Categories
વાચન સમૃદ્ધિ

અગિયારી

પારસી લોકોનું પવિત્ર ધર્મસ્થાન. અગિયારીમાંના તેમના પવિત્ર અગ્નિ(આતશ)ના પ્રકારો મુજબ ત્રણ દરજ્જા છે : ‘આતશે દાદગાહ’, ‘આતશે આદરાન’ અને ‘આતશે બહેરામ’. આતશની સેવા માટે નિયુક્ત થયેલા દસ્તૂર (ધર્મગુરુ) સિવાય કોઈ ગર્ભગૃહમાં જઈ શકતું નથી. અગિયારીની અંદર દર્શન કરવા માટે અન્ય ધર્મીઓને છૂટ હોતી નથી. સોની, લુહાર અને કુંભારની ભઠ્ઠીઓનો અગ્નિ એકત્ર કરીને તેના ઉપર જરથુષ્ટ્ર સંપ્રદાય મુજબનો વિધિ કરીને એક પ્યાલાના આકારના મૂલ્યવાન ધાતુપાત્રમાં આ સિદ્ધાગ્નિની સ્થાપના કરવામાં આવે છે. ખાસ કરીને ‘આતશે બહેરામ’ની અંદર વિદ્યુતાગ્નિ રહેલો છે; તેથી તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. અગિયારીની અંદરનો અગ્નિ સદા જલતો રહે છે. જો તે બુઝાઈ જાય તો તેને અનિષ્ટ સૂચક માનવામાં આવે છે.

પારસી અગિયારી સંજાણ

અગિયારીની ઇમારત મોટે ભાગે વિશાળ ચોગાનમાં, માળ વિનાની, બેઠી બાંધણીની હોય છે. એમાં પ્રવેશતાં વરંડો હોય છે, જ્યાં અગિયારીને લગતો શિલાલેખ ચોડેલો હોય છે. અંદરની રચનામાં એક બાજુ કેબલો (મુખ્ય અગ્નિખંડ) હોય છે, જેમાં ઊંચા તખ્ત પર મુખ્યત્વે આરસના આફ્રિન્ગાન્યા ઉપર પવિત્ર અગ્નિ પાંચે પ્રહર સત્કાર પામતો હોય છે. કેબલોની બાજુનો ખંડ મુક્તાદ એટલે કે શ્રાદ્ધ માટે ઉપયોગમાં લેવાય છે. ત્યાં ફરોહરની આરાધના કરવામાં આવે છે. કેબલોની સામે વિશાળ પ્રાર્થનાખંડ હોય છે, જ્યાં હોમહવન કરવામાં આવે છે. કોઈ શોભા કે સજાવટથી ચિત્તભ્રમ ન થાય તે માટે અગિયારીમાં સાદાઈ રખાય છે. અગિયારીના ચોગાનમાં કસીગાહ (જનોઈ) માટેની જગ્યા, કાઠીભંડાર, દસ્તૂર, પંથકી કે મોબેદને રહેવાનું મકાન અને ક્યારેક પારસી પંચાયતનું મકાન પણ રખાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અગિયારી, પૃ. 10)

Categories
વાચન સમૃદ્ધિ

તેહરાન

ઈરાનનું પાટનગર અને દેશના મધ્ય પ્રાંતનું વહીવટી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 35° 40´ ઉ. અ. અને 51° 26´ પૂ. રે.. અલ્બુર્ઝ પર્વતમાળાના દક્ષિણ ઢોળાવ પર તે આવેલું છે, જે તેને કાસ્પિયન સમુદ્રથી જુદું પાડે છે. તે સમુદ્રસપાટીથી આશરે 1200 મી. ઊંચાઈ પર જારુદ અને કરાજ નદીની વચ્ચે આવેલું છે. તેની દક્ષિણે ઈરાનનું મધ્યવર્તી મેદાન વિસ્તરેલું છે. તેનું નામ જૂના ફારસી શબ્દ ‘તેહ’ એટલે કે ‘ગરમ જગ્યા’ (સ્થળ) પરથી પડેલું છે. આ પ્રદેશની અસહ્ય ગરમીથી બચવા ઘણા લોકો ઉનાળામાં હવા ખાવાના સ્થળ શેમીરાન (ઉત્તરે આશરે 17 કિમી. દૂર) જતા હોય છે. તહેરાનથી ઈશાનમાં આશરે 70 કિમી.ના અંતરે બરફથી આચ્છાદિત માઉન્ટ ‘દામવંદ’ આવેલ છે, જે મૃત જ્વાળામુખી છે. આ નગર 262 ચોકિમી.ના વિસ્તારમાં પથરાયેલું છે. નગરની વસ્તી આશરે 86.9 લાખ (2016) છે. ઈરાનના પદભ્રષ્ટ શાહ મહંમદ રઝા પહેલવી(1919–80)નું રહેઠાણ આ નગરમાં હતું.

તેહરાન શહેર

તેહરાનના ઉનાળા સખત ગરમ અને શિયાળા અતિ ઠંડા હોય છે. ઉનાળાનું સરાસરી તાપમાન જુલાઈમાં 29° સે. અને જાન્યુઆરીનું તાપમાન 4° સે. હોય છે. આખા વર્ષનો સરાસરી વરસાદ 200 મિમી. જેટલો પડે છે. વરસાદ સામાન્ય રીતે નવેમ્બરથી મેના અંત સુધી પડે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં હિમવર્ષા પણ થાય છે. આ નગર દેશનું મહત્ત્વનું વ્યાપારી કેન્દ્ર ગણાય છે. ત્યાંના નજીકના વિસ્તારમાં ખાંડ તથા સિમેન્ટનાં કારખાનાં છે. ઉપરાંત આ નગર તેના કાપડઉદ્યોગ માટે જાણીતું છે. ત્યાં ઘણી સ્પિનિંગ તથા જિનિંગ મિલો આવેલી છે. ત્યાંથી મોટા પાયા પર ગરમ ધાબળાની નિકાસ થાય છે. આ નગર સડક, રેલવે અને હવાઈ માર્ગથી સમગ્ર દેશ સાથે જોડાયેલું છે. દેશના રેલમાર્ગો ઉત્તર, વાયવ્ય, દક્ષિણ અને પૂર્વ દિશા તરફ ફેલાયેલા છે. સાથોસાથ આ નગર તુર્કસ્તાન મારફત ટ્રાન્સયુરોપીય રેલવે સાથે પણ જોડાયેલું છે. હવાઈ માર્ગ દ્વારા તેહરાન યુરોપ-એશિયા અને ઈરાનના અખાતી દેશો જોડે જોડાયેલું છે. નગરની મુખ્ય વસ્તી મુસ્લિમ છે. એ ઉપરાંત લઘુમતીમાં અમેરિકન, આસિરિયન અને બહુ થોડા યહૂદી લોકો પણ ત્યાં વસે છે. પર્શિયન એ ત્યાંની મુખ્ય ભાષા છે. શહેરમાં સિપેહસાલાર મસ્જિદ, બહારસ્તાન પૅલેસ, શાહ-અલ-અમારેહ પૅલેસ, આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ વગેરે જોવાલાયક સ્થળો આવેલાં છે. આજનું તેહરાન એ જૂના ઈરાનના પાટનગર રે’નું વારસદાર શહેર છે. ઈ. સ. 1200માં મોંગોલ લોકોએ તેનો વિધ્વંસ કરેલો. આજે પણ તેહરાનથી આશરે 6 કિમી. દક્ષિણે જૂના પાટનગર રે’ના અવશેષો જોવા મળે છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9

Categories
વાચન સમૃદ્ધિ

તેલંગાણા

ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18° 11´ ઉ. અ. અને 79° 1´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને પશ્ચિમે કર્ણાટક રાજ્યોની હદ મળે છે. તેલંગાણા શબ્દ ‘Trilingadesh’ (land of three lings)  એટલે કે જ્યાં મહત્ત્વનાં શિવમંદિરો આવેલાં છે તે પ્રદેશ. (ક્લેશવર્મ–Kalesh Waram, શ્રી શૈલમ્–SriShailam, અને ડરકશર્મા–Draksharma). એમ પણ મનાય છે કે તેલંગણા જે તેલંગઢ (Telangadh) ઉપરથી બન્યો હશે અથવા તેલુગુ ભાષા શબ્દ ઉપરથી તેલંગાણા શબ્દ આવ્યો હશે. બીજી જૂન, 2014ના રોજ આંધ્રપ્રદેશ રાજ્યમાંથી એક નવા રાજ્ય તરીકે તેલંગાણાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રામોજી ફિલ્મ સિટી

આ રાજ્યની મુખ્ય બે નદીઓ ગોદાવરી અને ક્રિશ્ના છે. આ સિવાય ભીમા, મનેર, મંજીરા, મુસ્ત, તુંગભદ્રા વગેરે નાની નદીઓ આવેલી છે. સામાન્ય રીતે આ જંગલોમાં સાગ, સાલ, રોઝવૂડ, ખેર, ટીમરું વગેરે વૃક્ષો જોવા મળે છે. આ રાજ્યમાં ખેતીનો આધાર ગોદાવરી, ક્રિશ્ના અને નાની નદીઓના જળસ્રોત તેમજ વરસાદ પર રહેલો છે. આ રાજ્યમાં ડાંગરની ખેતી મુખ્ય છે. આ સિવાય મકાઈ, તમાકુ, કપાસ, શેરડી જેવા પાકો તેમજ કેરી, દ્રાક્ષ જેવાં ફળો તેમજ કાકડી અને શાકભાજીની ખેતી મુખ્ય છે. આમ આ રાજ્યની આવકનો આધાર ખેતી છે. આ રાજ્યના પાટનગર હૈદરાબાદની આજુબાજુના વિસ્તારોમાં ઑટોમોબાઇલ અને પુરજા બનાવવાના, ખાણ અને ખનિજોને લગતા, કાપડ, દવા બનાવવાના, ખાદ્યપ્રકરણ ખાદ્યતેલ બનાવવાના અને સેવાના એકમો આવેલા છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગ દ્વિતીય ક્રમે આવે છે. ‘રામોજી ફિલ્મ સિટી’ જે વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો છે. ગિનિસ વર્લ્ડ રેકૉર્ડમાં તે નોંધાયેલ છે. રાજ્યની કુલ વસ્તી (2022, આશરે) મુજબ આશરે 4 કરોડ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, તેલંગાણા, પૃ. 2 અથવા જુઓ https://gujarativishwakosh.org/તેલંગાણા/)