જ. ૨૦ ફેબ્રુઆરી, ૧૯૨૦ અ. ૨૮ જુલાઈ, ૧૯૯૮

મજૂર નેતા અરિંવદ બૂચનો જન્મ જૂનાગઢમાં નવરંગલાલ અને લજ્જાબહેનને ત્યાં થયો હતો. તેઓ અગ્રણી ગાંધીવાદી હતા અને મજૂર મહાજન સંઘના પ્રમુખપદે તેમણે સેવાઓ આપી હતી. પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી ૧૯૪૧માં તેઓ વિજ્ઞાનના વિષય સાથે સ્નાતક થયા. પોરબંદરની મહારાણા મિલમાં જોડાયા બાદ ૧૯૪૨માં તેઓ મજૂર મહાજન સંઘમાં દાખલ થયા. સંઘના સ્થાપક નેતાઓ ખંડુભાઈ દેસાઈ અને શ્યામાપ્રસાદ વસાવડા પાસેથી તાલીમ મેળવી ઘડાઈ ગયા. સમય જતાં તેઓ પ્રમુખપદ સુધી પહોંચી ગયા. ૧૯૮૬ સુધી તે પદે કુશળતાથી સેવાઓ આપી પછી નિવૃત્ત થયા. પરંતુ સંઘની કારોબારી સમિતિએ તેમને પ્રમુખપદ માટે ફરી આમંત્રિત કરતાં ઑગસ્ટ, ૧૯૮૯થી પુન: તેઓ સંઘના પ્રમુખ બન્યા. આ કારકિર્દી દરમિયાન કાપડઉદ્યોગના કામદારોના હિતની સતત ચિંતા સેવી, કાપડઉદ્યોગના માલિકો સામે મજૂરો દ્વારા શાંતિમય લડતો ચલાવી. તેમણે મજૂર મહાજન સંઘને એક આદર્શ ઉદાહરણ સંસ્થા તરીકે વિકસાવી. તેઓ ૩૦ જેટલા કામદાર સંઘોના પણ પ્રમુખ બન્યા. જેમાં કેમિકલ ઉદ્યોગ, કામદાર સંઘ, મીઠાપુર અને ગુજરાત સ્ટેટ ટ્રાન્સપૉર્ટ વર્કર્સ ફેડરેશન ખાસ ઉલ્લેખનીય છે. તે ઉપરાંત તેમણે ઘણાં બધાં ટ્રસ્ટ અને સંસ્થાઓના પ્રમુખ કે ચૅરમૅનપદે પણ સેવાઓ આપી કુશળતા બતાવી હતી. ‘સેવા અને ‘મહિલા બૅન્ક જેવી ઘણી સંસ્થાઓના તેઓ સ્થાપક પ્રમુખ અને ચૅરમૅન રહ્યા હતા. કામદાર સંઘોની કામગીરી માટે તેમણે કુલ ૨૮ વાર વિદેશપ્રવાસ કર્યો હતો. ૫૫ વર્ષની વયે તેમની કારકિર્દીમાં તેઓ સદાયે કામદારોના પડખે ઊભા રહ્યા હતા. જીવનનાં અંતિમ વર્ષોમાં પણ ભારત સરકાર વિરુદ્ધ બંધ મિલોના કામદારોની તરફદારી માટે ૧૨૦૦ દિવસનો ફૂટપાથ સત્યાગ્રહ આદર્યો હતો. મજૂરો માટેની તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તેમને અનેક સન્માનોથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા જેમાં ‘પદ્મશ્રી, ‘મે ડે’, ‘વિશ્વગુર્જરી’ સન્માનનો સમાવેશ થાય છે. ભારતના રાષ્ટ્રપ્રમુખ દ્વારા વિશ્વભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતનના સભ્યપદે તેમની નિમણૂક થઈ હતી.
અમલા પરીખ