Categories
વાચન સમૃદ્ધિ

જેટ પ્રપલ્શન લૅબોરેટરી(JPL),

યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના કૅલિફૉર્નિયાના પાસાડેની નજીક આવેલી પ્રયોગશાળા. તેની સ્થાપના સાથે સંકળાયેલી વ્યક્તિઓમાં થિયૉડૉર વૉન કાહરમાહનનું નામ મોખરે છે. મૂળ હંગેરીના પણ ૧૯૩૬માં અમેરિકાના નાગરિક બનેલા આ ભૌતિકશાસ્ત્રી ૧૯૩૦થી ૧૯૪૯ સુધી કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીની ગુગેનહાઇમ ઍરોનૉટિકલ લૅબોરેટરીના નિયામક હતા. તેમણે અને તેમના સહકાર્યકર્તાઓએ રૉકેટવિદ્યા અને અંતરિક્ષ-વિજ્ઞાનમાં ઉપયોગી થઈ પડે એવી પ્રયોગશાળાની સ્થાપના કરવાનું વિચાર્યું અને અમેરિકાની તત્કાલીન સરકારે તેને માટે સહાય પણ આપી. ૧૯૩૦ના અરસામાં આ સંસ્થાએ અમેરિકાના રૉકેટ-નિષ્ણાત રૉબર્ટ ગૉડાર્ડ(૧૮૮૨–૧૯૪૫)ને રૉકેટ અંગેના એમના પ્રારંભિક પ્રયોગો માટે મદદ કરી હતી; પરંતુ તેની વિધિસર સ્થાપના ૧૯૩૬માં થઈ. ૧૯૪૪થી તે ‘જેટ પ્રપલ્શન લૅબોરેટરી’ તરીકે ઓળખાય છે.

જેટ પ્રપલ્શન લૅબોરેટરી

દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આ જેપીએલ મોટા સંશોધન-મથકમાં ફેરવાઈ અને મુખ્યત્વે તેનો ઉપયોગ પ્રક્ષેપાસ્ત્રો બનાવવામાં થતો હતો. રશિયાના સ્પુટનિક પછી દુનિયાનો બીજો અને અમેરિકાનો પ્રથમ માનવસર્જિત ઉપગ્રહ ‘એક્સપ્લૉરર ૧’ આ જ પ્રયોગશાળામાં તૈયાર થયો હતો. આ ઉપગ્રહ ૩૧ જાન્યુઆરી, ૧૯૫૮ના રોજ પૃથ્વીની આસપાસ તરતો મૂકવામાં આવ્યો હતો. પાછળથી એ જ વર્ષના અંતે એટલે કે ૧ ઑક્ટોબર, ૧૯૫૮ના રોજ અમેરિકાના ‘નાસા’(નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન)ની સ્થાપના થતાં આ સંસ્થાને એમાં ભેળવી દેવામાં આવી, પણ તેનું સંચાલન ‘નાસા’ વતી કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(Caltech)ને સોંપવામાં આવ્યું.

આ સંસ્થા ‘નાસા’ના ‘ડીપ-સ્પેસ નેટવર્ક’(DSN)નું મહત્ત્વનું મથક છે. સૌરમાળાના ગ્રહો, ઉપગ્રહો કે પછી ચંદ્ર, હેલીનો ધૂમકેતુ જેવા સૂર્ય-પરિવારના પિંડો તરફ જનારાં અન્વેષી-યાનો સાથે સંદેશાવિનિમય કે સંદેશાવ્યવહાર જાળવણીની કામગીરી અહીંથી થાય છે. આ માટે એક મુખ્ય રેડિયો-ઍન્ટેના કૅલિફૉર્નિયામાં ગોલ્ડસ્ટોન ખાતે આવેલું છે. તેનો વ્યાસ ૬૪ મીટર છે. એની સાથે બીજાં ૨ સહાયક રેડિયો-ઍન્ટેના પણ ગોઠવેલાં છે; તેમનો વ્યાસ ૨૬ મીટર છે. ‘ડીપ-સ્પેસ નેટવર્ક’ અંતરિક્ષ-યાનો સાથે સંદેશાવ્યવહાર સ્થાપવા ઉપરાંત, ઘણા રેડિયો-પ્રયોગોમાં પણ પ્રયોજાય છે, જેમાં ગ્રહની સપાટીનો રડાર વડે અભ્યાસ કરવાની કામગીરીનો પણ સમાવેશ થાય છે. અમેરિકાનાં માનવવિહોણાં આંતરગ્રહીય (interplanetary) અંતરિક્ષ-અન્વેષી યાનો બનાવવામાં, વિકસાવવામાં અને એમના સંચાલનમાં આ સંસ્થાનો ફાળો બહુ મોટો છે. ૧૯૫૮થી આ સંસ્થાએ રેન્જર સર્વેયર, મરિનર જેવાં વિવિધ અન્વેષી-યાનો બનાવ્યાં છે. તે ઉપરાંત વાઇકિંગ, વૉયેજર, ગૅલિલિયો અને મૅગેલન જેવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને લગતી સઘળી કે કેટલીક કામગીરી પણ અહીંથી જ કરવામાં આવી હતી. આ સંસ્થામાં ભૌતિકશાસ્ત્ર અને ઇલેક્ટ્રૉનિક ક્ષેત્રના સંશોધન ઉપરાંત, અંતરિક્ષ-યાન કે રૉકેટના પ્રણોદન(propulsion)ને લગતું સંશોધન પણ થાય છે. વધુમાં આ સંસ્થા કૅલિફૉર્નિયાના ટેબલ માઉન્ટન ખાતેની એક ખગોળીય વેધશાળાનું પણ સંચાલન કરે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

સુશ્રુત પટેલ

Categories
વાચન સમૃદ્ધિ

સરગવો

ઔષધીય ગુણો ધરાવતી દ્વિદળી વર્ગમાંની એક વનસ્પતિ.

સરગવાનાં વૃક્ષો મયમ કદનાં હોય છે. તેની ઊંચાઈ ૪.૫થી ૧૦ મીટર સુધીની હોય છે. તેનું થડ ૩૦થી ૬૦ સેમી.નો વ્યાસ ધરાવે છે. સરગવાની છાલનો રંગ ભૂખરો હોય છે. પાન આમલી જેવાં પણ ઘણાં મોટાં હોય છે. લાકડું ખૂબ જ પોચું હોવાથી ઇમારતી કામમાં આવતું નથી. સરગવો સફેદ, કાળા અને લાલ રંગનાં ફૂલોવાળો —એમ ત્રણ જાતનો થાય છે. તેનાં ફૂલોમાંથી મધના જેવી સુગંધ આવે છે. સરગવાની શિંગોની લંબાઈ ૨૨.૫થી ૫૦ સેમી. સુધીની હોય છે. તેનો રંગ લીલો અને ત્રિકોણાકાર હોય છે. શિંગોની ઉપરની છાલ કઠણ હોય છે અને તેમની અંદર સફેદ રંગનો ગર્ભ હોય છે. તેમાં ત્રિકોણાકાર પાંખોવાળાં બીજ હોય છે. સરગવાને મહા-ફાગણ માસમાં ફૂલો અને ચૈત્ર-વૈશાખમાં શિંગો આવે છે. સરગવાનાં વૃક્ષો ભારતભરમાં સર્વત્ર થાય છે. તેનાં વૃક્ષો બાગ-બગીચા, ખેતરો અને વાડીઓમાં તેમ જ ઠેર ઠેર જોવા મળે છે. સફેદ ફૂલોનો સરગવો લગભગ સર્વત્ર થાય છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના જૂનાગઢના વિસ્તારના સમુદ્ર-કિનારાના પ્રદેશમાં સરગવો સારો થાય છે. તે કઠણ માટી (clay) સિવાયની બધા પ્રકારની જમીનમાં થાય છે. તેને દક્ષિણ ભારતની ઉષ્ણકટિબંધીય દ્વીપીય (insular) આબોહવા સૌથી અનુકૂળ છે. આ વૃક્ષનું પ્રસર્જન બીજ અને કલમો દ્વારા થાય છે. સરગવાની વધુ જાણીતી જાતોમાં જાફના, ચવકચેરી, ચેમુંરુંગાઈ, કટુમુરુંગાઈ, કોડીકાલ મુરુંગાઈ, યઝપાનામ સરગવો તથા પીકેએમ. ૧નો સમાવેશ થાય છે.

સરગવાના વૃક્ષના બધા જ ભાગ ઉપયોગમાં લેવામાં આવે છે. શાક અને સૂપ બનાવવા માટે શિંગો ઉપયોગમાં આવે છે. તેના ઝાડનો ગુંદર શરૂઆતમાં સફેદ રંગનો પણ પછી તે ઘટ્ટ લાલ રંગનો કાળાશ પડતો થાય છે. આ ગુંદર કાપડ છાપવાના રંગમાં વપરાય છે; તે ખાવામાં વપરાતો નથી. સરગવાનાં બીજમાંથી કાગળ ચોંટાડવાનો ગુંદર બને છે. તે ખૂબ સ્વચ્છ અને સફેદ હોય છે. નાના વૃક્ષનાં મૂળ અને તેની છાલથી ચામડી લાલ થઈ જાય છે અને ફોડલા પડે છે. પર્ણો વિટામિન ‘A’ અને ‘C’ ધરાવે છે. તેનો મલમ ઘા ઉપર લગાડવામાં આવે છે. તેનાં પુષ્પો શક્તિદાયક, મૂત્રલ (diuretic) અને પિત્તરેચક તરીકે વપરાય છે. તેનાં બીજનું તેલ સંધિવા અને ગાંઠિયા વા પર લગાડવામાં આવે છે. સરગવાનાં સૂકાં બીજોમાંથી ૩૫થી ૪૦ ટકા તેલ મળે છે, જે સ્વચ્છ અને પાતળું હોય છે. તેનો સુગંધી તેલો બનાવવામાં ખૂબ જ ઉપયોગ થાય છે. સરગવો ભૂખ લગાડે છે અને પચવામાં હલકો હોય છે. તે સ્કર્વી અને શરદીના રોગોમાં ઉપયોગી છે. તેનાં બીજ કડવાં હોય છે અને તાવ મટાડે છે. તે ઝાડાને રોકે છે. તે વીર્યવર્ધક અને હૃદય માટે લાભદાયી છે, પણ લોહી બગાડે છે. તે આંખ માટે હિતકારી અને કફ, વાયુ, જખમ, કૃમિ, ચળ, સોજો, મોંની જડતા, ચરબી, બરોળ, કોઢ અને ક્ષયના રોગોમાં ફાયદાકારક છે. આમ સરગવાના બધા જ ભાગો ઔષધીય ગણાય છે અને અનેક રોગો મટાડવામાં તેનો ઉપયોગ કરાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જૂનાગઢ

ગુજરાતમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સાતમો ક્રમ ધરાવતો અને એશિયામાં સિંહોની વસ્તી ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો. ૨૦° ૪૪´ અને ૨૧° ૪´ ઉ.અ. તથા ૬૯° ૪૦´ અને ૭૧° ૦૫´ પૂ.રે. વચ્ચે આવેલો છે. વિસ્તાર : ૮૮૪૬ ચોકિમી. તેની પૂર્વ બાજુએ અમરેલી જિલ્લો, ઉત્તરે રાજકોટ અને વાયવ્યમાં પોરબંદર જિલ્લો અને પશ્ચિમે તથા દક્ષિણે અરબી સમુદ્ર આવેલા છે.

પ્રાકૃતિક રચનાની દૃષ્ટિએ જિલ્લાના બે વિભાગો છે : ડુંગરાળ વનવિસ્તાર અને સપાટ મેદાન. પ્રથમ ભાગમાં ગિરનાર, ગીર અને બરડાનો ડુંગરાળ પ્રદેશ છે. બીજો ભાગ દરિયાકાંઠાનાં મેદાનો છે. આ મેદાનો પૈકી માંગરોળથી ઊના સુધીનો ભાગ વનરાજિને લીધે ‘લીલી નાઘેર’ તરીકે ઓળખાય છે.

સિંહોનું અભયારણ્ય, ગીર

આ જિલ્લામાં ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર આવેલો છે. તેની સૌથી વધુ ઊંચાઈ ગોરખનાથના શિખરની ૧૧૧૭.૪૦ મી. છે. તેનાં અંબામાતા, ઓઘડ, ગુરુદત્ત, કાળકા વગેરે શિખરો ૧૦૦૦ મી.થી વધુ ઊંચાં છે. ગીરના ડુંગરાળ પ્રદેશની નાંદીવેલા અને તુલસીશ્યામની ડુંગરમાળાઓ જાણીતી છે. ગીરનું સૌથી ઊંચું શિખર સાકરલા ૬૪૧.૬૦ મી. છે. ગીરની લંબાઈ ૪૮.૨૮ કિમી. છે. જૂનાગઢ જિલ્લામાં મે અને જૂન માસમાં સૌથી વધુ તાપમાન રહે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં અરબી સમુદ્રની અસરને લીધે સરેરાશ દૈનિક ગુરુતમ તાપમાન ૩૦.૩° સે. રહે છે, જ્યારે તેનું સરેરાશ દૈનિક લઘુતમ તાપમાન ૨૭.૫° સે. રહે છે. જિલ્લામાં સરેરાશ ૬૨૯.૧ મિમી. વરસાદ પડે છે. જિલ્લામાં થતાં જંગલી પ્રાણીઓ પૈકી વાંદરાં, દીપડા, સિંહ, શિયાળ, વરુ, લોંકડી, રોઝ (નીલગાય), જંગલી ભુંડ, છીંકારાં, હરણ વગેરે છે. છેલ્લી(૨૦૨૦)ની ગણતરી મુજબ ગીરમાં સિંહની વસ્તી ૬૭૪ છે. સિંહોનું અભયારણ્ય આ જિલ્લામાં ગીરમાં આવેલું છે. જિલ્લાની ગીર ઓલાદની ગાય અને બળદ પ્રસિદ્ધ છે. જૂનાગઢમાં ઘોડાનું ઉછેરકેન્દ્ર છે. જૂનાગઢ જિલ્લાની કુલ વસ્તી ૩૦,૯૦,૦૦૦ (૨૦૨૪) છે. શહેરી વસ્તીનું પ્રમાણ ૩૩% છે. જિલ્લાના ૭૦% લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. ખેતી સાથે પશુપાલનનો ગૌણ ઉદ્યોગ છે. પુરાતત્ત્વની તથા તીર્થધામોની દૃષ્ટિએ જૂનાગઢ, ગિરનાર, સતાધાર, સોમનાથ, પ્રભાસ, તુલસીશ્યામ વગેરે જોવાલાયક છે. ગિરનાર અને જૂનાગઢ ખાતે અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખો એક જ પથ્થર ઉપર બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા જોવા મળે છે. ઉપરકોટ ખાતે બાવા પ્યારા તથા ખાપરાકોડિયાની ગુફાઓ, બોરિયા સ્તૂપ, વિલિંગ્ડન બંધ, જૈન મંદિરો, હવેલી, નરસિંહ મહેતાનો ચોરો, ભવનાથ, દામોદર કુંડ, અડીકડી વાવ, જૂનો રાજમહેલ વગેરે પ્રાચીન સ્થળો છે. મહાશિવરાત્રિના પવિત્ર પર્વમાં ગિરનાર ઉપર ભવનાથનો મેળો ભરાય છે. સોમનાથ, સૂત્રાપાડા વગેરે સ્થળોએ પ્રાચીન સ્થાપત્યો જોવા મળે છે. નવાબનો મહેલ તથા સંગ્રહસ્થાન, મુસ્લિમકાલીન મસ્જિદ, મકબરા વગેરે પ્રેક્ષણીય છે. ગીરમાં સાસણ ખાતેના અભયારણ્યમાં સિંહદર્શનની સગવડ છે. અહમદપુર માંડવી અને ચોરવાડ પ્રવાસધામો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જૂનાગઢ, પૃ. ૮૮૧)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શંભુપ્રસાદ દેસાઈ, શિવપ્રસાદ રાજગોર