Categories
વાચન સમૃદ્ધિ

રમાબાઈ રાનડે

જ. ૨૫ જાન્યુઆરી, ૧૮૬૩ અ. ૨૫ જાન્યુઆરી, ૧૯૨૪

૧૯મી સદીનાં પ્રથમ મહિલા અધિકાર કાર્યકર્તા અને સમાજસુધારક તરીકે જાણીતાં રમાબાઈ રાનડેનો જન્મ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના દેવરાષ્ટ્રે નામના ગામમાં થયો હતો. એ દિવસોમાં સ્ત્રીશિક્ષણ નિષેધ હોવાના કારણે તેમના પિતાએ તેમને અક્ષરજ્ઞાન આપેલું જ નહીં. ૧૮૭૩માં ૧૦ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને સમાજસુધારક એવા મહાદેવ ગોવિંદ રાનડે સાથે થયાં હતાં. પરિવારના વિરોધ વચ્ચે પણ રમાબાઈને તેમના પતિએ શિક્ષિત કરવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. પતિના મજબૂત સમર્થન અને દૂરંદેશિતાથી રમાબાઈએ પોતાનું સમગ્ર જીવન મહિલાઓની આત્મનિર્ભરતા માટે સમર્પિત કરી દીધું હતું. યુવા રમાબાઈને જસ્ટિસ રાનડેએ મરાઠી, અંગ્રેજી, ગણિત, ભૂગોળ અને ઇતિહાસ જેવા વિષયોનું વાંચન અને લેખન શીખવ્યું હતું. તેમણે રમાબાઈને વર્તમાનપત્રોના નિયમિત વાંચન દ્વારા સમસામયિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની પ્રેરણા આપી હતી. રમાબાઈનું મહત્ત્વનું સાહિત્યિક યોગદાન મરાઠીમાં લખાયેલી તેમની આત્મકથા ‘અમચ્યા આયુષતિલ આથવાણી’ છે. જેમાં તેમણે તેમના સાંસારિક જીવનનું વિગતે આલેખન કર્યું છે. તેમણે જસ્ટિસ રાનડેના ધર્મસંબંધિત વ્યાખ્યાનોનો એક સંગ્રહ પણ પ્રકાશિત કર્યો હતો. રમાબાઈએ નાશિક હાઈસ્કૂલમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી સાર્વજનિક કાર્યક્રમમાં પ્રથમ વ્યાખ્યાન આપ્યું હતું. મુંબઈમાં પ્રાર્થના સમાજની શાખામાં જોડાયાં બાદ તેમણે આર્ય મહિલા સમાજની શાખા પણ શરૂ કરી હતી. ૧૮૯૩થી ૧૯૦૧ દરમિયાન તેમની સામાજિક પ્રવૃત્તિઓ ચરમસીમા પર રહી હતી. ૧૯૦૧માં રમાબાઈ મુંબઈ છોડી પુણે સ્થાયી થયાં હતાં. પતિના મૃત્યુ પછીનું તેમનું શેષજીવન તેમણે મહિલાઓના શિક્ષણ અને અધિકાર માટે વિતાવ્યું હતું. પીડિત મહિલાઓના પુનર્વસન માટે તેમણે ‘સેવાસદન’ જેવી સામાજિક સંસ્થા સ્થાપી હતી.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

હાથવગા દીવડા

કૅનેડાના પ્રસિદ્ધ ચિકિત્સક અને શિક્ષણશાસ્ત્રી સર વિલિયમ ઑસ્લર (૧૮૪૯થી ૧૯૧૯) મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે એમના માથા પર ચિંતાનો મોટો બોજ એ હતો કે તેઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ વ્યવસાયમાં ક્યાં ઠરીઠામ થશે ? કઈ રીતે એમની આજીવિકા ચાલશે ? એમનું ભવિષ્ય શું ?

આ સમયે એમણે એમના કબાટમાંથી થોમસ કાર્લાઇલનું એક પુસ્તક કાઢીને આ સૂત્ર વાંચ્યું, ‘આપણું મુખ્ય કામ દૂરસુદૂરના ઝાંખા પ્રકાશને જોવાનું નથી, પરંતુ આપણું કામ તો હાથવગા દીવડાને કામમાં લેવાનું છે.’ આ વાક્ય વાંચતાં જ સર વિલિયમ ઑસ્લરના ચિત્ત પરનો સઘળો ભાર ઊતરી ગયો. એમણે વિચાર્યું કે બહુ દૂર-દૂરના ભવિષ્યની ચિંતા કરીને દુ:ખી થવા કરતાં અત્યારની પરિસ્થિતિનો મુકાબલો કરીને આનંદ માણવો જોઈએ, આથી એમણે એક નવો શબ્દ શોધ્યો, ‘ડે-ટાઇટ કમ્પાર્ટમેન્ટ.’  આ શબ્દનો અર્થ એટલો કે દિવસના ટાઇટ કમ્પાર્ટમેન્ટમાં જીવો. રોજના દિવસને જાણો અને જીવો. એમાં ભૂતકાળનો કોઈ બોજ કે ભવિષ્યકાળની કોઈ ચિંતા દાખલ થવા દેશો નહીં, બલ્કે ભૂતકાળને ભૂલી જાઓ અને ભવિષ્યકાળની ધારણા કરવાનું છોડી દો અને આજના દિવસને રળિયામણો ગણીને જીવવાનું રાખો. આ વિચારને પરિણામે વિલિયમ ઑસ્લર કૅનેડાના વિશ્વવિખ્યાત ચિકિત્સક બન્યા. ૧૮૭૩ સુધીમાં લોહીમાંના નહીં ઓળખાયેલા ગઠનકોશો(પ્લેટલેટ્સ)ને એમણે શોધી કાઢ્યા. ફિલાડેલ્ફિયા ક્લિનિકલ મેડિસિનના અધ્યક્ષ બન્યા. કેટલાંય ઉચ્ચ પદ પામ્યા અને મેડિકલ શિક્ષણમાં પણ એમણે ક્લિનિકલ એક્ઝામિનેશનના ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું. એમના ગ્રંથો વિશાળ જ્ઞાનના ઉત્તમ નમૂનારૂપ બની રહ્યા, આમ છતાં તેઓ સ્વીકાર કરતા કે હું બીજી સામાન્ય વ્યક્તિઓ જેવો જ છું, માત્ર મારી જીવવાની પદ્ધતિમાં ‘ડે-ટાઇટ કમ્પાર્ટમેન્ટ’ને હું અનુસરું છું.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી

જ. ૨૪ જાન્યુઆરી, ૧૮૮૨ અ. ૨૯ નવેમ્બર, ૧૯૫૨

ગુજરાતના ઇતિહાસકાર, વૈદકશાસ્ત્રમાં રસ ધરાવનાર અને ઐતિહાસિક સંશોધક દુર્ગાશંકરનો જન્મ પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં અમરેલી, ગુજરાતમાં થયો હતો. પિતાના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સાહિત્યના શિષ્ટ ગ્રંથોનો અભ્યાસ કરી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રમાણભૂત ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. તેઓએ મુંબઈમાં ઝંડુ ફાર્મસીમાં જીવનભર નોકરી કરી હતી. વૈદકશાસ્ત્રના તેમના તલસ્પર્શી અધ્યયનના ફળસ્વરૂપે તેઓએ ‘બાળકોના વૈદ્ય’ (૧૯૧૭), ‘માધવનિદાન’ (૧૯૧૮) અને ‘ઝંડુ ભટ્ટનું જીવનચરિત્ર’ (૧૯૧૯) પુસ્તકો લખ્યાં હતાં. દસ્તાવેજો અને ગ્રંથોના આધારે ‘વૈષ્ણવ ધર્મ અને ગુજરાત પર તેની અસર’ વિષય પર ‘ફાર્બસ સભા’ની સ્પર્ધા માટે નિબંધ લખ્યો હતો જે પુસ્તક રૂપે ૧૯૧૮માં પ્રગટ થયો. આ ગ્રંથમાં તેઓએ ધર્મના ઉદભવ, વિકાસ, વિસ્તાર અને વિશિષ્ટતાઓ અને તેની મર્યાદાઓનો ઉલ્લેખ કર્યો. આ પુસ્તક લખવાથી દુર્ગાપ્રસાદને ઇતિહાસકાર તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. ‘ગુજરાતનાં ધાર્મિક સ્થળો’ (૧૯૨૮), ‘ગુજરાતનાં મુખ્ય યાત્રાધામોનો ઉદભવ-વિકાસ’, ‘પ્રબંધચિંતામણિ’ ગ્રંથનું વિસ્તૃત નોંધ સાથે સંપાદન, ‘ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ’ જેવાં અભ્યાસપૂર્ણ અને સંશોધનાત્મક પુસ્તકો તેઓએ લખ્યાં છે. તેઓએ પુરાવા અને દસ્તાવેજોને આધારે ઇતિહાસ-લેખન કર્યું છે અને ઇતિહાસલેખનમાં શુદ્ધતાનો આગ્રહ રાખ્યો હતો.

અંજના ભગવતી