ભારતની રાષ્ટ્રીય રમત.
ભારતે આ રમતમાં મેળવેલી વિશ્વકક્ષાની સિદ્ધિઓને કારણે હૉકીની રમતને ‘રાષ્ટ્રીય રમત’નો દરજ્જો આપવામાં આવ્યો છે. દડાને લાકડી (ગેડી) વડે ફટકારીને રમવાની આ રમત મૂળભૂત રીતે ઘણી જૂની છે. પ્રાચીન યુગના પુરાવાઓ પ્રમાણે ભારતમાં આવી રમત ૫૦૦૦ વર્ષ પૂર્વે મહાભારત-કાળમાં ‘ગેડીદડા’ના સ્વરૂપે રમાતી હતી. ‘હૉકી’ શબ્દ ફ્રેન્ચ ભાષાના ‘હૉકીટ’ (hoquet) શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ ‘એક છેડેથી વળેલી લાકડી’ એવો થાય છે. અર્વાચીન હૉકીનું જન્મસ્થળ ઇંગ્લૅન્ડ ગણાય છે. રમતના સૌપહેલા નિયમો ઘડવાનું શ્રેય પણ ઇંગ્લૅન્ડની બ્લૅકહીથ ક્લબને જાય છે. ભારતમાં આ રમત પ્રચલિત કરવાનું શ્રેય અંગ્રેજોને ફાળે જાય છે. ભારતમાં ઇન્ડિયન હૉકી ફેડરેશનની રચના ૭ નવેમ્બર, ૧૯૨૫ના રોજ કરવામાં આવી હતી. તે સમગ્ર દેશમાં આ રમતનું નિયંત્રણ કરે છે. આ રમત ૧૯૦૦માં પૅરિસ ઑલિમ્પિક સ્પર્ધામાં પ્રથમ વાર સામેલ થઈ.

હૉકીની મૅચ
હૉકીની રમત ૩૦ મિનિટના બે ભાગમાં રમાય છે. અગિયારની એક, એવી બે ટુકડીઓ મેદાનમાં ઊતરે છે. પાંચ અવેજી ખેલાડીઓ હોય છે. રમતની શરૂઆત મધ્યરેખાથી પ્રથમ ફટકો મારીને થાય છે. ટુકડી સામા પક્ષના ગોલદ્વારમાં દડો મોકલવા રમે છે. જેનો દડો ગોલની જાળીને અડકે છે તેને ગોલ મળે છે. ગોલકીપર દડો અટકાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે દરેક ટુકડી સામા પક્ષ સામે વધુમાં વધુ ગોલ કરવાનો પ્રયત્ન કરે છે. રમતના અંતે જે ટુકડીના ગોલ વધુ હોય છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. ખેલાડીઓ મોટા ભાગે કૅન્વાસના બૂટ, લાંબાં મોજાં, જરસી અને ચડ્ડી પહેરે છે. જરસી ઉપર રમનારનો નંબર લખેલો હોય છે. દરેક ટુકડીનો ગણવેશ એકસરખો હોય છે, જ્યારે ગોલકીપરનો ગણવેશ બીજા ખેલાડીઓ કરતાં જુદો હોય છે. નિયમોનો ભંગ કરનાર ખેલાડીને દંડ થાય છે. હૉકીની રમતમાં સંઘભાવના મહત્ત્વની ગણાય છે. આ રમતમાં સારો દેખાવ કરવા માટે ખેલાડીનું પાસિંગ, પુશિંગ, હિટિંગ, ડ્રિબ્લિંગ, ટૅકલિંગ, ઇન્ટરસૉટિંગ, ડૉજિંગ વગેરે કૌશલ્યો પર પ્રભુત્વ હોવું જરૂરી છે. મહિલા હૉકી વિશ્વ-કપ રમવાની શરૂઆત ૧૯૭૪માં થઈ. ભારતીય મહિલા હૉકી ટીમ ‘નભવર્ણ’ (Nabhvarna) તરીકે ઓળખાય છે. વિશ્વ-ક્રમાંકમાં હાલની ભારતીય હૉકી ટીમ નવમા ક્રમાંકે છે. એશિયન રમતોત્સવ, રાષ્ટ્રસમૂહ સ્પર્ધા, હૉકી એશિયા કપ તેમ જ એશિયન હૉકી ચૅમ્પિયનશિપ ટ્રૉફીમાં ભારતીય મહિલા હૉકી ટીમનું પ્રદર્શન સારું રહ્યું હતું; પરંતુ ઑલિમ્પિક તથા વિશ્વ-કપ સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમનો દેખાવ નિરાશાજનક રહેલો.
અમલા પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હૉકી, પૃ. 197)
