Categories
વાચન સમૃદ્ધિ

થિયોડોર ક્રાક્રાફ્ટ હોપ

જ. ૯ ડિસેમ્બર, ૧૮૩૧ અ. ૪ જુલાઈ, ૧૯૧૫

ઇંગ્લૅન્ડમાં જન્મેલા બ્રિટિશ શાસન સમયે ભારતના એક સરકારી અધિકારી હતા. તેઓ ડૉ. જેમ્સ હોપ અને એને હોપના એકમાત્ર સંતાન હતા. તેઓ ટી. સી. હોપ તરીકે વધુ જાણીતા હતા. તેમણે ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (૧૮૫૮) પુસ્તક પ્રકાશિત કર્યું હતું જે ગુજરાતી ભાષાના વ્યાકરણ વિશેનાં પ્રકાશનોમાં સૌથી શરૂઆતના પ્રયાસોમાંનું એક હતું. તેમનું શાળાકીય જીવન મહદંશે ઘેરથી અને રગ્બી સ્કૂલ અને હેઈલબરીની ખાનગી શાળામાં થયું. ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કૉલેજમાં અભ્યાસ કર્યો. ૧૮૫૩માં તેઓ બૉમ્બે સિવિલ સર્વિસમાં જોડાયા. બે વર્ષની સિવિલ સર્વિસ બાદ તેમને ગુજરાતમાં નવા સ્થપાયેલા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ઇન્પેક્ટર તરીકે નીમવામાં આવ્યા. અહીં કેટલાક સ્થાનિક વિશેષજ્ઞની મદદથી તેમણે ગુજરાતી પાઠ્યપુસ્તકોની હારમાળા બનાવી. જે હોપ વાચનમાળા તરીકે જાણીતી થઈ. ત્યારબાદ ગવર્નર સર જ્યૉર્જ ક્લર્કના અંગત સેક્રેટરી તરીકે અમદાવાદ જિલ્લામાં કાર્યરત રહ્યા. આ દરમિયાન તેમણે પોતાના પુરાતત્ત્વ ક્ષેત્ર પ્રત્યેના શોખને પોષ્યો અને જ્યારે તેઓ લાંબી રજાઓ માટે ઘેર (ઇંગ્લૅન્ડ) ગયા ત્યારે, અમદાવાદ, બીજાપુર અને ધારવારનાં પુરાતત્ત્વીય સ્મારકો પર ત્રણ મોટાં પુસ્તકો પ્રકાશિત કર્યાં. ભારત પાછા આવ્યા બાદ તેઓ આઠ વર્ષ માટે સૂરતમાં કલેક્ટર પદ પર રહ્યા અને પછી ૧૮૭૧માં મુંબઈના કમિશનર પદે કાર્યરત રહ્યા. જોકે તેમની સૌથી યાદગાર કામગીરી કૉલકાતા અને સિમલામાં રહી હતી. તેઓ રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી તરીકે પણ રહ્યા, તદ્ઉપરાંત ૧૮૭૬ના અંતમાં દુષ્કાળ દરમિયાન વધારાના સેક્રેટરી તરીકે કાર્ય કર્યું. ૧૮૮૦માં તેમને મુંબઈ ગવર્નમેન્ટમાં બોલાવવામાં આવ્યા પણ તેમણે તેનો અસ્વીકાર કર્યો, કારણ કે તેમને લાગ્યું કે તેમની જરૂર નાણાકીય ખાતામાં સેક્રેટરી તરીકે વધુ હતી. ૧૮૮૨માં તેમને C.I.E. અને ચાર વર્ષ બાદ K.C.S.I. બનાવવામાં આવ્યા. ૧૮૮૮માં તેમણે કાયમ માટે ભારતમાંથી વિદાય લીધી. તેમણે લખેલાં પુસ્તકોમાં ‘મેમોઈર્સ ઑફ ધ ફલટન્સ ઑફ લિસબર્ન’ અને ‘ચર્ચ ઍન્ડ સ્ટેટ ઇન ઇન્ડિયા : અ મિનિટ’ ધ્યાનાકર્ષક છે.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

જળ-મુરઘી

(Water Hen/Moor Hen)

સમગ્ર વિશ્વમાં જોવા મળતું ભારતનું એક દેખાવડું અને નિવાસી પંખી. તેનું શાસ્ત્રીય નામ છે Gallinula chloropus. તેનો સમાવેશ Gruiformes શ્રેણી અને Rallidae કુળમાં થાય છે. તેનું કદ તેતરથી મોટું એટલે કે ૩૨ સેમી. જેટલું હોય છે. ભારતની જાતને ‘ઇન્ડિયન મુરહેન’ કહે છે. તેની પીઠ અને પાંખો કાળાશ પડતી કથ્થાઈ અને સ્લેટિયા રંગની હોય છે. તેનું પેટાળ ઘેરા રાખોડી રંગે શોભે છે. માથાની નીચેનો ભાગ, ડોક અને છાતી પણ ઘેરા કાળાશ પડતા રાખોડી રંગનાં હોય છે. પડખામાં સફેદ આડો પટ્ટો હોય છે. ચાંચ લાલ, પણ અણી તરફ પીળી હોય છે. ચાંચથી કપાળ સુધીની માંસપેશી લાલ હોય છે. પગ લીલા રંગના હોય છે. પૂંછડી નીચેથી સફેદ અને વચમાં કાળા પટ્ટાવાળી હોય છે.

તે સંતાકૂકડીઓ કે જળમુરઘા જેવી શરમાળ હોતી નથી. તે તેની ડોક તાલબદ્ધ રીતે આગળપાછળ ડોલાવતી તરતી જોવા મળે છે. તે પાણીની અનુકૂળતા પ્રમાણે સ્થાનિક મુસાફરી કરે છે. શિયાળામાં મધ્ય એશિયા અને પશ્ચિમના દેશોમાંથી જળમુરઘી ભારત આવે ત્યારે તેમની સંખ્યામાં સારો એવો વધારો થાય છે. પાણીમાંથી ઊડતી વખતે પાંખો ફફડાવતી થોડે સુધી પાણી ઉપર દોડીને હવામાં ઊંચકાય છે, ત્યારે પગ લબડતા રાખે છે. ભય લાગે ત્યારે ભાગવાને બદલે વનસ્પતિમાં છુપાઈ જાય છે. ડૂબકી મારવામાં તે હોશિયાર છે. તેને તેની ટૂંકી પૂંછડી અવારનવાર ઊંચીનીચી કર્યા કરવાની ટેવ હોય છે. ભારત-એશિયા, યુરોપ, આફ્રિકા, અમેરિકા અને બીજા ટાપુઓમાં તે જોવા મળે છે. તે પાણીમાં જ મોટા ભાગે ફરે-ચરે છે. નદી કે તળાવના બંધિયાર પાણીના ઉપરવાસમાં ઊગેલા ઘાસના વનમાં તે વધુ સંતાઈ રહે છે. પાણીની વનસ્પતિ અને તેનાં બીજ, કૂંપળો તેમજ પાણીનાં જીવડાં અને તેમની ઇયળો તેનો મુખ્ય ખોરાક હોય છે. નર અને માદા સરખાં હોય છે. તે ‘કુટ્રક-કુટ્રક-કુક-કુક’ જેવો અવાજ કરતું સંભળાય છે. તેનો પ્રજનનકાળ જૂનથી સપ્ટેમ્બરના ચોમાસાનો ગણાય છે. પાણીના ઘાસ-ચીયા કે બરુનાં રાડાંનો તરતો માળો ગીચ ઘાસમાં કરે છે. તેમાં તે બદામી કે પીળાશ પડતાં ૫થી ૧૪ ઈંડાં મૂકે છે. તેના કપાળનો લાલ રંગ માળાની ઋતુમાં જ ઘેરો બને છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બળદેવભાઈ કનીજિયા

Categories
વાચન સમૃદ્ધિ

બાલકૃષ્ણ શર્મા ‘નવીન

જ. ૮ ડિસેમ્બર, ૧૮૯૭ અ. ૨૯ એપ્રિલ, ૧૯૬૦

‘નવીન’ ઉપનામથી જાણીતા, ભારતીય સ્વાતંત્ર્યસેનાની, રાજકારણી, પત્રકાર અને હિન્દી સાહિત્યના કવિ બાલકૃષ્ણ શર્માનો જન્મ મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના એક નાનકડા ગામ ભ્યાના ખાતે એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ઘનશ્યામ શર્મા અને માતાનું નામ રાધાબાઈ હતું. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ ૧૧ વર્ષની ઉંમરે શાજાપુરની એક શાળામાં તેમનું પ્રાથમિક શિક્ષણ શરૂ કરી શક્યા હતા. ઉજ્જૈનમાં જઈને ૧૯૧૭માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. જ્યાં તેમને પ્રખ્યાત કવિ માખનલાલ ચતુર્વેદીને મળવાની તક પ્રાપ્ત થઈ હતી. ત્યાંથી ઉચ્ચ અભ્યાસ કરવા ક્રાઇસ્ટ ચર્ચ કૉલેજ, કાનપુર ગયા અને ૧૯૨૧માં કૉલેજનો અભ્યાસ છોડીને રાજકારણમાં અને આઝાદીની ચળવળમાં જોડાયા હતા. બાલકૃષ્ણ શર્માએ ૧૯૨૧થી ૧૯૪૪ વચ્ચે છ વખત જેલવાસ ભોગવ્યો હતો. બ્રિટિશ સરકારે તેમને ખતરનાક કેદી તરીકે જાહેર કર્યા હતા. ૧૯૩૧માં તેઓ હિન્દી દૈનિક ‘પ્રતાપ’ સાથે જોડાયા અને પત્રકાર તરીકે પણ તેમની સેવા પ્રશંસાપાત્ર બની હતી. ૧૯૫૧-૫૨માં તેઓ પ્રથમ લોકસભામાં તથા ૧૯૫૭માં તેઓ રાજ્યસભામાં પણ ચૂંટાયા હતા. રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ ખૂબ જ સક્રિય હતા અને તેમની વક્તૃત્વ છટાને લીધે તેઓ કાનપુરના સિંહ તરીકે ઓળખાતા હતા. બાલકૃષ્ણ શર્માએ કૉલેજના દિવસોથી જ ‘નવીન’ ઉપનામ સાથે ઘણી કવિતાઓ લખેલી જેમાં દેશપ્રેમ ભરપૂર રીતે  જોવા મળતો હતો. તેમણે ‘કુમકુમ’, ‘રશ્મિરેખા’, ‘અપલક’, ‘ઊર્મિલા’ અને ‘વિનોબા સ્તવન’ જેવા કાવ્યસંગ્રહો પ્રકાશિત કર્યા હતા. તેમની કવિતાઓએ અટલબિહારી વાજપેયી સહિત ઘણાને પ્રભાવિત કર્યા હતા. ઉત્તરપ્રદેશ હિન્દી સંસ્થાને બાલકૃષ્ણ શર્મા ‘નવીન’ નામનો ઍવૉર્ડ પણ શરૂ કર્યો હતો. શાજાપુરની એક કૉલેજનું નામ ‘‘સરકારી બાલકૃષ્ણ શર્મા ‘નવીન’ પોસ્ટ ગ્રૅજ્યુએટ કૉલેજ’’ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. ૨૦૧૩માં વિષ્ણુ ત્રિપાઠીએ ‘‘બાલકૃષ્ણ શર્મા ‘નવીન’’’ નામે જીવનચરિત્ર લખ્યું છે. ૧૯૮૯માં ઇન્ડિયા પોસ્ટે તેમને સ્મારક સ્ટૅમ્પથી સન્માનિત કર્યા હતા અને ભારત સરકારે ૧૯૬૦માં ત્રીજું સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણથી તેમને સન્માનિત કર્યા હતા.

અશ્વિન આણદાણી