Categories
વાચન સમૃદ્ધિ

ચેતન આનંદ

જ. ૩ જાન્યુઆરી, ૧૯૨૧ અ. ૬ જુલાઈ, ૧૯૯૭

ભારતીય સિનેમાના પ્રસિદ્ધ નિર્માતા નિર્દેશક ચેતન આનંદનો જન્મ લાહોરમાં થયો હતો. તેમના પિતા પિશોરીલાલ આનંદ ઍડ્વોકેટ હતા. ગુરુકુલ કાંગરી વિશ્વવિદ્યાલયમાં તેઓ હિન્દુ શાસ્ત્રો ભણ્યા અને ગવર્નમેન્ટ કૉલેજ, લાહોરમાંથી અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા. તેઓ ભારતીય નૅશનલ કૉંગ્રેસના સભ્ય હતા. તેમણે થોડો વખત બી.બી.સી. સાથે કામ કર્યું અને પછી દૂન શાળામાં શિક્ષક તરીકે જોડાયા. ત્યારબાદ પોતે લખેલી વાર્તા બતાવવા તેઓ મુંબઈ આવી ગયા. ઇતિહાસ ભણાવતી વખતે તેમણે રાજા અશોક ઉપર ફિલ્મવાર્તા લખી હતી તે ફણી મજુમદારે બતાવી. પરંતુ ફણી મજુમદારે તેમને પોતાની ફિલ્મ રાજકુમારમાં મુખ્ય ભૂમિકામાં કામ કરવા ઑફર આપી. તેઓ ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન (ઇપ્ટા) સાથે પણ જોડાયા. ફિલ્મ ‘નીચા નગર’થી તેઓ દિગ્દર્શક બન્યા. ૧૯૫૦ના અરસામાં તેમણે નાના ભાઈ દેવ આનંદ સાથે મુંબઈમાં નવકેતન પ્રોડક્શનની સ્થાપના કરી. આ બૅનર હેઠળ ‘અફસર’, ‘ટૅક્સી ડ્રાઇવર’, ‘આંધિયાં’ જેવી ફિલ્મો બતાવવામાં આવી. દિગ્દર્શન સાથે તેમણે ‘હમસફર’, ‘અર્પણ’, ‘અંજલિ’, ‘કાલા બજાર’, ‘હિન્દુસ્તાન કી કસમ’ વગેરે ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. ત્યારબાદ તેમણે  ફોટોગ્રાફર જય મિસ્ત્રી, સંગીતકાર મદનમોહન, ગીતકાર કૈફી આઝમી અને પ્રિયા રાજવંશ સાથે પોતાની ‘હિમાલય ફિલ્મ્સ’ નામની નિર્માણ કંપની શરૂ કરી. આ બૅનર હેઠળ ‘હકીકત’, ‘હીરરાંઝા’, ‘હંસતે ઝખ્મ’ જેવી યાદગાર ફિલ્મો બનાવવામાં આવી. સુપરસ્ટાર રાજેશ ખન્નાને ઍક્ટિંગ હરીફાઈમાંથી શોધી લાવનાર પણ તેઓ જ હતા. ૧૭ ફિચર ફિલ્મો ઉપરાંત તેમણે લોકપ્રિય ટીવી સિરિયલ ‘પરમવીર ચક્ર’ પણ દિગ્દર્શિત કરી હતી. ૧૯૪૬માં તેમને ‘નીચા નગર’ ફિલ્મ માટે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘Palm d’Or’ ઍવૉર્ડ, ૧૯૬૫માં ‘હકીકત’ માટે નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ (સેકન્ડ બેસ્ટ ફિલ્મ ફિચર), ૧૯૮૨માં ‘કુદરત’ ફિલ્મ માટે ફિલ્મફેર બેસ્ટ સ્ટોરીનો ઍવૉર્ડ મળ્યો હતો.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

પ્રકૃતિના આનંદની

બાદબાકીનો અનર્થ ============

ક્યારેક તમને સમગ્ર બ્રહ્માંડની અનુભૂતિ થઈ છે ખરી ? માનવી બ્રહ્માંડમાં વસે છે, પરંતુ પોતાના કેટલાય અંશોને એ ગુમાવી રહ્યો છે. એનો એક અંશ છે વ્યાપકતાનો અનુભવ. પરંતુ એને શોખ છે પોતાના એકદંડિયા મહેલમાં જીવવાનો. આને પરિણામે એ આકાશમાં ઊડતાં પંખીઓનું ગીત કે ઝરણાંના વહેતા પ્રવાહનું સંગીત સાંભળી શકતો નથી. છલોછલ પ્રકૃતિ વચ્ચે જીવતો હોવા છતાં એનો એને લગીરે અનુભવ થતો નથી. પશુઓ તરફ એની કોઈ દૃષ્ટિ કેળવાયેલી નથી. કાં તેમને પાંજરામાં કેદ થયેલાં જુએ છે અથવા તો રસ્તે રઝળતાં જુએ છે. સચરાચર સૃષ્ટિની વાત કરનાર માનવી એ સચરાચરનો અનુભવ પામી શકતો નથી અને એને પરિણામે એના જીવનમાં એક પ્રકારનો ખાલીપો ઊભો થાય છે. એનો બાહ્ય સૃષ્ટિ સાથેનો સંબંધ જેટલો ક્ષીણ થાય છે, એટલી એની આંતરસૃષ્ટિની વ્યથા વધે છે, પ્રકૃતિ અને પ્રાણીજગત સાથેનો એનો અનુબંધ તૂટી ગયો છે અને તેથી જીવનના કેટલાય નિર્વ્યાજ આનંદનાં સ્થાનો એ ખોઈ બેઠો છે. ક્યારેય એકાંત પ્રદેશમાં કે હરિયાળા પર્વતની ગોદમાં એ પલાંઠી વાળીને વૃક્ષો કે પક્ષીઓ સાથે સંવાદ કરતો નથી. ક્યારેય છોડ પર આવતી કુમળી કૂંપળ કે વૃક્ષ પર આવતાં રસમધુર ફળને જોઈને એનું મન નાચતું નથી. નીરવ એકાંતમાં પ્રકૃતિમાંથી ઊઠતા સ્વરો-ઉદગારોનું કાન માંડીને શ્રવણ કરતો નથી. જીવનની દોડધામ વચ્ચે નિસર્ગના દૃશ્યને મનમાં ખડું કરીને નવી ચેતના અનુભવતો નથી. એ વિચારતો નથી કે પ્રાણી સાથે પણ એનું જીવન જોડાયેલું છે. પ્રકૃતિ સાથે એનો આનંદ બંધાયેલો છે. પંખી સાથે એનું ગીત સંકળાયેલું છે. માનવીએ પોતાના જીવનમાંથી કરેલી આ બધી બાદબાકી અંતે તો માનવીના સ્વયંના જીવનની બાદબાકી બનીને રહે છે !

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

હરચંદસિંઘ લોંગોવાલ

જ. ૨ જાન્યુઆરી, ૧૯૩૨ અ. ૨૦ ઑગસ્ટ, ૧૯૮૫

પંજાબમાં ૧૯૮૦ના દાયકામાં બળવા દરમિયાન અકાલી દળના પ્રમુખ તરીકે જાણીતા હરચંદસિંઘ લોંગોવાલનો જન્મ પટિયાલા રજવાડામાં આવેલા ગીદરિયાની ગામે થયો હતો. તેમણે સંત જોધસિંઘના આશ્રયમાં રહીને શીખ ધર્મગ્રંથો અને શીખ સંગીતનો અભ્યાસ કર્યો હતો. એકવીસ વર્ષની ઉંમરે તેમણે ગુરુદ્વારામાં ગ્રંથ-વાચક અને કસ્ટોડિયન તરીકે સેવા આપી હતી. લોંગોવાલ ગામમાં તેમણે અઢારમી સદીના પ્રખ્યાત વિદ્વાન અને શહીદ ભાઈ મણિસિંઘની યાદમાં ગુરુદ્વારા ઊભું કર્યું હતું. ૧૯૬૨માં તેમને દમદમા સાહિબ (તલવંડી સાબો) ખાતેના ઐતિહાસિક મંદિરના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાથી તેઓ ‘સંતજી’ તરીકે ઓળખાતા હતા. હરચંદસિંઘ લોંગોવાલનું રાજકીય જીવન ૧૯૬૪માં શરૂ થયું હતું. જ્યારે તેમણે હાલના હિમાચલ પ્રદેશ રાજ્યમાં પાઓંટા સાહિબના ઐતિહાસિક સ્થળ પર શીખ અધિકારો માટે યોજાયેલા પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. ૧૯૬૫માં લોંગોવાલ સંગરૂર જિલ્લામાં અકાલી સંગઠનના પ્રમુખ બન્યા અને શિરોમણિ અકાલી દળની કારોબારી સમિતિના સભ્ય બન્યા હતા. ૧૯૬૯માં તેઓ પંજાબ વિધાનસભામાં અકાલી ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. ૧૯૮૦માં અકાલી દળના અધ્યક્ષ તરીકેની ભૂમિકા દરમિયાન હરચંદસિંઘે પંજાબના શીખોની લાંબા સમયથી ચાલતી ફરિયાદો અંગે કેન્દ્ર સરકાર પાસેથી છૂટ મેળવવા માટે નાગરિક અસહકારની મોટા પાયે ઝુંબેશ શરૂ કરી હતી. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે તેમણે ખૂબ જ વાટાઘાટો કરી હતી. આ વાટાઘાટો નિષ્ફળ જવાથી લોકોના વિશ્વાસને ઠેસ પહોંચી હતી. જેનાથી ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓના હાથ મજબૂત થયા હતા. હરચંદસિંઘ લોંગોવાલે ૨૪ જુલાઈ, ૧૯૮૫ના રોજ રાજીવ ગાંધી સાથે પંજાબ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, જેને રાજીવ-લોંગોવાલ ઍકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. સરકારે અકાલી દળની મોટા ભાગની માંગણીઓ સ્વીકારી લીધી હતી. કરાર પર હસ્તાક્ષર કર્યાના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં લોંગોવાલની હત્યા થવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

અશ્વિન આણદાણી