Categories
વાચન સમૃદ્ધિ

એસ. કે. રામચંદ્ર રાવ

જ. ૪ સપ્ટેમ્બર, ૧૯૨૫ અ. ૨ ફેબ્રુઆરી, ૨૦૦૬

શ્રી એસ. કે. રામચંદ્ર રાવનું પૂરું નામ શાલિગ્રામ ક્રિષ્ના રામચંદ્ર રાવ છે. તેઓ ભારતીય લેખક, મનોવિજ્ઞાનના અધ્યાપક અને સંસ્કૃતના વિદ્વાન હતા. તેમનો જન્મ કર્ણાટકના હસ્સન નામે નાનકડા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે તેમનું બાળપણ દાદા-દાદી સાથે બૅંગાલુરુમાં વિતાવ્યું હતું. તેમણે સંસ્કૃતના અભ્યાસની શરૂઆત વિદ્વાન અગ્નિહોત્રી યજ્ઞવિઠ્ઠલાચાર પાસે કરી હતી. સંસ્કૃત શિક્ષણની આ તાલીમ પાછળથી તેમને પુસ્તકોનાં લેખનમાં ખૂબ ઉપયોગી નીવડી હતી. જ્યારે તેમના દાદાનું અવસાન થયું, તેઓ પોતાનાં માતાપિતા સાથે રહેવા નાનકડા ગામમાં ગયા. પછી તરત જ મૈસૂર જઈ શાળાકીય શિક્ષણ પૂરું કર્યું. ઈ. સ. ૧૯૪૯માં તેઓ મૈસૂર યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન વિષય સાથે એમ.એ. થયા. ઈ. સ. ૧૯૫૪થી ૧૯૬૫ સુધી તેઓ ‘ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેન્ટલ હેલ્થ’(હવે NIMHANS)માં અધ્યાપક હતા. ૧૯૬૨માં તેમની પાસેથી ‘ધ ડેવલપમેન્ટ ઑફ સાઇકોલૉજિકલ થૉટ ઇન ઇન્ડિયા’ પુસ્તક મળ્યું. ૧૯૬૫માં NIMHANS છોડ્યા પછી તેમણે બૅંગાલુરુની અનેક સંસ્થાઓમાં સાઇકોલૉજી, ફિલૉસૉફી, ઇન્ડોલૉજી, શિક્ષણ અને સમાજકાર્યવિષયક મુલાકાતી અધ્યાપક તરીકે સેવા બજાવી હતી. તેમનાં મોટા ભાગનાં લખાણો ભારતીય સંસ્કૃતિ, તત્ત્વજ્ઞાન, કલા, સંગીત અને સાહિત્યવિષયક છે. તેમનાં લખાણોનો આધાર પ્રાચીન ભારતીય ગ્રંથો અને હસ્તપ્રતો છે. તેઓ ચિત્રકલા અને શિલ્પકલાના પણ જાણકાર હતા. બૅંગાલુરુના રવીન્દ્રકલાક્ષેત્રમાં તેમની આ કલાના નમૂનાઓ કાયમી ધોરણે સ્થાન પામ્યા છે. તેમના મૃત્યુ સમયે તેઓ ઋગ્વેદ પરની ૩૨ ગ્રંથોની યોજના માટે લેખનકાર્ય કરતા હતા. તેમના મૃત્યુ પછી ખંડ સોળમો ૨૦૦૭માં પ્રકાશિત થયો હતો. બૅંગાલુરુમાં તેમનું અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ત્રણ મહાન ચિકિત્સકો

સમગ્ર ઇંગ્લૅન્ડમાં ડૉક્ટર તરીકે સિડનહામની પ્રસિદ્ધિ અભૂતપૂર્વ હતી. રાજા કે ઉમરાવથી માંડીને સામાન્ય માનવી સુધી સહુ કોઈ ડૉક્ટર સિડનહામની કાબેલિયત પર પ્રસન્ન હતા. એનું નિદાન અત્યંત સચોટ ગણાતું અને એની સારવાર કારગત મનાતી. કેટલાય અસાધ્ય રોગના દર્દીઓને એણે સાજા કર્યા હતા અને કેટલાયને માટે આ ડૉક્ટર જીવનદાતા દેવસમાન હતા. આવા ડૉક્ટર સિડનહામ ખુદ મરણશય્યા પર સૂતા હતા ત્યારે એમનાં સગાં-સ્નેહીઓ, મિત્રો, દર્દીઓ અને શિષ્યો – સહુ કોઈ એમની પાસે ઊભાં હતાં. બધાંનાં મનમાં એક જ વ્યથા હતી કે આવા સમર્થ ડૉક્ટરની વિદાય પછી એમની બીમારીમાં કોણ ઉપચાર કરશે ! ડૉક્ટર સિડનહામે આસપાસ ઊભેલા સ્વજનોને કહ્યું, ‘તમે આટલા બધા શોકગ્રસ્ત બનશો નહીં. મને સંતોષ છે કે હું તમને ત્રણ મહાન ડૉક્ટરો આપીને વિદાય લઈ રહ્યો છું.’ સહુ કોઈ વિચારમાં પડ્યા. એક વ્યક્તિ તો બોલી ઊઠી : ‘‘શું કહો છો તમે ? તમારા જેવો એક ડૉક્ટર પણ મળવો મુશ્કેલ છે ! અસંભવ. અને તમે ત્રણ ત્રણ ડૉક્ટરની વાત કરો છો ?’ સહુના ચહેરા પર જિજ્ઞાસા છવાઈ ગઈ. આજ સુધી એમને ખબર નહોતી કે સિડનહામની તોલે આવે એવો કોઈ ડૉક્ટર છે, ત્યારે એ તો ત્રણ ત્રણ ડૉક્ટર હોવાની વાત કરે છે. સિડનહામના શિષ્યએ કહ્યું, ‘આપ એ ત્રણ ડૉક્ટરોનાં નામ બતાવવાની કૃપા કરશો?’ સિડનહામે જવાબ આપ્યો, ‘એ ત્રણ મહાન ચિકિત્સકો છે – હવા, પાણી અને કસરત. શુદ્ધ હવા, સ્વચ્છ પાણી અને નિયમિત કસરત – એ ત્રણ મહાન ચિકિત્સકોને કારણે કોઈ બીમારી તમારી પાસે આવશે જ નહીં.’

Categories
વાચન સમૃદ્ધિ

કિશન મહારાજ

જ. ૩ સપ્ટેમ્બર, ૧૯૨૩ અ. ૪ મે, ૨૦૦૮

ભારતના બનારસ ઘરાનાના વિખ્યાત તબલાવાદક. તેમનો જન્મ જન્માષ્ટમીને દિવસે થયો હોવાથી તેમનું નામ કિશન રાખવામાં આવ્યું. તેમના પિતા હરિ મહારાજ સારા તબલાવાદક હતા, પરંતુ પિતાનું નાની વયે અવસાન થતાં કિશન મહારાજના ઉછેર અને સંગીતશિક્ષણની જવાબદારી તેમના કાકા અને વિખ્યાત તબલાવાદક કંઠે મહારાજે લીધી. માત્ર પાંચ વર્ષની વયથી કિશન મહારાજે તબલાવાદનની સાધના શરૂ કરી. તેઓ શરૂઆતથી જ અટપટા તાલ વગાડવામાં વિશેષ રસ ધરાવતા. પરિણામે સરળ માત્રાવાળા તાલ વગાડવાની કળા તેમને સહજ રીતે હસ્તગત બની. તેઓ સ્વતંત્ર એકલ તબલાવાદક તરીકે ખ્યાતિ ધરાવે છે. દેશના વિખ્યાત કંઠ્ય અને વાદ્ય સંગીતકારો સાથે સંગીત સંમેલનો તથા મહેફિલોમાં તેમણે સંગત કરી હતી. શાસ્ત્રીય કંઠ્ય તથા વાદ્યસંગીત, ધ્રુપદ, ધમાર સંગીત, ઉપશાસ્ત્રીય સંગીત ઉપરાંત નૃત્ય જેવાં વિવિધ ક્ષેત્રોના કલાકારો સાથે તેઓ કુશળતાપૂર્વક સંગત કરી શકતા. તેમણે પંડિત ઓમકારનાથ ઠાકુર, ઉસ્તાદ બડે ગુલામ અલીખાં, ઉસ્તાદ ફૈયાઝખાં, પંડિત ભીમસેન જોષી, પંડિત રવિશંકર જેવા મોટા સંગીતકારો સાથે સંગત કરી હતી. વળી તેમણે નૃત્યની દુનિયાના મહાન કલાકાર શંભુ મહારાજ, બિરજુ મહારાજ, સિતારાદેવી વગેરેના કાર્યક્રમોમાં પણ તબલાં પર સંગત કરી હતી. તેમણે ગુરુશિષ્ય પરંપરા પદ્ધતિથી અનેક તાલીમાર્થીઓને તબલાવાદનની તાલીમ આપી છે. તેમના અનેક શિષ્યોએ તબલાવાદનક્ષેત્રે નામના મેળવી છે. તેઓ સંસ્કૃતિ અને ચિત્રકલામાં પણ ઊંડો રસ ધરાવતા હતા. હિંદી ભાષામાં લખેલી તેમની કાવ્યરચનાઓ ઉચ્ચ કક્ષાની ગણાય છે. ભારતના સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે તેમણે ૧૯૫૦-૫૧માં રશિયાનો પ્રવાસ ખેડ્યો હતો. તેમને સંગીતક્ષેત્રે તેમના પ્રદાન બદલ અનેક પુરસ્કારોથી સન્માનવામાં આવ્યા હતા. તેમાં મુખ્યત્વે ૧૯૭૩માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યા અને ૨૦૦૨માં પદ્મવિભૂષણથી સન્માનવામાં આવ્યા હતા.