દીર્ઘ સાધના બાદ પ્રાપ્ત સિદ્ધિથી બંને સાધુઓ પ્રસન્ન હતા, કિંતુ એમનામાં સાધનાના ગૌરવને બદલે એનો ગર્વ જાગ્યો અને પ્રાપ્ત સિદ્ધિઓનો અહંકાર ઘેરી વળ્યો. એક વાર આ બંને સાધુઓ એક સ્થળે ભેગા થઈ ગયા. બંનેના અહમ્ ટકરાયા. તરત જ તેમના અનુયાયીઓ સામસામા આવી ગયા. સવાલ એ જાગ્યો કે આ બંને સાધુઓમાં કોની સાધના ચડિયાતી ગણાય ?
પહેલા સાધુએ પોતાનું સિદ્ધિસામર્થ્ય દર્શાવતાં કહ્યું કે, ‘મારી પ્રબળ સાધનાને પરિણામે મેં અદભુત શક્તિ મેળવી છે. હું આકાશમાં ઊડી શકું છું.’
આમ કહીને એ સાધુએ ધ્યાન લગાવ્યું. ધીરે ધીરે તેઓ જમીનથી વધુ ને વધુ ઊંચે થવા લાગ્યા અને થોડી વારમાં તો આકાશમાં ઊડવા લાગ્યા. પહેલા સાધુની સિદ્ધિની મજાક ઉડાવતાં બીજા સાધુએ કહ્યું, ‘મારી પાસે એથીય વધુ અદભુત વિદ્યા છે. પાણીભર્યા સરોવરની વચ્ચે હું પલાંઠી વાળીને બેસીશ અને એથીય વિશેષ મારું શરીર એ પાણીથી સહેજે ભીંજાશે નહીં; જળકમળવત્ રહેશે.’
બીજા સાધુએ સરોવરની વચ્ચે પાણીમાં પલાંઠી લગાવી અને પાણીથી ભીંજાયા વિના પાણી મધ્યે બેઠા. સ્પર્ધા થઈ પણ પરિણામ ન આવ્યું. બંને વચ્ચે શ્રેષ્ઠ કોણ એનો ચુકાદો હજી બાકી હતો, આથી બંને એક તપોનિષ્ઠ સાધુ પાસે ગયા. એ સાધુ વૃક્ષ નીચે બેસીને અનાથ બાળકોને વિદ્યા આપતો હતો. વિકલાંગોને મદદ કરતો હતો, દુ:ખીઓને આશ્રય અને નોંધારાને આધાર આપતો હતો. પેલા બંને સાધુએ આ તપસ્વીને પોતાની સિદ્ધિની મહત્તા બતાવી, ત્યારે તપસ્વીએ જવાબ આપ્યો, ‘જુઓ ! આકાશમાં ઊડવાનો જાદુ એક નાનકડી ચકલી પણ કરી શકે છે. પાણીમાં ભીના થયા વિના રહી શકવાની શક્તિ નાની માછલી પણ ધરાવે છે. આમાં કઈ મોટી શક્તિ અને સિદ્ધિ તમારી ગણાય ? આવી શક્તિ તો ચકલી અને માછલી જેવી ગણાય.’
બંને સાધુઓને સત્ય સમજાયું. એમણે આ મહાયોગીને પૂછ્યું, ‘આપ જ કહો કે સાચી સિદ્ધિ કઈ કહેવાય ?’
યોગીરાજે કહ્યું, ‘આકાશમાં ઊડવાથી કે સરોવરના પાણીથી અસ્પૃષ્ટ રહેવાથી કશું સધાશે નહીં. સાચી સિદ્ધિ તો ધરતી પર વસે છે એ સંતપ્ત માનવીઓની સેવા કરવામાં અને આત્મ-ઓળખમાં છે, એ બીજા કશામાં નથી.’
સિદ્ધિની પાછળ ઘેલા બનેલા સાધુ હોય કે પછી સિદ્ધિ-ચમત્કારો કરી આપનારા યોગી હોય, એનું સમાજને કશું કામ નથી. સમાજ તો સાચા સાધુને ઝંખે છે કે જે પોતાના આત્મકલ્યાણની સાથે જગતકલ્યાણની પ્રવૃત્તિ કરે.
કુમારપાળ દેસાઈ