જ. ૨૭ એપ્રિલ, ૧૯૨૦ અ. ૧૪ નવેમ્બર, ૧૯૯૩

ગાંધીવાદી રચનાત્મક કાર્યકર, સ્વાતંત્ર્યસેનાની મણિભાઈનો જન્મ સૂરત જિલ્લાના કોસમાડા ગામે થયો હતો. મૅટ્રિક થયા બાદ ૧૯૩૮માં સૂરતમાં વિજ્ઞાનની કૉલેજમાં જોડાયા. ગાંધીજીના પ્રભાવથી છેલ્લા વર્ષમાં અભ્યાસ છોડી, ૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળમાં જોડાયા. ભૂગર્ભમાં રહી ભાંગફોડ-પ્રવૃત્તિમાં ભાગ લીધો, તે બદલ જેલવાસ ભોગવ્યો. ૧૯૪૪માં જેલમાંથી મુક્ત થયા બાદ ૧૯૪૫માં બી.એસસી. થયા અને ગાંધીજીની સલાહ અનુસાર રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરી. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઉરુળીકાંચનમાં નિસર્ગોપચાર કેન્દ્ર સ્થાપ્યું. સેવા ખાતર અપરિણીત રહેવાની પ્રતિજ્ઞા લીધી. ત્યારપછી ગ્રામવિસ્તારમાં અનેક યોજનાઓ આરંભી. તેઓએ ખાંડનું સહકારી કારખાનું અને સહકારી કૃષિ મંડળીની સ્થાપના કરી. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં જલવિતરણ યોજના શરૂ કરી. તેમણે એક ગૌશાળાની સ્થાપના કરી. દક્ષિણ ગુજરાતમાં તેઓએ આદિવાસીઓના વિકાસ માટે વાંસદામાં આમ્રકુંજ, મહિલાઓની ઉન્નતિ માટે કુટુંબનિયોજન અને સાક્ષરતા સહિત વિવિધ યોજનાઓ કરી. ‘ધ ભારતીય ઍગ્રો-ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન’ના નેજા હેઠળ પશુસંવર્ધન, પશુસ્વાસ્થ્ય રસી ઉત્પાદન, ઘાસચારો, પાણી-જમીન સંરક્ષણ જેવી યોજનાઓ કરી. ગાયોના શરીરની સંપૂર્ણ રચનાનો અભ્યાસ કરી ગાયોના ધન્વંતરિ બન્યા. તેઓને ૧૯૬૮માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી, ૧૯૭૭માં મહારાષ્ટ્ર ફુલે કૃષિ વિદ્યાપીઠ તરફથી ડૉ. ઑવ્ સાયન્સ, ૧૯૮૨માં ફિલિપાઇન્સ તરફથી ‘રૅમન મૅગ્સેસે ઍવૉર્ડ’ તથા ગાંધીજીની વિચારસરણી અનુસાર ગ્રામસેવા માટે ‘જી. જે. વાટુમલ મેમોરિયલ ઍવૉર્ડ’, ૧૯૮૩માં ‘જમનાલાલ બજાજ ઍવૉર્ડ’, ૧૯૮૪માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ‘ડૉક્ટર ઑવ્ લિટરેચરની ઉપાધિ આ ઉપરાંત ૧૯૮૯માં ‘વિશ્વગુર્જરી નૅશનલ ઍવૉર્ડ’ વગેરે સન્માનો પ્રાપ્ત થયાં છે.
અંજના ભગવતી