Categories
વાચન સમૃદ્ધિ

સદાનંદ બાક્રે

જ. ૧૦ નવેમ્બર, ૧૯૨૦ અ. ૧૮ ડિસેમ્બર, ૨૦૦૭

આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પી. સ્વાતંત્ર્યોત્તર ભારતીય કલામાં આધુનિકતાની ચેતના પ્રગટાવવામાં બાક્રેનું પ્રદાન અગત્યનું છે. મુંબઈમાં ગોખલે એજ્યુકેશન સોસાયટી સ્કૂલમાં અભ્યાસ કરીને સોળ વર્ષની ઉંમરે તેમણે પોતાનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન મુંબઈમાં યોજ્યું, જેમાં નિસર્ગચિત્રણ ઉપરાંત માનવઆકૃતિનાં ચિત્રો અને શિલ્પો તથા પદાર્થચિત્રણનો સમાવેશ હતો. ૧૯૩૯માં મૅટ્રિક્યુલેશન પસાર કરીને તેમણે મુંબઈ ખાતેની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં શિલ્પકલાના વિદ્યાર્થી તરીકે પ્રવેશ  મેળવ્યો. અભ્યાસ પૂરો થતાં ૧૯૪૪માં તેમને ડિપ્લોમા મળ્યો. ૧૯૪૪થી તેમણે શિલ્પસર્જન ત્યાગીને માત્ર ચિત્રસર્જન કર્યું. મુન્ટર, કેન્ડીન્સ્કી, કલી, વ્લામીન્ક, ઑટો ડીક્સ અને બીજા જર્મન એક્સ્પ્રેશનિસ્ટ ચિત્રકારોનો પ્રભાવ વિશેષ ઝીલ્યો.

૧૯૪૭માં મુંબઈ ખાતે બીજા સાથી આધુનિક ભારતીય કલાકારો એસ. એચ. રઝા, એફ. એન. સૂઝા, એમ. એફ. હુસેન, આરા અને ગાડે સાથે મળીને બાક્રેએ ‘પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ્સ ગ્રૂપ’ની સ્થાપના કરી. વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન યુરોપ અને અમેરિકામાં જે કલાપ્રવાહો જન્મ્યા અને બળવાન બન્યા તે પ્રવાહોને આત્મસાત્ કર્યા. આ કલાપ્રવાહોને વીસમી સદીના ઉત્તરાર્ધમાં ભારતમાં લઈ આવવામાં આ જૂથે જે કાર્ય કર્યું, તેમાં બાક્રેએ મહત્ત્વનું પ્રદાન કર્યું. અવનીન્દ્રનાથ ટાગોર અને નંદલાલ બોઝ હેઠળ ભારતીય કલાનાં પ્રાચીન, મધ્યયુગીન અને પરંપરાગત તત્ત્વોને ઉજાગર કરતી અને તેનો મહિમા કરતી બંગાળ શૈલીની કલા(બૅંગોલ સ્કૂલ)નો પ્રભાવ આઝાદી પછીના ભારતના કલાકારો પરથી ફગાવી દેવા પાછળ પ્રોગ્રેસિવ આર્ટ ગ્રૂપ અને બાક્રે સફળ નીવડ્યા. રસશાસ્ત્ર(ઍસ્થૅટિક્સ)નાં પરંપરાગત ચોકઠાં અને બંધનો નવા કલાકારોના દિમાગમાંથી ફગાવી દેવાના પ્રયત્નમાં પણ સફળ નીવડ્યા. લૉર્ડ હાર્ડીન્ગ સ્કૉલરશિપની સહાયથી બાક્રે ૧૯૫૦માં લંડન પહોંચ્યા અને ત્યાં શિલ્પકલા સર્જનમાં આગળ વધ્યા. ૧૯૫૦થી ૧૯૭૫ સુધી બાક્રે લંડનમાં વસ્યા. ૧૯૭૫માં તેઓ ભારત પાછા આવીને રત્નાગિરિ ખાતે માદરેવતન મુરુડમાં વસ્યા.

સદાનંદ બાક્રેનાં ચિત્રોમાં ઘનવાદ (Cubism) અને અભિવ્યક્તિવાદ (Expressionism) સ્ફુટ થયેલા જોઈ શકાય છે. ૨૦૦૪માં બૉમ્બે આર્ટ સોસાયટીએ તેમને ‘લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડથી નવાજ્યા હતા.

અમિતાભ મડિયા

Categories
વાચન સમૃદ્ધિ

દાનની કિંમત સમર્પણ પર અંકાય છે !

ચોતરફ દુષ્કાળ પ્રવર્તતો હતો. અન્નના અભાવે માનવીઓ ટપોટપ મૃત્યુ પામતા હતા. એનાથીય વિશેષ બૂરી દશા પશુઓની હતી. ચોમેર ભૂખ્યાં બાળકોનાં આક્રંદ સંભળાતાં હતાં. સ્ત્રીઓની આંખોમાં ભૂખ અને લાચારીનાં આંસુ હતાં. એ સમયે સમગ્ર દેશમાં અદ્વૈતવિચારનો પ્રસાર કરનાર આદિ શંકરાચાર્યે આવી પરિસ્થિતિનું નિરાકરણ કરવાનો સંકલ્પ કર્યો. મહાન અને ગહન જ્ઞાન ધરાવતા આ આચાર્યે માનવતા કાજે અહાલેક જગાવી. આદિ શંકરાચાર્યે રાજાઓને ટહેલ નાખી અને રાજાઓએ એમના અન્નભંડારોનું અન્ન આપવા માંડ્યું. શ્રેષ્ઠીઓ એમની ધનસંપત્તિ એમનાં ચરણોમાં અર્પણ કરવા લાગ્યા. ખેડૂતો પોતાની પાસેનું અનાજ આપવા લાગ્યા. ચોમેરથી દુષ્કાળગ્રસ્ત લોકોને માટે મદદ આવતી હતી. દાનની ધારા વહેવા લાગી. ક્યાંક માનવતા તો ક્યાંક જીવદયાની મહેક પ્રસરવા લાગી. એક ગરીબ ખેડૂતને પણ દાન આપવાની ઇચ્છા જાગી, પણ એની પાસેથી દુષ્કાળે બધું હરી લીધું હતું. એના ખેતરમાં ધાન ઊગ્યું નહોતું. વખાના માર્યા ઢોરઢાંખર પણ વેચી દીધાં હતાં. બસ, માત્ર એક દાતરડું બચ્યું હતું.

ખેડૂત એ દાતરડું લઈને બજારમાં ગયો અને એમાંથી એને બે દ્રમ્મ મળ્યા. આ બે દ્રમ્મની તે શી કિંમત ? જ્યાં રાજાઓ અને શ્રેષ્ઠીઓ સુવર્ણમુદ્રાઓનો ધોધ વહેવડાવતા હોય, ત્યાં આ એક નાનકડા બિંદુની તે શી વિસાત ? પણ ખેડૂતથી રહી શકાયું નહીં. એ એના ફાટ્યા-તૂટ્યા કેડિયાના ખિસ્સામાં બે દ્રમ્મ નાંખીને આદિ શંકરાચાર્ય પાસે પહોંચ્યો. સભામાં દાનની મોટી મોટી જાહેરાતો થઈ રહી હતી. કોઈ હજાર સુવર્ણમુદ્રાનું દાન કરતા હતા તો કોઈ દશ હજાર સુવર્ણમુદ્રા દાનમાં આપતા હતા. આવે સમયે આ ખેડૂતને એટલો સંકોચ થયો કે એના આ બે દ્રમ્મની તે શી કિંમત ?

એ આદિ શંકરાચાર્ય પાસે ગયો અને ખિસ્સામાંથી બે દ્રમ્મ બહાર તો કાઢ્યા, પરંતુ આપતાં શરમ આવતી હતી. આદિ શંકરાચાર્યે આ જોયું. એમણે ભાવથી ખેડૂતને નજીક બોલાવ્યો અને કહ્યું, ‘આવ ભાઈ, તું શું લાવ્યો છે ? કહે તો ખરો !’ ગરીબ ખેડૂતે પોતાની કથની કહી અને પછી બે દ્રમ્મ આદિ શંકરાચાર્યને ચરણે ધર્યા. આ સમયે સભામાં રાજવીઓ, શ્રેષ્ઠીઓ અને અનુયાયીઓ ઉપસ્થિત હતા. એમની સમક્ષ આદિ શંકરાચાર્યે કહ્યું, ‘આ ખેડૂતના બે દ્રમ્મ એ સૌથી મહાન દાન છે, કારણ કે અન્ય સહુએ પોતાના ધન કે ધાન્યનો અમુક ભાગ જ દાનમાં આપ્યો છે, જ્યારે આ ખેડૂતે સર્વસ્વ અર્પણ કર્યું છે.’ આમ દાન ભાવના સાથે જોડાયેલું છે, વસ્તુ સાથે નહીં. એ કિંમત સાથે નહીં, પણ મૂલ્યો સાથે સંબંધ ધરાવે છે. દાન આપનાર કેટલું સમર્પણ કરે છે, તેના પર તેની કિંમત અંકાય છે. ખેડૂતે માત્ર બે દ્રમ્મનું દાન આપ્યું, પરંતુ એનું મહત્ત્વ હજારો સુવર્ણમુદ્રાઓથી પણ વિશેષ હતું.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

નીનુ મજુમદાર

જ. ૯ નવેમ્બર, ૧૯૧૫ અ. ૩ માર્ચ, ૨૦૦૦

માત્ર ગાયક નહિ પણ સંગીતજ્ઞ અને બહુશ્રુત સ્વરકાર નીનુ મજુમદારનો જન્મ વડોદરામાં થયો હતો. પિતા નગેન્દ્રભાઈ ચલચિત્રોના અભિનેતા અને સંગીતકાર હતા. બાળપણથી જ સંગીત સાથે લગાવ હતો અને તેથી જ  નીનુભાઈએ ઉસ્તાદ ફૈયાઝખાં અને ઉસ્તાદ ઇમામઅલીખાન પાસે સંગીતની તાલીમ લીધી હતી. ૧૯૩૧માં મુંબઈ આવીને નીનુભાઈ પિતા સાથે જોડાયા. રવીન્દ્રસંગીતની પણ તાલીમ લીધી. ૧૯૩૭માં વારાણસી જઈ ઉત્તર ભારતનું લોકસંગીત શીખ્યા. મુંબઈ પાછા આવીને પિતાની સાથે જ તેમણે ચલચિત્રોમાં સંગીત આપવાનું શરૂ કર્યું. શરૂઆત તેમણે બંસરીવાદનથી કરી. સમય જતાં હિંદી અને ગુજરાતી ચિત્રોમાં પાર્શ્વગાયક અને સંગીતકાર બન્યા. સી. એચ. આત્મા અને મીના કપૂર પાસે તેમણે ગીતો ગવડાવ્યાં હતાં. હિંદી ચિત્ર ‘ગોપીનાથ’માં તેમનું સંગીત ખૂબ વખણાયું હતું. ૧૯૫૬માં વી. શાંતારામે બનાવેલા દસ્તાવેજી ચિત્ર ‘ગુજરાતનું લોકસંગીત’નું નિર્દેશન નીનુભાઈએ કર્યું હતું. નીનુભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. સંગીતમાં શાસ્ત્રીય, લોક અને સુગમસંગીત, ગરબા, નાટક વગેરે ક્ષેત્રોમાં તેમની આગવી સૂઝ હતી. ગુજરાતના ગામડે ગામડે ફરીને તેમણે લોકસંગીતનું સંશોધન કર્યું હતું. ૧૯૫૩થી ૧૯૭૫ સુધી આકાશવાણી મુંબઈમાં સંગીતનિર્માતા તરીકે તેઓ કાર્યરત હતા. ત્યાંથી નિવૃત્ત થયા બાદ ‘સીતાયન’ અને બીજાં સંગીતનાટકો તેમણે લખ્યાં હતાં. તેમણે સ્વરબદ્ધ કરેલાં જાણીતાં ગીતોમાં ‘મેં તો રંગ્યો હતો એને દિલડાની સંગ’, ‘રક્ષા કરો જગદંબા ભવાની’, ‘પંખીઓએ કલશોર કર્યો’ વગેરેનો સમાવેશ થાય છે.

તેમનું આખું કુટુંબ વિવિધ કળા સાથે સંકળાયેલું છે. પત્ની કૌમુદી મુનશી ગુજરાતની કોકિલાના ઉપનામથી પ્રખ્યાત ગાયિકા હતાં અને પુત્રી રાજલ મહેતા પણ ગાયિકા છે. મીનળ પટેલ અભિનેત્રી છે અને સોનલ શુક્લ લેખિકા છે. પુત્ર ઉદય મજુમદાર ગાયક અને સંગીતકાર છે. નીનુ મજુમદારની ગીત બંદિશોમાં કાવ્ય અને સંગીતના ઊંડા રસની અભિવ્યક્તિ પ્રાપ્ત થાય છે.

અમલા પરીખ