Categories
વાચન સમૃદ્ધિ

જોન મુઈર

જ. ૨૧ એપ્રિલ, ૧૮૩૮ અ. ૨૪ ડિસેમ્બર, ૧૯૧૪

પ્રકૃતિવાદી લેખક, પર્યાવરણીય ફિલૉસૉફર, વનસ્પતિશાસ્ત્રી, પ્રાણીશાસ્ત્રી, હિમનદીશાસ્ત્રી અને યુનાઇટેડ સ્ટેટ્સમાં જંગલી પ્રાણીઓના સંરક્ષણ માટેના પ્રારંભિક હિમાયતી તરીકે જાણીતા જોન મુઈરને ‘પર્વતોના જ્હોન’ અને ‘રાષ્ટ્રીય ઉદ્યાનોના પિતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧૧ વર્ષની ઉંમર સુધીમાં યુવાન મુઈરે નવા કરાર અને મોટા ભાગનું જૂના કરારનું ‘હૃદયથી અને દુ:ખી શરીરથી’ પાઠ કરવાનું શીખી લીધું હતું. ૨૨ વર્ષની વયે તેમણે વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને ઘણાં વર્ષો સુધી પોતાની રીતે કામ કર્યું હતું. જોન મુઈરનાં પુસ્તકો, પત્રો અને નિબંધો જે પ્રકૃતિ-આલેખનથી ભરપૂર છે તે લાખો લોકો દ્વારા વાંચવામાં આવ્યાં છે. તેમના અથાક પ્રયત્નોથી યોસેમિટી ખીણ અને સેકવોઇયા રાષ્ટ્રીય ઉદ્યાનને જાળવવામાં ખૂબ મદદ મળી હતી. તેમણે જેની સ્થાપનામાં ખૂબ રસ દાખવેલો તે સીએરા ક્લબ અમેરિકાની એક અગ્રણી સંરક્ષણ સંસ્થા છે. તેમના જીવનનો મોટો ભાગ એમણે પશ્ચિમી જંગલોના સંરક્ષણ માટે સમર્પિત કર્યો હતો. યોસેમિટીને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવાની ઝુંબેશના ભાગ રૂપે મુઈરે ‘ધ સેન્ચ્યુરી’ નામના મૅગેઝિનમાં જંગલના સંરક્ષણ વિશે બે સીમાચિહનરૂપ લેખો લખેલા. જેનાથી ૧૮૯૦માં યુ.એસ. કૉંગ્રેસ દ્વારા યોસેમિટી રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના માટે બિલ પસાર કરવાના દબાણને ટેકો મળ્યો હતો. જોન મુઈરને ‘સ્કોટ્સ અને અમેરિકનો બંને માટે પ્રેરણા’ માનવામાં આવે છે. મુઈરના જીવનચરિત્રકાર સ્ટીવન જે. હોમ્સ તેમને ‘વીસમી સદીના અમેરિકન પર્યાવરણીય પ્રવૃત્તિના આશ્રયદાતા સંતોમાંના એક’ તરીકે મૂલવે છે. તો એન્સેલ એડમ્સ જેવા પ્રકૃતિ ફોટોગ્રાફરો દ્વારા તેમને ઘણી વાર ટાંકવામાં આવ્યા છે. પ્રકૃતિવિષયક એમનાં લખાણો અનેક લોકોને માર્ગદર્શક બન્યાં હોવાથી આધુનિક પર્યાવરણીય ચેતનામાં તેમનું નામ સર્વવ્યાપી બન્યું હતું. ૨૧  એપ્રિલ, ૨૦૧૩ના રોજ સ્કોટલૅન્ડમાં પ્રથમ વાર જોન મુઈર દિવસ ઊજવવામાં આવ્યો હતો. જે તેમની ૧૭૫મી વર્ષગાંઠ હતી, જેમાં આ પ્રકૃતિસંરક્ષકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રભુત્વ માનવીને પામર બનાવે છે !

દરેક વ્યક્તિ એના જીવનમાં પ્રભુત્વનો ખેલ ખેલતી હોય છે. તે અમીર હોય કે ગરીબ, સત્તાવાન હોય કે નિર્ધન, ઊંચ હોય કે નીચ, નાની હોય કે મોટી – પણ એને પ્રભુત્વનો યા ચઢિયાતાપણાનો ખેલ ખેલવો અતિ પ્રિય હોય છે. સત્તાધારી વ્યક્તિ રાજ્ય પર પોતાનું પ્રભુત્વ સ્થાપવા કોશિશ કરે છે. સમાજનો પ્રમુખ સમાજના સભ્યો પર પોતાનું પ્રભુત્વ લાદવા પ્રયાસ કરે છે. માફિયા પણ આવું પ્રભુત્વ દર્શાવીને ધાકધમકી કે હત્યાથી પોતાનો પ્રભાવ દર્શાવવા પ્રયાસ કરે છે. પિતા પુત્ર પર, પતિ પત્ની પર આવું પ્રભુત્વ સ્થાપવા અહર્નિશ પ્રયત્ન કરે છે. પ્રભુત્વની આ રમત પ્રાંગણમાં ખેલતાં બાળકોમાં પણ જોવા મળે છે. શાળામાં મૉનિટર બનતા વિદ્યાર્થીમાં કે અગ્રતાક્રમે ઉત્તીર્ણ થતાં બાળકોમાં પણ જોઈ શકાય છે. સામાન્ય વ્યક્તિ પણ અતિ સામાન્ય પર કે મોટો ભાઈ નાના ભાઈ પર અહંકારપૂર્વક પ્રભુત્વ સ્થાપવાની કોશિશ કરે છે. એક અર્થમાં કહીએ તો દરેક માણસ પોતાના શિરે પ્રભુત્વનો પથ્થર ઊંચકીને ચાલતો હોય છે. એ પથ્થર એની હેસિયત પ્રમાણે નાનો પણ હોય અને મોટો પણ હોય ! પરંતુ એ પથ્થરનો બોજ માથા પર ઊંચક્યા વિના એને જિંદગીની મજા આવતી નથી. હા, એવું બને ખરું કે એ વારંવાર જિંદગી ભારરૂપ કે બોજરૂપ બની ગયાની ફરિયાદ કરતો હોય છે, છતાં પ્રભુત્વના ગમતા બોજને નીચે ઉતારતો નથી. પ્રભુતા સાથે ભ્રષ્ટતા જોડાયેલી છે. પ્રભુત્વ પામવા અને જાળવવા માટે માનવી ભ્રષ્ટ થતાં અચકાતો નથી. સમાજમાં પ્રભુત્વ સ્થાપવા નીકળેલ ઠેકેદાર સમાજ પર જુલમ કરીને પોતાનું પ્રભુત્વ દર્શાવે છે. પરિવારમાં પ્રભુત્વ દર્શાવવા માટે વડીલો ક્રૂર આચરણ કરતાં પણ અચકાતા નથી, શાસક પોતાનું પ્રભુત્વ દાખવવા માટે દમનના કોરડા વીંઝતો હોય છે.

Categories
વાચન સમૃદ્ધિ

ગોપીનાથ મોહંતી

જ. ૨૦ એપ્રિલ, ૧૯૧૪ અ. ૧૮ ઑગસ્ટ, ૧૯૯૧

ઓડિશાના પ્રખ્યાત નવલકથાકાર, જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા. સોનેપુરમાં શાળાશિક્ષણ લીધા પછી ૧૯૩૫માં કટકની યુનિવર્સિટીમાંથી તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કર્યું. તેમની ઇચ્છા પ્રાધ્યાપક અથવા આઈ.સી.એમ. થવાની હતી પણ આર્થિક કારણોસર ઓડિશા સરકારની નોકરી સ્વીકારવી પડી. અહીં જુદા જુદા હોદ્દાઓ પર ફરજ બજાવી ૧૯૬૯માં નિવૃત્તિ લીધી. ત્યારબાદ ૧૯૭૦માં ઉત્કલ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગમાં યુજીસીના વિશિષ્ટ મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહ્યા. ૧૯૮૬માં તેમણે અમેરિકાની સાન જૉસ (San Jose) યુનિવર્સિટીમાં સમાજવિજ્ઞાનના મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું અને અંત સમય સુધી સાન જૅસમાં જ રહ્યા. ૧૯૩૬થી તેમણે લેખનકાર્યનો પ્રારંભ કર્યો. ૧૯૩૮માં પ્રગટ થયેલા ‘મન ગહિરર ચાસ’ નામની પ્રથમ નવલકથા પછી કુલ ૨૧ નવલકથાઓ, ૨ ચરિત્રગ્રંથો, ૮ ટૂંકી વાર્તાના સંગ્રહો, ૨ નાટકો, ૨ નિબંધસંગ્રહ ઉપરાંત ઓડિશાના આદિવાસીઓ, દલિત કોમો અને ઉપેક્ષિત જાતિઓની પરિસ્થિતિ પર આધારિત ૩ મુખ્ય નવલકથાઓ ‘પરજા’, ‘અમૃતર સંતાન’ અને ‘માતિમતાલ’ની રચના કરી. તેમના પર ફ્રોઇડના મનોવિશ્લેષણનો, રશિયન ક્રાંતિ અને ગાંધીજીની રાષ્ટ્રીય ચળવળનો પ્રભાવ જોવા મળે છે. તેમણે ટૉલ્સ્ટૉયની ‘વૉર ઍન્ડ પીસ’નો ‘યુદ્ધ અને શાંતિ’ નામે ત્રણ ભાગમાં ૧૯૮૫-૮૬માં અનુવાદ કર્યો છે તથા ૧૯૬૫માં રવીન્દ્રનાથ ટાગોરની ‘જોગાજોગ’નો ઊડિયા ભાષામાં અનુવાદ કર્યો છે. તેમની વિપુલ સાહિત્યસેવા બદલ તેમને ૧૯૫૦માં ‘વિશ્વ મિલન’ પુરસ્કાર, ૧૯૫૫માં ‘અમૃતર સંતાન’ માટે ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, ૧૯૭૦માં ગૉર્કીની રચનાનો ઊડિયામાં અનુવાદ કરવા બદલ સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર, ‘માટી મતાલ’ (ધ ફરટાઇલ્ડ સોઇલ) માટે ૧૯૭૩નો જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ અને ૧૯૭૬માં ડી.લિટ્.ની પદવી અને ૧૯૮૧માં ‘પદ્મભૂષણ’ પુરસ્કારથી તેમનું બહુમાન થયેલું છે.