Categories
વાચન સમૃદ્ધિ

સરળ બનવું, તે સૌથી અઘરું છે

સત્ય બે-પરવા હોય છે. એ કોઈથી પ્રભાવિત થતું નથી કે કોઈનું શરણું સ્વીકારતું નથી. એને કોઈ અપેક્ષા હોતી નથી કે મનમાં કોઈ મહત્ત્વાકાંક્ષા સંઘરી રાખતું નથી. જેમ મહત્ત્વાકાંક્ષા આવે તેમ માનવીને બીજા આધારો અને અન્ય સહારા લેવા પડે છે. એને પરિણામે ક્યાંક પ્રપંચ તો ક્યાંક પ્રલોભન એને સત્યના માર્ગેથી ચલિત કરે છે. એ અહંકાર કે આડંબરથી જીવવા લાગે છે અને ધીરે ધીરે પોતાના હૃદયમાં અસત્યનો સંગ્રહ કરવા લાગે છે. અસત્યનું એક ટીપું ક્રમશ: સરોવર કે સાગરનું રૂપ ધારણ કરે છે. સત્યનો અનુભવ પામવો હોય તો આકાશ જુઓ. એ કોઈના આધારે ઊભું નથી અને કોઈની મહેરબાનીનું મોહતાજ નથી. સત્યપ્રાપ્તિનું પહેલું સોપાન સરળતા છે. જીવનમાં વ્યક્તિએ સતત એ ખોજ કરવી જોઈએ કે એના જીવનમાં કેટલી સરળતા છે ? સત્યનો નિવાસ સરળ અંત:કરણ છે. સંતો અને વિભૂતિઓનાં જીવનમાં અંત:કરણની સરળતા દૃષ્ટિગોચર થાય છે. વર્તમાન સમયે પોતાના જીવનમાં સરળતાની વૃદ્ધિ થાય છે કે સરળતા ક્ષીણ થતી જાય છે ? જો સરળતાની વૃદ્ધિ થતી હોય તો માનવું કે જીવનયાત્રા યોગ્ય દિશામાં ગતિમાન છે. જો સરળતા ક્ષીણ થતી હોય તો જાણવું કે અસત્યને આવકાર આપવા આપણે આતુર બની ગયા છીએ અને એ અસત્ય આવતાં દુ:ખ, દ્વેષ, ક્લેશ અને સંતાપ એની પાછળ વાજતે-ગાજતે આવી રહ્યાં છે. માનવી ચહેરા પર મુખવટો રાખીને જીવે છે અને ભીતરની સચ્ચાઈને ભૂલીને શકુનિની જેમ પ્રપંચની ચોપાટ ખેલે છે. પોતાના પાસા પોબાર પડે તે માટે એ મહાભારતને મોજથી આવકારીને મીઠું માને છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ચીમનલાલ ચકુભાઈ

જ. ૧૧ માર્ચ, ૧૯૦૨ અ. ૨૦ નવેમ્બર, ૧૯૮૨

ભારતના બંધારણમાં મહત્ત્વનો ફાળો આપનાર તથા ‘પ્રબુદ્ધજીવન’ના તંત્રી ચીમનલાલનો જન્મ સૌરાષ્ટ્રના લીમડી ગામમાં થયો હતો. પિતાનું નામ ચકુભાઈ. બે વર્ષની ઉંમરે તેમની માતાનું અવસાન થયું. અપરમા રંભાબહેને તેમનો ઉછેર કર્યો. પાલિતાણામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી બાકીનો અભ્યાસ તેમણે મુંબઈ પૂરો કરેલો. ત્યારબાદ પિતાની ઇચ્છા પ્રમાણે નોકરીમાં જોડાવાને બદલે આગળ અભ્યાસ ચાલુ રાખ્યો. અભ્યાસમાં તેમની તેજસ્વિતાને કારણે તેમને શિષ્યવૃત્તિઓ મળી. એમ.એ. અને એલએલ.બી.માં તેમના ઉત્તમ પરિણામને કારણે કે. ટી. તેલંગ સુવર્ણચંદ્રક તથા ઇન્વેરારિટી સુવર્ણચંદ્રક એનાયત થયા. તેઓ બે વર્ષ ‘દક્ષિણા ફેલો’ તરીકે નિમાયા. ૧૯૨૮માં તેઓ સૉલિસિટર બન્યા.  આઝાદી પહેલાં મુંબઈ સરકારના પ્રથમ હિંદી સૉલિસિટર તરીકે તેઓ નિયુક્તિ પામ્યા. ૧૯૪૬માં તેઓ મુંબઈ કૉર્પોરેશનમાં ચૂંટાયેલા અને સતત છ વર્ષ સુધી ચૂંટાઈને તેમણે મુંબઈની પ્રજાના પ્રશ્નો હલ કરવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. ૧૯૪૮માં બંધારણસભાના સભ્ય બનતાં કાયદા અને બંધારણના નિષ્ણાત તરીકે પોતાની કાબેલિયત દર્શાવી. તેઓ લોકસભામાં પણ ચૂંટાયા હતા. ૧૯૩૯થી ૧૯૫૧ સુધી સતત બાર વર્ષ તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે રહ્યા. આ દરમિયાન તેમની લેખનપ્રવૃત્તિ વિકાસ પામી. ‘પ્રબુદ્ધજીવન’નું તંત્રીપદ સ્વીકાર્યા બાદ તેમાં સતત ચિંતનાત્મક લેખન કર્યું.

ચીમનભાઈ જૈન સમાજના એક અગ્રગણ્ય નેતા તથા સમાજસેવક તરીકે ખ્યાતિ ધરાવે છે.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જેલી પ્રાણી

દરિયાઈ પાણીમાં તરતાં કોષ્ઠાંત્રી (coelenterata) સમુદાયના સ્કાયફોઝોઆ વર્ગનાં પ્રાણી. શરીર મૃદુ જેલી જેવાં, આકારે ઘંટી જેવાં. કચ્છના અખાતમાં પાણીના ઉપલે સ્તરે સારી રીતે પ્રસરેલાં હોય છે. ઘણી વાર ઓટ સમયે દરિયાકાંઠે જેલીના લોચા જેવા આકારનાં ઘણાં પ્રાણીઓ નજરે પડે છે. ભરતી વખતે કિનારા તરફ તરીને આવેલાં આ જેલી પ્રાણીઓ ઓટ વખતે દરિયાકાંઠે ફસાઈ જાય છે. સ્વરૂપે તે ઘુમ્મટ, છત્રી કે તકતી જેવા આકારનાં હોય છે. સાયાનિયા આર્કટિકા (cyanea arctica) નામનું જેલી પ્રાણી સૌથી મોટા વ્યાસની છત્રી (૨૦થી ૨૫ સેમી. વ્યાસવાળી) ધરાવે છે. અપવાદ રૂપે કેટલાંક સાયાનિયાનો વ્યાસ ૨ મી. જેટલો હોય છે. સૌથી મોટું ૨.૨૮ મી. વ્યાસનું ૩૬.૫ મી. લાંબું અંગ ધરાવતું જોવા મળ્યું છે. હૃદયની જેમ સ્પંદન કરતું અને ખાબોચિયામાં વાસ કરતું કૅસિયોપિયા જેલી પ્રાણી સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. જેલીની ચપટી તકતી જેવું દેખાતું ૩થી ૬ સેમી. વ્યાસવાળું ઇક્વેરિયા પ્રાણી દરિયાકિનારે જ્યાંત્યાં જોવા મળે છે. ક્યુબોમેડ્યુસી શ્રેણીના ઘન આકારનાં જેલી પ્રાણીઓ (દા. ત., સી – વાસ્પ) પોતાની આસપાસ સંમોહક વિષનો સ્રાવ કરતાં હોય છે. કેટલીક વાર તે માનવી માટે પ્રાણઘાતક નીવડે છે. આમ તો અન્ય કોષ્ઠાંત્રી પણ સંમોહક વિષનો સ્રાવ કરતાં હોય છે. તેથી કિનારે અસહાય સ્થિતિમાં પડેલાં સાયાનિયા જેવાં પ્રાણીઓને બને ત્યાં સુધી અડવું જોઈએ નહિ. પાણીમાં તરતાં આ પ્રાણીઓ નજીકથી પસાર થતાં પગે ખૂજલી આવે છે.

જેલી પ્રાણીઓનું વર્ગીકરણ નીચે જણાવેલી શ્રેણીઓમાં કરવામાં આવે છે : (૧) સ્ટૉરોમેડ્યુસી : છત્રી જેવા આકારનાં, કદમાં નાનાં, વ્યાસ ૨થી ૩ સેમી., તેનાં સૂત્રાંગો (tentacles) ૮ સમૂહોમાં વહેંચાયેલાં હોય છે. (૨) ક્યુબોમેડ્યુસી (કેરિબ્ડેઇડા) : ઘંટી જેવું સ્વરૂપ, પણ ચારે બાજુએથી સહેજ ચપટાં એટલે કે ઘન આકારનાં હોય છે. તેના ચારેય ખૂણેથી એકલ અથવા તો સમૂહમાં સૂત્રાંગો નીકળે છે. દા. ત., સી-વાસ્પ. (૩) કોરોનાટે : શંકુ, ઘુમ્મટ કે ચપટા આકારનું શરીર – કેટલાંક પ્રાણીઓ દરિયાના તળિયે વાસ કરતાં હોય છે. (૪) સિમાઇયોસ્ટોમી : આકારે તેનું શરીર ઘુમ્મટવાળું, ચપટ કે છત્રીના જેવું. આ શ્રેણીનાં મોટા ભાગનાં પ્રાણીઓ ઉષ્ણકટિબંધ પ્રદેશમાં જોવા મળે છે. દા. ત., ઑરેલિયા, સાયનિયા, પેલાજિયા. જેલી પ્રાણીનું શરીર દ્વિસ્તરીય એટલે કે બાહ્ય સ્તર (ectoderm) અને અંત:સ્તર(endoderm)નું બનેલું હોય છે. તેના શરીરના ઉપલા છત્રી જેવા આકારના ભાગને છત્રક કહે છે. તેની નીચેની સપાટીના મધ્યભાગમાં મુખછિદ્ર આવેલું હોય છે. કેટલાંક જેલી પ્રાણીઓમાં મધ્યભાગમાં એક પ્રવર્ધ આવેલું હોય છે અને તેની મધ્યમાં મુખછિદ્ર આવેલું હોય છે. મુખછિદ્રની ફરતે સૂત્રાંગો આવેલાં હોય છે. કેટલાંક પ્રાણીઓમાં આ સૂત્રાંગો ૪, ૬ અથવા ૮ સમૂહોમાં ગોઠવાયેલાં હોય છે. સૂત્રાંગો પરથી ડંખાંગો નીકળે છે, જે સંમોહક વિષનો સ્રાવ કરે છે. સ્નાયુઓની મદદથી આ પ્રાણી તાલબદ્ધ પ્રચલન કરે છે. પ્લવન- ક્રિયા દરમિયાન છત્રક દ્વારા પાણીની સેર છોડી સહેલાઈથી તરતાં હોય છે તેને જલપ્રણોદન (hydropropulsion) કહે છે. એનો ખોરાક સમુદ્રવાસી સૂક્ષ્મજીવો(plankton)નો હોય છે. મુખ, હસ્તો અને સૂત્રાંગોથી ભક્ષ્યને પકડીને ડંખકોષોથી બેભાન કરીને આરોગે છે. પાચન અને પરિવહનતંત્ર સંયુક્ત હોય છે. પાચન કોષ્ઠાંત્ર(coelenteron)માં થાય છે. તે કાર્બોદિતો, તેલો, ચરબી, પ્રોટીન તથા કાઇટિન જેવા પદાર્થોને પચાવી શકે છે. શરીરસપાટી વડે શ્વસન અને ઉત્સર્જન ક્રિયા થાય છે. ચેતાતંત્ર દ્વિશાખિત ચેતાકોષોથી રચાયેલ જાલિકાનું વિકસિત તંત્ર હોય છે. વિવિધ સંવેદનગ્રાહી અંગો હોય છે, જેમાં મુખ્ય સંતુલન અને પ્રકાશગ્રાહી અંગો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જેલી પ્રાણી, પૃ. ૯11)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

નયન કાંતિલાલ જૈન