(મામાસાહેબ)
જ. ૨ ડિસેમ્બર, ૧૮૮૭ અ. ૨૯ જુલાઈ, ૧૯૭૪
‘મામાસાહેબ’ તરીકે જાણીતા વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે અસ્પૃશ્યતાનિવારણ જેવાં રચનાત્મક કાર્ય કરનાર સ્વાતંત્ર્યસૈનિક અને ગાંધીવાદી સેવક હતા. ‘ગાંધીજીના જમાનાનો હું પહેલો અંત્યજસેવક ગણાઉં’ એવી જેમણે પોતાની ઓળખ આપી છે એવા મામાસાહેબ ફડકે દલિતોદ્ધારના ભેખધારી હતા. અનેક દલિત વિદ્યાર્થીના જીવનમાં કેળવણીનો પ્રકાશ પાથરનાર ખરા અર્થમાં ‘અવધૂત’ પણ હતા. મહારાષ્ટ્રના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા મામાસાહેબ ફડકે આરંભથી જ અંગ્રેજી શિક્ષણ અને અંગ્રેજ સત્તાના વિરોધી હતા. લોકમાન્ય ટિળક તેમના આદર્શ હોવાથી ૧૯૦૬માં ઓગણીસ વરસના વિઠ્ઠલ ફડકેએ રત્નાગિરિમાં ટિળકની પચાસમી જન્મજયંતીએ જે ભાષણ આપેલું ત્યારથી તેઓ લોકોની અને પોલીસની નજરે ચડી ગયા હતા. ભણવામાંથી મન ઊઠી જવાથી દેશસેવા માટે પિતાની આજ્ઞા સાથે તેમણે ઘર છોડ્યું હતું અને ફરતા ફરતા વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં શિક્ષક તરીકે જોડાયા હતા. તેમણે ત્રણેક વરસ ગિરનારમાં અજ્ઞાતવાસમાં ગાળ્યાં હતાં.
૧૯૧૫માં ગાંધીજીની મુલાકાત પછી અમદાવાદમાં આવી સત્યાગ્રહ આશ્રમ કોચરબમાં જોડાયા હતા અને ગાંધીમય બની ગયા હતા. ૧૯૧૭માં ગોધરા ખાતે એક રાજકીય અને સામાજિક પરિષદ મળી હતી. એ નિમિત્તે ગોધરાના સફાઈ કામદારોની વસ્તીમાં ગાંધીજીની સભા થઈ અને તેમના માટે એક શાળા શરૂ કરવામાં આવી હતી. વીસમી સદીના પહેલા બીજા દસકામાં દલિતોના શિક્ષણનું કામ કેટલું મુશ્કેલ હતું તે મામાસાહેબની આત્મકથા ‘મારી જીવનકથા’માં સ્પષ્ટ જોવા મળે છે. ગોધરાની આ અંત્યજ શાળા પછી આશ્રમમાં પરિવર્તિત થઈ હતી. અને આમ ભારતનો સૌપ્રથમ આશ્રમ ગોધરામાં શરૂ થયો હતો. ૧૯૨૪માં તેમના અધ્યક્ષપદે બોરસદમાં એક અંત્યજ પરિષદ યોજાઈ હતી. સ્વરાજની લડતમાં જોડાઈને મામાએ હાલોલ, સાબરમતી અને વિસાપુરની જેલોમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. ૧૯૪૪માં સત્તાવન વરસે પણ પોતાના રોટલાનો લોટ જાતે જ દળતા મામાને ઘંટીનો અંદરનો ખીલો વાગી જવાથી તેમણે એક આંખ પણ ગુમાવી હતી.
ગોધરાના ગાંધી આશ્રમ સાથે હવે મામાસાહેબ ફડકેનું નામ જોડાવાથી તે દલિતોદ્ધારનાં કાર્યોનું જીવંત સ્મારક બન્યો છે. મહાદેવભાઈ દેસાઈએ તેમને ‘અંત્યજ ઉદ્ધાર માટે જીવનવ્રત લેનાર’ ગણાવ્યા હતા.
અશ્વિન આણદાણી