Categories
વાચન સમૃદ્ધિ

ઝાંઝીબાર

આફ્રિકાના પૂર્વ કિનારે આવેલ તાન્ઝાનિયા પ્રજાસત્તાકનો એક પ્રદેશ. ઝાંઝીબાર, પેમ્બા અને કેટલાક નાના ટાપુઓનો બનેલો છે. ઝાંઝીબારનો ટાપુ આફ્રિકાની મુખ્ય ભૂમિથી 32 કિમી. દૂર 6° દ. અ. અને 40° પૂ. રે. ઉપર દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. ઝાંઝીબાર અને પેમ્બા ટાપુનું ક્ષેત્રફળ 2643 ચોકિમી. છે. પેમ્બા ટાપુ ઈશાન ખૂણે 40 કિમી. દૂર છે. તેનું ક્ષેત્રફળ 984 કિમી. છે. વસ્તી 18,89,000 (2022 આશરે). પરવાળાંના આ ટાપુઓ સમુદ્રમાંથી ઊપસી આવેલા છે. તેની ફરતો સમુદ્ર છીછરો અને બાધક ખડકોની શૃંખલાવાળો હોઈ વહાણવટા માટે ભયજનક છે. માત્ર ઝાંઝીબાર ટાપુના પશ્ચિમ કિનારે આવેલ બારા નજીકનો સમુદ્ર ઊંડો છે. આ કુદરતી બારું છે. આ ટાપુઓ વિષુવવૃત્ત નજીક હોવાથી તેની આબોહવા ગરમ અને ભેજવાળી છે. ચારે તરફ સમુદ્રને કારણે ગરમીનું પ્રમાણ ઓછું રહે છે અને ઉનાળા અને શિયાળાના તથા રાત્રિ અને દિવસના તાપમાન વચ્ચે ભાગ્યે જ 5થી 6 અંશનો તફાવત રહે છે. સરેરાશ તાપમાન 24° થી 30° સે. રહે છે. ડિસેમ્બરથી માર્ચ દરમિયાન અહીં ગરમી પડે છે અને હવામાન પ્રમાણમાં સૂકું રહે છે. એપ્રિલ અને મે માસમાં નૈર્ઋત્યના મોસમી પવનોને લીધે ભારે વરસાદ પડે છે, જ્યારે જૂનથી ઑક્ટોબરમાં શીતળ અને સૂકું હવામાન રહે છે. આ પ્રદેશ દક્ષિણ ગોળાર્ધમાં હોવાથી ઉત્તર ગોળાર્ધ કરતાં ઋતુઓનો ક્રમ ઊલટો રહે છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં હળવો વરસાદ પડે છે. ઝાંઝીબારમાં સરેરાશ 1470 મિમી. અને પેમ્બામાં 1850 મિમી. વરસાદ પડે છે.

લવિંગ

ઝાંઝીબાર ટાપુનો પૂર્વ તરફનો ભાગ ખડકાળ તથા જંગલ અને કળણવાળો છે. ઝાંઝીબાર અને પેમ્બા ટાપુઓની મોટા ભાગની જમીન ફળદ્રૂપ છે અને વિવિધતા ધરાવે છે. આ ટાપુનો મુખ્ય પાક લવિંગ છે. લવિંગના વિશ્વ-ઉત્પાદનમાં તેનો 80% હિસ્સો અને પ્રથમ સ્થાન છે. ઇન્ડોનેશિયા અને ભારતમાં તેની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. 1964 પૂર્વે તેનો વેપાર ભારતીયોના હાથમાં હતો. આ વેપાર ખૂંચવવા યુરોપિયન વેપારીઓ દ્વારા પ્રયત્ન કરાતાં ભારતે 1938માં તેની આયાત બંધ કરી તેનો બહિષ્કાર કર્યો હતો. બીજો મહત્વનો પાક નારિયેળનો છે. આ બે પાકની નિકાસ ઉપર સમગ્ર પ્રદેશના અર્થતંત્રનો આધાર છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. તે સિવાય મચ્છીમારી અન્ય વ્યવસાય છે. ખેતીની પેદાશ પર આધારિત ઉદ્યોગો ઉપરાંત પગરખાં બનાવવાના; છીપ, હાથીદાંત અને અબનૂસનાં ઘરેણાં, ધાતુકામ, કાથી, દોરડાં તેમજ સાબુ બનાવવાના ગૃહઉદ્યોગો છે. ઇતિહાસ : 1964 સુધી આરબો જમીનમાલિકો હતા અને ભારતીયો વેપાર ખેડતા હતા, જ્યારે યુરોપિયનો સરકારી નોકરીમાં હતા. ઝાંઝીબાર સ્વતંત્ર થતાં યુરોપિયનો આ દેશ છોડી ગયા હતા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ઝાંઝીબાર, પૃ. 139)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સાગરસૃષ્ટિ

સાગરમાં રહેતા અનેક સૂક્ષ્મ તથા મોટા જીવોની દુનિયા.

પૃથ્વીની સપાટી પરનો ૭૧% ભાગ સાગરોથી રોકાયેલો છે. પૃથ્વી પરના અતિસૂક્ષ્મ જીવોથી માંડીને વિશાળકાય જીવોનું અસ્તિત્વ સાગરમાં હોવાને કારણે તે જીવો માટેનું સૌથી મોટું રહેઠાણ મનાય છે. જીવસૃષ્ટિની ઉત્પત્તિ અને તેનો પ્રારંભિક વિકાસ પાણીમાં – સાગરમાં થયો હોવાનું મનાય છે. કરોડો વર્ષોના ગાળા દરમિયાન જીવો સાગરમાંથી ધરતી પર આવી પ્રસર્યા અને સ્થાયી થયા. સમુદ્રનું પાણી ખારું હોય છે. તેમાં ભરતી-ઓટ જોવા મળે છે. તેમાં સતત પ્રવાહો વહેતા હોય છે. સાગરમાં અઢળક જળરાશિનું દબાણ હોય છે. તાપમાનની દૃષ્ટિએ તે પ્રકાશીય ઊર્જાનો સૌથી મોટો ભંડાર છે. સાગરના પાણીમાં પ્રવેશતા પ્રકાશને લીધે દરિયાઈ વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે. વળી તે ઊર્જાસ્તર અને પ્રાણીઓની દૃષ્ટિએ પણ મહત્ત્વનો છે. પાણીના સૌથી ઉપરના આ ક્ષેત્રને સુપ્રકાશિત ક્ષેત્ર કહે છે. સુપ્રકાશિત ક્ષેત્રની નીચેનો પાણીનો જથ્થો અપ્રકાશિત હોય છે. તેથી ત્યાં પ્રકાશસંશ્લેષણ થઈ શકતું નથી. આથી અહીં વનસ્પતિ જોવામાં આવતી નથી.

(૧) વહેલ માછલી, (૨) શાર્ક માછલી, (૩) જેલીફિશ, (૪) ડૉલ્ફિન, (૫) ઓક્ટોપસ

સાગરના છીછરા પાણીના ક્ષેત્રમાં પ્રકાશ, પ્રાણવાયુ અને અંગારવાયુ વિશાળ માત્રામાં મળી રહેતા હોવાથી અહીં વનસ્પતિની વૃદ્ધિ મોટા પાયે થાય છે. વનસ્પતિને કારણે પ્રાણીઓને ખોરાક મળી રહે છે. ખડકાળ તટમાં ખડકોની વચ્ચેની જગ્યામાં વાદળી, સમુદ્રફૂલ, સ્નેલ, કોપેપૉડ વગેરે જોવા મળે છે. ખડકો પર લીલ, સેવાળ મોટી માત્રામાં મળી આવે છે. વળી કરચલા, જેલીફિશ, બહુલોમી કીડા, પોલિપ, રેતીકીડા, કોડી, અષ્ટપાદ, સમુદ્રતારા, સમુદકાકડી, સાઇકોન, બેલેનસ, લેપસ વગેરે અનેક પ્રાણીઓ મળી આવે છે. ગુજરાતમાં ઓખાના ખડકાળ તટ પરથી તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અનેક પ્રકારની લીલ જોવા મળે છે. અહીં કૃમિઓ, કરચલા, મૃદુકાય તથા કેટલાંક શૂળત્વચી પ્રાણીઓ મળી આવે છે. કાદવીય તટ પર ઝૉસ્ટેરા અને અલ્વા વનસ્પતિ મુખ્યત્વે હોય છે, જે પ્રાણીઓને સુરક્ષાકવચ પૂરું પાડે છે. અહીંનાં મુખ્ય પ્રાણીઓમાં સૂત્રકૃમિ, પ્રજીવો, કેટલીક વાદળીઓ, સેરિયસ જેવા કોષ્ઠાંત્રીઓ, કેટલાક કૃમિઓ, હર્મિટ કરચલા, લૉબસ્ટર જેવા સંધિપાદો તથા મૃદુકાય અને શૂળત્વચી પ્રાણીઓ સામાન્ય રીતે જોવા મળે છે. કાદવીય તટમાં રહેતાં પ્રાણીઓ કાદવ જેવા રંગનાં, મુલાયમ અને પાતળા શરીરવાળાં હોય છે. ઊંડા સમુદ્રના આવાસમાં અનેક પ્રતિકૂળતાઓ હોવા છતાં પણ અહીં દરેક સમુદાયનાં પ્રાણીઓ વસેલાં જોવા મળે છે. અહીં અનેક પ્રકારની માછલીઓ – વહેલ, ડૉલ્ફિન, સીલ વગેરે જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાગરસૃષ્ટિ, પૃ. 98)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ઝારખંડ

ભારતના છોટાનાગપુર ઉચ્ચપ્રદેશમાં આવેલું રાજ્ય.

ભૌગોલિક સ્થાન : તે ૨૩ ૩૫´ ઉ. અ. અને ૮૫ ૩૩´ પૂ. રે.ની આજુબાજુ આવેલું છે. આ રાજ્યની ઉત્તરે બિહાર, ઈશાને ગંગાનદી, પૂર્વે પં. બંગાળ, દક્ષિણે ઓડિશા, પશ્ચિમે છત્તીસગઢ અને વાયવ્યે ઉત્તરપ્રદેશ રાજ્યની સીમા આવેલી છે. જેની લંબાઈ ૩૮૦ કિમી. અને પહોળાઈ ૪૬૩ કિમી. છે. વિસ્તાર ૭૯,૭૧૬ ચો.કિમી. છે. આ જિલ્લાની કુલ વસ્તી આશરે (૨૦૨૪ મુજબ) ૪,૧૦,૭૦,૦૦૦ છે. સૌથી વધુ ઊંચાઈ ધરાવતું શિખર પારસનાથ (૧૩૮૨ મી.) છે. આબોહવા – વનસ્પતિ – પ્રાણીસંપત્તિ : આ રાજ્યની આબોહવા વૈવિધ્યસભર છે. ઉત્તરના ભાગમાં ભેજવાળી ઉપ-ઉષ્ણકટિબંધીય, અગ્નિ ભાગમાં સૂકી અનુભવાય છે. ઉનાળાની ઋતુનો સમયગાળો મધ્ય એપ્રિલથી મધ્ય જૂન ગણાય છે. મે માસ દરમિયાન તાપમાન ખૂબ ઊંચું રહે છે. જૈવવિવિધતાની દૃષ્ટિએ આ રાજ્ય સમૃદ્ધ છે. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જોવા મળે છે. આ જંગલોમાં સાલ, સીસમ, ખેર, પલાસ, ટીમરું, કુસુમ, બાવળ વગેરે વૃક્ષો જોવા મળે છે. અહીંનાં વૃક્ષોની ઊંચાઈ ૩૦થી ૪૫ મીટર સુધી હોય છે. અહીં ગીચ જંગલોનો વિસ્તાર આશરે ૧૨,૫૦૭ ચો.કિમી. અને પાંખાં જંગલો હેઠળનો વિસ્તાર આશરે ૧૦,૪૭૦ ચો.કિમી. છે. ખેતી પણ આ રાજ્યના અર્થતંત્રમાં આગવો ફાળો આપે છે. અહીં અનેક પ્રકારના ખેતીકીય પાકો મેળવાય છે. જેમાં ડાંગર, ઘઉં, મકાઈ, કઠોળ, રાગી જેવા ધાન્ય પાકો તેમજ શેરડી, કપાસ, તમાકુ જેવા રોકડિયા પાકોની ખેતી પણ લેવાય છે. ફળોમાં પપૈયાં, કેળાં, સ્ટ્રોબેરી, કેરી વગેરેની ખેતી લેવાય છે. અહીંનાં જંગલોમાં ૯૭ જેટલી પ્રજાતિનાં વૃક્ષો અને છોડવા આવેલાં છે જ્યારે કાંટાળી અને ઔષધિવાળી વનસ્પતિની ૪૬ પ્રજાતિ શોધાઈ છે. ૨૫ પ્રકારના વેલા અને ૧૭ પ્રકારના ઘાસ-વાંસ છે. જ્યારે ૩૯ પ્રકારનાં સસ્તન પ્રાણીઓ, ૮ પ્રકારના સાપ, ૪ પ્રકારની ઘો, ૨૧ પ્રકારનાં પતંગિયાં, કીડા, મંકોડા અને ૧૭૦ પ્રકારનાં પક્ષીઓ વસે છે. જેમાં ‘પાલામઉ વાઘ અભયારણ્ય’ અને ‘દાલમા વન્યજીવ અભયારણ્ય’ મુખ્ય છે. રાંચી પાસે ‘મુટા મગર સંવર્ધન કેન્દ્ર’ની સ્થાપના કરવામાં આવી છે.

ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ(TISCO)નું કારખાનું

અર્થતંત્ર : આ રાજ્યે ખનિજોની વિવિધતા અને જથ્થાની દૃષ્ટિએ ભારતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. લોહઅયસ્ક અને કોલસાના વિપુલ અનામત જથ્થાને કારણે જમશેદપુર, ધનબાદ, બોકારો અને રાંચીમાં મહત્ત્વના ઔદ્યોગિક એકમો ઊભા થયા છે. જમશેદપુરમાં ખાનગી ક્ષેત્રનું જાણીતું ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ(TISCO)નું કારખાનું કાર્યરત છે. પરિવહન – પ્રવાસન : આ રાજ્યમાં રાષ્ટ્રીય ધોરી માર્ગો, રાજ્યના ધોરી માર્ગોનું ગીચ જાળું પથરાયેલું છે. રેલમાર્ગોની પણ સુવિધા આ રાજ્ય ધરાવે છે. આ રાજ્યનું સૌથી મોટું આંતરદેશીય હવાઈ મથક ‘બીરસા મુન્ડા’ છે. જે દિલ્હી, કૉલકાતા, બૅંગાલુરુ, મુંબઈ, હૈદરાબાદ વગેરે શહેરો સાથે સંકળાયેલું છે. ઝારખંડ જળધોધ, ડુંગરો અને પવિત્ર ધાર્મિક સ્થાનો માટે જાણીતું છે. ઈટખોરી જે હિન્દુઓનું, બૌદ્ધોનું અને જૈનોનું પવિત્ર સ્થળ મનાય છે. અહીં અનેક નાનામોટા જળધોધ આવેલા છે. જેમાં જ્હોના ધોધ, હુન્ડરુ ધોધ, દસ્સામ ધોધ, પેરવાગહાગહા (perwaghagh) ધોધ વધુ મહત્ત્વના લેખાય છે. જેમાં બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન, ડાલ્ફા વન્યજીવ અભયારણ્ય જોવા પ્રવાસીઓ વધુ આકર્ષાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ઝારખંડ, પૃ. 134)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી