ કર્યું. તે સમયનાં ઠૂમરીક્વીન ગણાતાં શ્રી સિદ્ધેશ્વરી દેવી પાસે તેમણે તાલીમ લીધી. જાણીતા સંગીતકાર તાજ અહેમદ ખાન પાસે ગઝલ ગાયકીની તાલીમ લીધી. લગભગ 50 વર્ષની સંગીત કારકિર્દી ધરાવનાર અને ગાતી વખતે દરેક ભાવને આત્મસાત્ કરી જાણનાર કૌમુદીબહેન ગુજરાતની ‘બુલબુલ’ (Nightangle of Gujarat) કહેવાયાં. તેઓ એવા જૂજ કલાકારોમાંનાં એક હતાં કે જે ગરબો, ગઝલ કે ઠૂમરી – દરેકને અસરકારક રીતે રજૂ કરી શકતાં. ગાનપ્રકારો દાદરા, ચૈતી, કજરી, ભોજપુરી લોકગીતો દરેકમાં તે નિપુણ હતાં. દૂરદર્શન અને ઑલ ઇન્ડિયા રેડિયો પર તેમણે ઘણા કાર્યક્રમો આપ્યા. 1952માં HMV દ્વારા તેમનું ગરબાનું આલબમ બહાર પાડવામાં આવ્યું હતું. તેમની અનેક રચનાઓને કંઠ આપ્યો છે જેમાં ‘ગુજરાત મોરી મોરી રે’, ‘ઓ શ્રીનાથજી ચોર્યાસી રંગનો સાથિયો’, ‘સાચી રે મારી સત રે ભવાની મા’ વગેરેનો સમાવેશ થાય છે.