Categories
વાચન સમૃદ્ધિ

રખાલદાસ બેનરજી

જ. ૧૨ એપ્રિલ, ૧૮૮૫ અ. ૨૩ મે, ૧૯૩૦

ભારતીય પુરાતત્ત્વવિદ, ઇતિહાસકાર અને સાહિત્યકાર રખાલદાસ બેનરજીનો જન્મ કૉલકાતાના મુર્શિદાબાદ જિલ્લાના બહેરામપુરમાં થયો હતો. પિતા માતીલાલ અને માતા કાલીમતી. પ્રાથમિક શિક્ષણ વતન બહેરામપુરામાં લીધું. કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક થયા અને ત્યારબાદ એમ.એ.ની પદવી મેળવી. પ્રો. હરપ્રસાદ શાસ્ત્રી પાસે રહીને સંસ્કૃત, ભાષાશાસ્ત્ર અને લિપિવિદ્યાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. શરૂઆતમાં કૉલકાતાના ઇન્ડિયન મ્યુઝિયમમાં પુરાતત્ત્વ વિભાગના સહાયક તરીકે જોડાયા. ત્યારબાદ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણમાં સહાયક સુપરિન્ટેન્ડન્ટ તરીકે સેવાઓ આપી. ૧૯૧૭માં ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના પશ્ચિમ વિભાગના વડા તરીકે નિયુક્ત થયા. ૧૯૨૨માં મોહેં-જો-દડોના ઉત્ખનનની પ્રશસ્ય કામગીરી સંભાળી. હડપન્ન સંસ્કૃતિ અને મોહેં-જો-દડોની  સંસ્કૃતિ વચ્ચેની સામ્યતા શોધવાનું શ્રેય તેમના ફાળે જાય છે. મોહેં-જો-દડોના ઉત્ખનનમાં તેમણે બૌદ્ધ ધર્મ પૂર્વેના કલાકારીગરીના નમૂના શોધી કાઢ્યા હતા. ૧૯૨૪માં ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના પૂર્વવિભાગના વડા તરીકે નિમાયા પછી ગુપ્ત અને પાલ રાજવંશોના સંશોધનક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરી અગ્રગણ્ય ઇતિહાસકાર તરીકે પંકાયા. ૧૯૨૬માં રાજીનામું આપી સેવાનિવૃત્ત થયા. યુનિવર્સિટી ઑવ્ કૉલકાતામાં અધ્યાપન કર્યા પછી ૧૯૨૮માં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષપદે નિમાયા અને અવસાન સુધી એ હોદ્દા પર રહ્યા. ‘બંગલાર ઇતિહાસ (બે ખંડ), ‘હિસ્ટરી ઑવ્ ઓરિસા (બે ખંડ) ‘એજ ઑવ્ ધ ઇમ્પીરિયલ ગુપ્તાઝ’, જેવા સંશોધનમૂલક ગ્રંથો અને ‘પક્ષાંતર’, ‘વ્યક્તિક્રમ’ તેમજ ‘અનુક્રમ’ જેવી સાહિત્યિક કૃતિઓને કારણે રખાલદાસને ભારે ખ્યાતિ મળી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

જોહાનિસબર્ગ

દક્ષિણ આફ્રિકાનું મોટામાં મોટું નગર, ભૌગોલિક સ્થાન ૨૬° ૧૨´ દ. અ. અને ૨૮° ૦૫´ પૂ. રે.. સમૃદ્ધ ઔદ્યોગિક કેન્દ્ર. સોનાની ખાણો પર આધારિત ઉદ્યોગોનું મથક. તે ટ્રાન્સવાલ પ્રાંતના દક્ષિણે, સોનાનો જથ્થો ધરાવતી ટેકરીઓની હાર વચ્ચે, સમુદ્ર સપાટીથી ૧,૭૫૬ મી. ઊંચાઈ પર વસેલું છે. તેનું ક્ષેત્રફળ ૪૪૩ ચોકિમી. અને મહાનગરની વસ્તી ૪૮,૦૩,૨૬૨ (૨૦૨૨) છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં સોનાની ખાણોની શોધ થતાં ત્યાં વસવાટ શરૂ થયો. ૧૮૮૬માં તેને નગરનો દરજ્જો પ્રાપ્ત થયો. તે ડરબનથી ૪૮૩ કિમી., કેપટાઉનથી ૧,૨૮૭ કિમી. તથા પ્રિટોરિયાથી ૧૬૦ કિમી. અંતરે આવેલું છે. દક્ષિણ આફ્રિકાના અતિ ગીચ વસ્તીવાળા પ્રદેશમાં વિકસ્યું છે. દક્ષિણ આફ્રિકાની ભૂતપૂર્વ સરકારની રંગભેદનીતિ મુજબ આ નગર શ્વેત અને અશ્વેત લોકોના અલાયદા વસવાટો વચ્ચે વિભક્ત થયેલું છે; દા. ત., નગરના ઉત્તર તરફના વિસ્તારમાં શ્વેત વસ્તી ધરાવતાં પરાં તો દક્ષિણ તરફના વિસ્તારમાં સોવેટો, નાન્સફિલ્ડ અને લેનાશિયા જેવા અશ્વેત લોકોના વસવાટો પથરાયેલા છે.

શહેરની આબોહવા ૧૦ સે. અને ૨૦ સે. તાપમાન વચ્ચે રહે છે. તથા વાર્ષિક સરેરાશ વરસાદ ૭૬૦ મિમી. પડે છે. નગરની બાજુમાં સોનાની ખાણો હોવાથી તેના પર આધારિત ખાણ-ઉદ્યોગનો ત્યાં વિકાસ થયો છે તથા વિશ્વની તેને લગતી મોટામાં મોટી પેઢીઓ ત્યાં આવેલી છે. ઉપરાંત દક્ષિણ આફ્રિકાની મોટામાં મોટી ઔદ્યોગિક અને નાણાકીય પેઢીઓનાં મુખ્ય મથકો ત્યાં કેન્દ્રિત થયેલાં છે. શૅરબજાર ત્યાં ધીકતો ધંધો કરે છે. સોનાના ઉત્પાદન ઉપરાંત ઔદ્યોગિક હીરા (industrial diamonds), યુરેનિયમ, ખાણ-ઉદ્યોગનાં ઉપકરણો, સ્વચાલિત વાહનોના છૂટા ભાગ, ટ્રાન્ઝિસ્ટર, વીજળી તથા વાહનવ્યવહારનાં સાધનો, રસાયણો, ઇજનેરી અને છાપકામની વસ્તુઓ અને ખાદ્યપ્રક્રમણના એકમો નગરમાં વિકસ્યા છે.

પર્યટનની દૃષ્ટિએ નગરમાં જોવાલાયક બાંધકામોમાં ૨૩૦ મી. ઊંચાઈ ધરાવતા બે મિનાર (જેમાં એક રેડિયો તથા બીજો ટેલિફોનનો મિનાર છે), (૫૦ માળનું વિશાળ મકાન) જેમાં જુદાં જુદાં કાર્યાલયો છે; મોટું રેલમથક, નાટ્યગૃહો, કલાકેન્દ્ર, વસ્તુસંગ્રહાલય, સર્પ-ઉદ્યાન, પ્રાણીસંગ્રહાલય તથા પક્ષીઓ માટેનું અભયારણ્ય ઉલ્લેખનીય છે.

નગરમાં વિટવૉટર્સરૅન્ડ યુનિવર્સિટી (સ્થાપના ૧૯૦૩), રૅન્ડ આફ્રિકન યુનિવર્સિટી (સ્થાપના ૧૯૬૬), શિક્ષણની તાલીમ માટેની કૉલેજો, સાઉથ આફ્રિકા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅડિકલ રિસર્ચ તથા ૧૯૦૩માં સ્થપાયેલ ટૅકનિકલ કૉલેજ છે. તે સિવાય અન્ય વિદ્યાશાખાઓનું શિક્ષણ આપતી સંસ્થાઓનો પણ વિકાસ થયેલો છે.

આ નગર દક્ષિણ આફ્રિકાનાં મહત્ત્વનાં બધાં જ નગરો સાથે રસ્તાઓ, રેલવે તથા વિમાની સેવાઓથી જોડાયેલું છે. તેનું આંતરરાષ્ટ્રીય વિમાનમથક ૨૪ કિમી. અંતરે છે.

પ્રારંભમાં આ નગર ટ્રાન્સવાલનો ભાગ હતો; પરંતુ ૧૮૯૯-૧૯૦૨ દરમિયાન થયેલા દક્ષિણ આફ્રિકાના યુદ્ધ પછી તેના પર બ્રિટિશ શાસન લાદવામાં આવ્યું.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

જામિની રૉય

જ. ૧૧ એપ્રિલ, ૧૮૮૭ અ. ૨૪ એપ્રિલ, ૧૯૭૨

બંગાળ શૈલીમાં ચિત્રસર્જન કરનાર એક અગ્રણી આધુનિક ભારતીય ચિત્રકાર. તદ્દન સપાટ (flat) ભાસતાં તેમનાં ચિત્રો પર બંગાળ અને ઓડિશામાં તદ્દન નજીવી કિંમતે વેચાતાં ‘બાઝાર’ (Bazaar) અને કાલીઘાટ ચિત્રો અને આધુનિક યુરોપિયન ચિત્રશૈલીઓમાંથી ‘ફોવીઝમ’ ચિત્રશૈલીનો પ્રભાવ છે.

બાંકુરા જિલ્લાના સમૃદ્ધ કાયસ્થ બ્રાહ્મણ જમીનદાર પરિવારમાં તેમનો ઉછેર થયો. સોળ વર્ષની ઉંમરે કૉલકાતા ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા. ત્યાં વાઇસ પ્રિન્સિપાલ તથા બંગાળ ચિત્રશૈલીના સ્થાપક કલાકાર અવનીન્દ્રનાથ ટાગોર હેઠળ જીવતાં મૉડલોને તેલના માધ્યમમાં સંપૂર્ણ નગ્ન ચીતરવાનો કસબ શીખ્યા. ૧૯૦૮માં આ કૉલેજનો ડિપ્લોમા મેળવ્યો. પ્રિન્સિપાલ ઈ. બી. હાવેલની સૂચનાથી બંગાળની બઝાર અને કાલીઘાટ શૈલી ઉપરાંત સાંથાલ આદિવાસીઓની આદિમ (Primitive) કલાનાં લક્ષણોને આત્મસાત્ કર્યાં, પરિણામે રૉયની કલા તદ્દન સપાટ આભાસ ઊભો કરતી થઈ. તેઓ રોજનાં દસ ચિત્રો સર્જતા રહેતા અને તેમનાં ચિત્રોની કુલ સંખ્યા વીસ હજારને પાર કરી ગઈ. દેશવિદેશમાં અનેક સ્થળે તેમનાં ચિત્રોનાં પ્રદર્શન થયાં. તેમણે સમગ્ર જીવન કૉલકાતામાં પસાર કર્યું. પોતે કાલીઘાટ શૈલીમાં કામ કરતા હોવાથી તે પોતાને ‘પટુવા’ એટલે કે પટ ચીતરનાર ચિત્રકાર કહેવડાવતા. તેમનાં ચિત્રો દિલ્હી ખાતેની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, લંડન ખાતે વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં તથા કૉલકાતા ખાતેના ઇન્ડિયન મ્યુઝિયમમાં કાયમી ધોરણે પ્રદર્શિત છે. ૧૯૫૬માં તેઓ કેન્દ્રીય લલિતકલા અકાદમીના ફેલો તરીકે નિમાયા હતા.

૧૯૩૪માં ત્યારના વાઇસરૉયે તેમને સુવર્ણચંદ્રકથી નવાજ્યા હતા. ૧૯૫૪માં ભારત સરકારે તેમને પદ્મભૂષણ ખિતાબ આપ્યો હતો.