Categories
વાચન સમૃદ્ધિ

ધોંડો કેશવ કર્વે

જ. 18 એપ્રિલ, 1858 અ. 9 નવેમ્બર, 1962

સમાજસુધારક અને કેળવણીકાર ભારતરત્ન ધોંડો કેશવ કર્વેનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના શેરવલી-મુરુડ ખાતે થયો હતો. તેમણે શાળેય શિક્ષણ મુરુડ અને રત્નાગિરિમાં પ્રાપ્ત કર્યું હતું. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગણિત સાથે સ્નાતક થયા અને પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં ગણિતના અધ્યાપક બન્યા હતા. તેઓ વિધવા પુનર્લગ્ન અને વિધવા શિક્ષણના પ્રણેતા હતા. તેમની પત્નીનું અવસાન થતાં ‘શારદાસદન’ સ્ત્રીસંસ્થામાંથી આનંદીબાઈ નામની વિધવા સાથે પુનર્લગ્ન કર્યાં આથી બ્રાહ્મણ સમાજે બહિષ્કાર કર્યો હતો. તેમણે 1893માં ‘વિધવાવિવાહ પ્રતિબંધ નિવારક મંડળ’ની સ્થાપના કરી હતી. 1896માં પૂના પાસે હિંગણે(હવે કર્વેનગર)માં વિધવા મહિલાઓ માટે આશ્રમની સ્થાપના કરી હતી. 1907માં આ આશ્રમમાં મહિલાશાળાની સ્થાપના કરી હતી. તેમણે 1910માં ‘નિષ્કામ કર્મ મઠ’ની સ્થાપના કરી હતી. તેમણે ગ્રામ પ્રાથમિક શિક્ષણ મંડળ સ્થાપીને અનેક શાળાઓ શરૂ કરી. આ બધી સંસ્થાઓનું એકત્રીકરણ કરીને ‘મહર્ષિ કર્વે મહિલા શિક્ષણ સંસ્થા’ બનાવવામાં આવી. તેમણે 1929માં આફ્રિકા, જાપાન, યુરોપ અને અમેરિકાની મુલાકાત લીધી. તેઓ આઇન્સ્ટાઇનને મળ્યા. જાપાનની મહિલા યુનિવર્સિટીથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. તેમણે 1916માં પૂનામાં ભારતની પ્રથમ મહિલા યુનિવર્સિટી ‘શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરે મહિલા યુનિવર્સિટી’(SNDT યુનિવર્સિટી)ની સ્થાપના કરી. તેમણે 1910માં કાર્યકર્તાઓને તૈયાર કરવા માટે ‘નિષ્કામ કર્મ મઠ’ની તથા અસ્પૃશ્યતાનિવારણ માટે 1944માં ‘સમતા સંઘ’ની સ્થાપના કરી. તેમની આત્મકથા મરાઠીમાં ‘આત્મવૃત્ત’ અને અંગ્રેજીમાં ‘લુકિંગ બેક’ નામે પ્રકાશિત થઈ છે. ભારત સરકારના ફિલ્મ વિભાગે ‘ધ સ્ટોરી ઑવ્ ડૉ. કર્વે’ દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરી છે. તેમના જીવનઆધારિત નાટક ‘હિમાલયાચી સાવલી’ ભજવાયું હતું અને તેનું ગુજરાતી રૂપાંતર ‘નોખી માટી, નોખાં માનવી’ હતું. પૂનામાં કર્વેનગર અને મુંબઈમાં મહર્ષિ કર્વે માર્ગ તેમના નામ પરથી રાખવામાં આવ્યા છે. બનારસ હિન્દી યુનિવર્સિટી, પુણે યુનિવર્સિટી અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી દ્વારા તેમને ડી.લિટ.ની પદવી આપવામાં આવી હતી. ભારત સરકારે 1955માં પદ્મભૂષણ અને 1958માં ભારતરત્નથી તેમને સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

જ. 16 એપ્રિલ, 1903 અ. 6 જાન્યુઆરી, 1991

ગાંધીયુગના ગણનાપાત્ર કવિ અને કેળવણીકારનો જન્મ વલસાડના ચીખલી ગામમાં અને પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પણ વતનમાં. 1920માં અસહકારની લડતમાં ભાગ લેવાથી મૅટ્રિકનો અભ્યાસ અધૂરો રહ્યો. ત્યારપછી 1921માં ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત’ પરીક્ષા પાસ કરી, 1926માં રાજ્યશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થયા અને 1926થી 1928 સુધી વિદ્યાપીઠમાં રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવા આપી. 1930માં સવિનય કાનૂનભંગની લડત વખતે ‘સત્યાગ્રહ પત્રિકા’નું સંપાદન કરતા હોવાથી નવ માસની કારાવાસની સજા પણ ભોગવી. 1931માં સૂરત કૉંગ્રેસ પ્રમુખ તરીકે વરણી થઈ અને ફરી બે વર્ષનો જેલવાસ થયો હતો. 1934માં જીવનદિશા બદલાઈ અને મુંબઈમાં વિલે પારલે ખાતે ગોકળીબાઈ શાળામાં આચાર્યપદે નિયુક્ત થયા. 1938માં અમદાવાદની જાણીતી શિક્ષણસંસ્થા શેઠ ચી. ન. વિદ્યાવિહારમાં આચાર્યપદે જોડાયા. પ્રથમ શિક્ષક તરીકે અને નિવૃત્ત થયા બાદ નિયામકપદે વરણી પામ્યા. ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિપદે પણ ત્રણ વાર નિયુક્ત થયા. એમની શૈક્ષણિક કારકિર્દીને લક્ષમાં લઈ 1961માં એમને ઉત્તમ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિ ઍવૉર્ડ એનાયત થયેલો. વળી આ જ હેતુસર ચંદ્રકાન્ત મેમોરિયલ પારિતોષિક પણ એનાયત થયું હતું. સાહિત્યક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. 1921થી શરૂ થયેલી કાવ્યયાત્રાનો પ્રથમ પડાવ એટલે 1935માં પ્રગટ થયેલો પ્રથમ કાવ્યસંગ્રહ ‘અર્ઘ્ય’, 1948માં બીજો ‘પનઘટ’ પ્રગટ થયો. ત્યારબાદ 1974માં ‘અતીતની પાંખમાંથી’, 1984માં ‘ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ’ તથા ‘નિજલીલા’. 1967માં ગુજરાતી ભાષા-સાહિત્યમાં સૌપ્રથમ સીમાસ્તંભ સમાન હાઈકુ-સંગ્રહ ‘સોનેરી ચાંદ – રૂપેરી સૂરજ’, 1984માં બીજો હાઈકુ-સંગ્રહ ‘કેવળવીજ’ પ્રકાશિત થયા. 1986માં કેટલાંક હાઈકુના અંગ્રેજી અનુવાદોનો સંગ્રહ ‘સનરાઇઝ ઑન સ્નોપિક્સ’ શીર્ષકથી પ્રકટ થયો. ‘તરાપો’ અને ‘ઉજાણી’ જેવાં બાળકાવ્યોના સંગ્રહો પણ છે. 1967માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને 1985માં નર્મદ સાહિત્ય સભા તરફથી નર્મદ ચંદ્રક એનાયત થયા હતા.