જ. ૨૫ નવેમ્બર, ૧૯૨૩ અ. ૨ જાન્યુઆરી, ૧૯૯૪
‘બેફામ’ ઉપનામથી જાણીતા બરકત વિરાણીનું પૂરું નામ બરકતઅલી ગુલામહુસેન વિરાણી છે. તેઓ તેમની ગઝલ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ધાંધળી ગામે થયો હતો. બાળપણથી જ તેમને સાહિત્યમાં ઊંડો રસ હોવાથી ૧૪ વર્ષની વયે તેમણે ગઝલ લખી હતી. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગર મુકામે થયું હતું. ૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાવા માટે તેમણે મૅટ્રિકનો અભ્યાસ પડતો મૂક્યો હતો. બરકત વિરાણીને કવિતા અંગેની સમજ કિસ્મત કુરેશીએ આપી હતી. ‘શયદા’ના સૂચનથી તેઓ ૧૯૪૫માં મુંબઈ ગયા હતા. ત્યાં તેઓ ‘મરીઝ’ને મળ્યા અને પછીથી આકાશવાણી કેન્દ્ર, મુંબઈમાં જોડાયા હતા. ૧૯૫૨માં તેમનાં લગ્ન ‘શયદા’ની જ્યેષ્ઠ પુત્રી રુકૈયા સાથે થયાં હતાં.
આકાશવાણીની સાથોસાથ ‘બેફામ’ ગુજરાતી સિનેમા સાથે પણ જોડાયેલા હતા. તેમણે ગુજરાતી ચલચિત્ર ‘મંગળફેરા’(૧૯૪૯)માં અભિનય કર્યો હતો. તેમણે ‘અખંડ સૌભાગ્યવતી’ (૧૯૬૩), ‘કુળવધૂ’ (૧૯૯૭), ‘જાલમ સંગ જાડેજા’ અને ‘સ્નેહબંધન’ જેવાં ગુજરાતી ચલચિત્રોનાં ગીતો પણ લખ્યાં હતાં. બરકત વિરાણીએ ‘માનસર’ (૧૯૬૦), ‘ઘટા’ (૧૯૭૦), ‘પ્યાસ’ અને ‘પરબ’ નામે ગઝલસંગ્રહો તેમજ ‘આગ અને અજવાળાં’ (૧૯૫૬) અને ‘જીવતા સૂર’ નામે વાર્તાસંગ્રહો લખ્યા હતા. ‘રસસુગંધ’ ભાગ ૧-૨ (૧૯૬૬) નામની એક નવલકથા પણ તેમણે લખી હતી. આ સિવાય તેમણે નાટકો અને રેડિયોનાટકો પણ લખ્યાં હતાં.
‘નયનને બંધ રાખીને’ જેવી તેમની ગઝલ ખૂબ જ લોકપ્રિય બની છે. ‘બેફામ’ની ગઝલોમાં મૃત્યુનું સંવેદન પણ વિશેષપણે ધબકતું જોવા મળે છે :
‘બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું,
નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.’
આવા સમર્થ ગઝલકાર ‘બેફામ’નું ૭૦ વર્ષની વયે મુંબઈ ખાતે અવસાન થયું હતું.
અશ્વિન આણદાણી