Categories
વાચન સમૃદ્ધિ

રાજકુમારી અમૃત કૌર

જ. ૨ ફેબ્રુઆરી, ૧૮૮૯ અ. ૬ ફેબ્રુઆરી, ૧૯૬૪

અમૃત કૌરનો જન્મ લખનઉમાં થયો હતો. તેઓ પંજાબ પ્રાંતના કપૂરથલ્લા રાજ્યના રજવાડા પરિવારના સાત ભાઈઓનાં એકનાં એક બહેન હતાં. તેમનો પ્રારંભિક અભ્યાસ ડોરસેટ ઇંગ્લૅન્ડ ખાતે તથા કૉલેજશિક્ષણ ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાં લીધું હતું. ત્યારબાદ તેઓ ભારત પાછાં આવ્યાં. ભારત આવીને તેઓ સ્વતંત્રતાચળવળમાં જોડાઈ ગયાં. તેમના પિતા ભારતના રાષ્ટ્રીય કૉંગ્રેસના મુખ્ય નેતાઓ સાથે પરિચય ધરાવતા હતા, આથી ૧૯૧૯માં અમૃત કૌર મહાત્મા ગાંધીને મુંબઈ ખાતે મળ્યાં અને તેમના વિચારોથી પ્રભાવિત થઈ ગયાં. જલિયાંવાલા બાગમાં થયેલ હત્યાકાંડથી તેઓ બ્રિટિશ રાજનાં પ્રખર વિરોધી અને આલોચક બન્યાં. ત્યારબાદ તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાઈ ગયાં અને ભારતીય સ્વતંત્રતાઆંદોલનમાં સક્રિય થયાં અને સામાજિક સુધારણાના વિષયમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે ૧૯૨૭માં અખિલ ભારતીય મહિલા પરિષદની સ્થાપના કરી. ૧૯૩૦માં મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ દાંડીકૂચમાં ભાગ લેવા બદલ તેઓને જેલવાસ થયો. ત્યારબાદ તેઓ ગાંધીજીનાં અંતેવાસી બન્યાં અને કઠોર જીવનશૈલી અપનાવી. તેમણે ૧૬ વર્ષ સુધી ગાંધીજીનાં મંત્રી તરીકે કાર્ય કર્યું ઉપરાંત મહિલાઉત્કર્ષ અને શિક્ષણપ્રવૃત્તિઓમાં સવિશેષ રસ લીધો. બાળલગ્ન અને પરદાપ્રથાનો વિરોધ કર્યો. તેઓ સ્વતંત્ર ભારતનાં પહેલાં સ્વાસ્થ્યમંત્રી હતાં. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. ભારતના પ્રારંભિક રાજકીય જીવનમાં તેઓએ માનભર્યું સ્થાન હાંસલ કર્યું હતું. તેમની ઇચ્છાનુસાર તેઓને મૃત્યુ પછી દફનાવવાને બદલે અગ્નિસંસ્કાર અપાયો હતો.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

માનવમાત્ર સમાન

અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકને (ઈ. સ. ૧૮૦૯થી ઈ. સ. ૧૮૬૫) અમેરિકાના આંતરવિગ્રહ દરમિયાન અદભુત સાહસ અને અપ્રતિમ હિંમત બતાવી. આ સમયે ઉત્તરના લશ્કરને ભવ્ય વિજય મળ્યો અને રણભૂમિ પર જ્યાં સૈનિકોને દફનાવવામાં આવ્યા હતા એ રાષ્ટ્રીય કબ્રસ્તાનને સ્મારક-સ્થળ તરીકે ખુલ્લું મૂકવા માટે એક સમારંભ યોજવામાં આવ્યો. ઉત્તરના લોકોના વિજયની લાગણીને વ્યક્ત કરવા માટે એડવર્ડ એવરેટ નામના દેશના છટાદાર વક્તાને મુખ્ય વક્તવ્ય માટે નિમંત્રણ આપવામાં આવ્યું અને એમણે સતત બે કલાક સુધી પોતાની છટાદાર શૈલીમાં ભાષણ આપ્યું. એ પછી સહુએ પ્રમુખ અબ્રાહમ લિંકનને પ્રસંગોચિત બે શબ્દો કહેવા માટે વિનંતી કરી, ત્યારે લિંકને કહ્યું કે, ‘‘અમેરિકાની સ્વાધીનતાના પાયામાં ‘ઈશ્વરે મનુષ્યમાત્રને સમાન પેદા કર્યા છે,’ એ સૂત્રનું પારખું કરવા મહાન આંતરવિગ્રહ ખેલાઈ ગયો અને એમાં અનેક લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી. પરિણામે એમની આહુતિથી જ આ ભૂમિ પ્રતિષ્ઠિત થયેલી છે. એને પુનિત કરવા કે કીર્તિવંત કરવા આપણે સમર્થ નથી. આપણે તો માત્ર એમણે જે કાર્ય આગળ ધપાવ્યું, તેને પાર પાડવા માટે પ્રયત્ન કરીએ અને તેને માટે આપણી જાતનું સમર્પણ કરીએ. જેને કારણે પ્રજાની, પ્રજા મારફત ચાલતી અને પ્રજા કાજે ચાલતી સરકાર આ પૃથ્વી પરથી કદી નાશ ન પામે.’’ અબ્રાહમ લિંકનના આ બે મિનિટના વક્તવ્યને સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા અને પછી પ્રમુખ લિંકનને મુખ્ય વક્તા એડવર્ડ એવરેટે અભિનંદન આપતાં કહ્યું, ‘મેં જે બે કલાકમાં કહ્યું, એથી વિશેષ તમે બે મિનિટમાં કહ્યું.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

અબ્બાસ તૈયબજી

જ. ૧ ફેબ્રુઆરી, ૧૮૫૪ અ. ૯ મે, ૧૯૩૬

ભારતીય સ્વાતંત્ર્યસેનાની અને મહાત્મા ગાંધીજીના નિકટના સાથી તથા વડોદરા રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ. તેમનો જન્મ ખંભાત, ગુજરાતના એક સમૃદ્ધ સુલેમાની વહોરા મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમણે ઘેર રહીને ઉર્દૂ, ફારસી અને કુરાનનો અભ્યાસ કર્યો. ઉપરાંત મિશન સ્કૂલમાં અંગ્રેજીનો અભ્યાસ કર્યો. અગિયાર વર્ષની વયે ઇંગ્લૅન્ડ ગયા અને ૧૮૭૨માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ૧૮૭૫માં બૅરિસ્ટર થયા. ઇંગ્લૅન્ડના રહેવાસ દરમિયાન પાશ્ચાત્ય જીવનપદ્ધતિ અને વિચારોથી પ્રભાવિત થવાથી ભારત પરત આવ્યા બાદ પણ બ્રિટિશ રાજ પ્રત્યે વફાદાર રહ્યા. ૧૮૭૯માં વડોદરા રાજ્યની અદાલતમાં ન્યાયાધીશ તરીકે નોકરી સ્વીકારી. મુસ્લિમ સમાજમાં કેળવણીનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી તેમણે તેના ફેલાવા માટે પ્રયાસ કર્યો. વડોદરાની અંજુમન-એ-ઇસ્લામ સંસ્થા તથા સુરમાયા-જમાતે સુલેમાની બોર્ડિંગ સ્કૂલનાં ઘણાં વર્ષો સુધી પ્રમુખ રહ્યા. તેઓ સ્ત્રીશિક્ષણ અને સમાજસુધારાને સમર્થન કરતા. પડદાપ્રથાનો અસ્વીકાર કરવાની સાથે પોતાની પુત્રીઓને શાળામાં મોકલી તત્કાલીન રૂઢિગત રિવાજોને પણ પડકાર્યા હતા. ૧૮૮૫માં હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપનાના સમયથી જ તેના સભ્ય હતા. ૧૯૧૭માં ગોધરા ખાતે આયોજિત એક સામાજિક સંમેલનમાં ભાગ લીધો અને ૧૯૧૯ પછી બ્રિટિશ શાસનના વિરોધી બન્યા. જલિયાંવાલા બાગ હત્યાકાંડના બનાવ અંગે રચાયેલી કૉંગ્રેસ તપાસ સમિતિમાં પણ જોડાયા. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમની જીવનદૃષ્ટિમાં પરિવર્તન આવ્યું. ૧૯૨૦માં ગુજરાત રાજકીય પરિષદ(અમદાવાદ)ના પ્રમુખ બન્યા. તેઓ બારડોલી સત્યાગ્રહમાં પણ જોડાયા અને ૧૯૩૦ની દાંડીકૂચ વખતે ગાંધીજીની ધરપકડ પછી તેઓ આંદોલનના મુખ્ય નેતા બન્યા. તેથી ૭૮ વર્ષની વયે જેલમાં જવું પડ્યું. ૧૯૩૨માં પણ ફરી જેલવાસ થયો. તૈયબજીની ધરપકડ અને જેલની સજાના સંદર્ભે ગાંધીજીએ તેમને ‘ગ્રાન્ડ ઓલ્ડ મૅન ઑફ ગુજરાત’ તરીકે નવાજ્યા હતા. ૧૯૩૩ અને ૧૯૩૫માં તે વડોદરા પ્રજામંડળના પ્રમુખ રહ્યા હતા.

રાજશ્રી મહાદેવિયા