Categories
વાચન સમૃદ્ધિ

એલ. વી. પ્રસાદ

જ. ૧૭ જાન્યુઆરી, ૧૯૦૮ અ. ૨૨ જૂન, ૧૯૯૪

અક્કિનેની લક્ષ્મી વરા પ્રસાદ રાવનો જન્મ સામવારપાડુ, પશ્ચિમ ગોદાવરી જિલ્લો, આંધ્રપ્રદેશમાં થયો હતો. પિતા અક્કિનેની શ્રીરામુલુ અને માતા બાસવામ્મા. આ હિંદી અને દક્ષિણ ભારતીય ભાષાઓનાં ચલચિત્રોના અભિનેતા, નિર્માતા, નિર્દેશક એલ. વી. પ્રસાદના નામથી વધુ જાણીતા હતા. બાળપણથી જ ચલચિત્રોમાં રુચિ ધરાવનાર પ્રસાદનું મન અભ્યાસમાં ન ચોંટ્યું. પોતે પણ ચલચિત્રો બનાવી શકે એ વિચારોમાં રહેવા લાગ્યા. ૧૭ વર્ષે લગ્ન થઈ ગયું અને પછી ઘરની આર્થિક સ્થિતિ કથળતાં તેઓ મુંબઈ આવ્યા. ચલચિત્રો પ્રત્યે ઘેલછા તો હતી જ એટલે તેમાં કામ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા. ઘણા સંઘર્ષ અને રઝળપાટ પછી ૧૯૩૦માં તેમને નાનુંમોટું કામ મળવા લાગ્યું. અરદેશર ઈરાનીની ઇમ્પીરિયલ ફિલ્મ કંપનીમાં તેઓ કામ કરતા હતા ત્યારે ૧૯૩૧માં ભારતના પ્રથમ બોલપટ ‘આલમઆરા’માં પણ તેમને કામ કરવાની તક મળી. આમ પ્રથમ હિંદી બોલપટ ‘આલમઆરા’, પ્રથમ તમિળ બોલપટ ‘કાલિદાસ’ તથા પ્રથમ તેલુગુ બોલપટ ‘ભક્ત પ્રહલાદ’માં અભિનય કરનારા તેઓ પ્રથમ અભિનેતા બન્યા. ત્યારબાદ તેઓ મુંબઈ છોડી ચેન્નાઈ આવ્યા અને ‘દ્રોહ’ અને ‘ગૃહપ્રવેશમ્’ બે ચિત્રોનું નિર્દેશન કર્યું. તેમાં અભિનય પણ કર્યો. સમય જતાં તેમણે લક્ષ્મી પ્રોડક્શન્સ અને પ્રસાદ પ્રોડક્શન નામની પોતાની નિર્માણ  કંપનીઓ શરૂ કરી. ૪૦થી વધુ સફળ ચિત્રોનું નિર્માણ કર્યું. ૧૯૬૫માં તેમણે પ્રસાદ સ્ટુડિયોની સ્થાપના કરી અને ૧૯૭૬માં પ્રસાદ ફિલ્મ લૅબોરેટરી શરૂ કરી, જે એશિયામાં શ્રેષ્ઠ સુવિધાઓ ધરાવતી પ્રયોગશાળાઓમાંની એક બની રહી. એલ. વી. પ્રસાદ નેત્ર ચિકિત્સાલય પણ ખૂબ જાણીતી છે. તેલુગુ, તમિળ અને કન્નડ ભાષામાં ઘણાં લોકપ્રિય ચલચિત્રોનું નિર્માણ કરવા ઉપરાંત તેમણે લોકપ્રિય હિંદી ચલચિત્રો બનાવ્યાં તેમાં ‘શારદા’, ‘છોટી બહન’, ‘બેટી બેટે’, ‘હમરાહી’, ‘સસુરાલ’, ‘દાસી’, ‘માં’, ‘મિલન’, ‘રાજા ઔર રંક’, ‘જીને કી રાહ’, ‘ખિલૌના’, ‘બિદાઈ’, ‘એક દૂજે કે લિયે’, ‘ઉધાર કા સિંદૂર’નો સમાવેશ થાય છે. તેમને ઘણાં બધાં પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા છે. જેમાં ૧૯૮૨માં દાદાસાહેબ ફાળકે પારિતોષિક, ૧૯૮૦માં ભારત સરકાર દ્વારા ‘ઉદ્યોગરત્ન’ તથા આંધ્રપ્રદેશનું રઘુપતિ વેન્કૈયા પારિતોષિક વગેરે મુખ્ય છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

સહુ કોઈ સમાન

વિશ્વના મહાન ક્રાંતિકારી નેતા અને માર્કસવાદી વિચારસરણીના પ્રવર્તક વ્લાદિમિર ઇલિચ ઇલિયાનૉવ લેનિને (ઈ. સ. ૧૮૭૦થી ૧૯૨૪) આમ તો રશિયાની પોલીસને થાપ આપવા માટે ‘લેનિન’ નામ ધારણ કર્યું હતું,

પરંતુ સમય જતાં એ જ નામથી ખ્યાતનામ બન્યા. ૧૯૧૭ના ઑક્ટોબરમાં થયેલી ક્રાંતિને પરિણામે રશિયાની નવી સરકારનું નેતૃત્વ લેનિનને સોંપવામાં આવ્યું.

રશિયાના વિકાસ માટે એમણે અગત્યનું સૂત્ર આપ્યું કે ‘જે શ્રમ કરશે નહીં, તેને ખાવા પણ મળશે નહીં.’

આવા સોવિયેટ સંઘના પ્રથમ સમાજવાદી શાસક લેનિન એક રવિવારે વાળ કપાવવા માટે સલૂનમાં ગયા. એમણે જોયું તો સલૂનમાં ઘણી લાંબી લાઇન હતી. ઘણા લોકો એમનો વારો ક્યારે આવે, તેની રાહ જોઈને બેઠા હતા. સોવિયેટ સંઘના આ સર્વસત્તાધીશને જોઈને કેટલાક ઊભા થઈ ગયા અને દુકાનના માલિકે સામે ચાલીને એમનું અભિવાદન કર્યું.

દેશના સર્વોચ્ચ સત્તાધીશ લેનિન તો અત્યંત વ્યસ્ત હોય જ, તેથી અન્ય ગ્રાહકોએ વાળંદને કહ્યું, ‘અમે પછી વાળ કપાવીશું, પહેલાં કૉમરેડ લેનિનને બેસાડો.’

લેનિને મક્કમતાથી કહ્યું, ‘ના, હું કતાર નહીં તોડું. મારો વારો આવે ત્યારે હું વાળ કપાવીશ.’

આ સાંભળી બીજા ગ્રાહકોએ કહ્યું, ‘અરે, તમારી તો એક એક પળ કીમતી હોય. દેશની કેટલી મોટી જવાબદારી છે તમારા પર. માટે તમે પહેલાં વાળ કપાવી લો.

મહાન ક્રાંતિકારી, શ્રમજીવીઓના રાહબર અને વ્યવહારકુશળ લોકનેતા લેનિને કહ્યું, ‘જુઓ, આ સમાજમાં કોઈનુંય કામ બીજાથી ચડિયાતું નથી કે બીજાથી ઊતરતું નથી. મજૂર, શિક્ષક, એન્જિનિયર કે ડૉક્ટર – બધા જ દેશને માટે મહત્ત્વનું કામ કરે છે. મારા આ સિદ્ધાંતની વિરુદ્ધમાં હું કઈ રીતે તમારાથી પહેલાં વાળ કપાવવા બેસી શકું ?’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ઓ. પી. નૈયર

જ. ૧૬ જાન્યુઆરી, ૧૯૨૬ અ. ૨૮ જાન્યુઆરી, ૨૦૦૭

ફિલ્મી દુનિયામાં ઓ. પી. નૈયર નામથી ખ્યાતિ ધરાવતા સંગીતકારનું પૂરું નામ ઓમકારપ્રસાદ નૈયર. તેમનો જન્મ લાહોરમાં થયો હતો. તેમણે સંગીતનું કોઈ ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરેલું નહીં, પણ તેમની રુચિના કારણે ૧૯૪૯માં ‘કનિઝ’ અને ૧૯૫૨માં ‘આસમાન’ ફિલ્મમાં પાર્શ્વ સંગીત આપેલું જેને એવી ખાસ સફળતા મળેલી નહીં પણ ૧૯૫૪માં ગુરુદત્તની ફિલ્મ ‘આરપાર’માં તેમનું સંગીત પ્રશંસાને પાત્ર થયું. તેમાં શમશાદ બેગમ, ગીતા દત્ત અને રફીના કંઠનો તેમણે સુંદર પ્રયોગ કરેલો. પછી તો ‘કભી આર, કભી પાર’, ‘યે લો મૈં હારી પિયા’ અને ‘બાબુજી ધીરે ચલના’ જેવી રચનાઓ લોકોની જીભે રમવા લાગી. તેમણે તેમની સંગીતરચનાઓમાં પશ્ચિમી વાદ્યો સાથે ભારતીય વાદ્યોનો સમન્વય કર્યો હતો. ૧૯૫૫માં ‘બાપ રે બાપ’ ફિલ્મમાં આશા ભોસલેનો તેમને સાથ મળ્યો જે વીસ વર્ષો સુધી રહ્યો. ત્યારબાદ તેમણે દિલરાજ કૌર, વાણી જયરામ અને કવિતા કૃષ્ણમૂર્તિ જેવી ગાયિકાઓના કંઠનો ઉપયોગ કર્યો હતો. તેમના સંગીતમાં ઉલ્લાસ, રમતિયાળપણું અને મસ્તી જોવા મળે છે, પરંતુ તેઓ ગંભીર પ્રકારનાં ગીતોનું પણ સ્વરનિયોજન કરતા જે ‘સોને કી ચીડિયા’ ફિલ્મમાં જોવા મળે છે. વળી તેમણે ફક્ત ‘રાગિની’ અને ‘કલ્પના’માં શાસ્ત્રીય સંગીત ઉપર આધારિત ધૂનોની રચના પણ કરેલી, પણ લોકોને તે બહુ રુચિ નહીં. ધીરે ધીરે તેમની ધૂનોમાં એકવિધતા આવવાથી તેમની પ્રગતિ અટકતી હોય તેવું લાગ્યું. તેમણે લતા મંગેશકર સિવાયની ગાયિકાઓ પાસે પણ અસામાન્ય કામ લીધું અને સાબિત કર્યું કે ગીતની લોકપ્રિયતામાં માત્ર કંઠની મધુરતા જ નિર્ણાયક નથી રહેતી. તે ઉપરાંત બંદીશો રચવાની અને ધૂનો બનાવવાની જે વિશેષતા તથા અલૌકિકતા અને વાદ્યોનું ચયન પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જીવનના સાગરમાં ભરતી અને ઓટને સહજ રીતે સ્વીકારી પોતાની જ મસ્તીમાં જીવનાર મહાન સંગીતકાર એવા ઓ. પી. નૈયર તેમની અનેક લોકપ્રિય સ્વરરચનાથી અમર રહેશે. તેમને ૧૯૫૮માં ‘નયા દૌર’ ફિલ્મના સંગીતનિર્દેશક તરીકે ફિલ્મફેરનો ‘બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર’નો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભારત સરકારે ૨૦૧૩માં તેમની સ્મૃતિમાં ટપાલટિકિટ બહાર પડી હતી.

અશ્વિન આણદાણી