Categories
વાચન સમૃદ્ધિ

દેવગઢબારિયા

દાહોદ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને આઝાદી પૂર્વેનું દેશી રાજ્ય. ખીચી ચૌહાણ વંશના ડુંગરસિંગે એક ટેકરી ઉપર કુળદેવતાની સ્થાપના કરી હતી અને તે ટેકરી નજીક નગર વસાવ્યું હતું, જે દેવગઢ તરીકે ઓળખાતું હતું. અહીં બારૈયાની વસ્તી વધારે હોવાથી આ નગર દેવગઢબારિયા તરીકે જાણીતું થયું. તે 22° 42´ ઉ. અ. અને 73° 55´ પૂ. રે. ઉપર આવેલું છે. તાલુકાનું કુલ ક્ષેત્રફળ 1,144 ચોકિમી. છે. તેમાં એક શહેર અને 186 ગામો આવેલાં છે. આ તાલુકાની ઉત્તરે લીમખેડા અને પૂર્વે ધાનપુર તાલુકા આવેલા છે જ્યારે દક્ષિણે વડોદરા અને પશ્ચિમે પંચમહાલ જિલ્લા આવેલા છે. દેવગઢબારિયા તાલુકા અને શહેરની વસ્તી અનુક્રમે 3,05,000 અને 31,500 (2026,  આશરે) જેટલી હતી. તાલુકામાં ઘણોખરો ભાગ ડુંગરાળ છે. જોકે પશ્ચિમનો ભાગ લગભગ સપાટ છે. પૂર્વ તરફનો ઉચ્ચપ્રદેશ 234.89થી 395.76 મી. ઊંચો છે. આ તાલુકાની સૌથી મોટી નદી પાનમ છે, જે 118 કિમી. લાંબી છે. આ નદી ઉપર જંબુસર સહિત આઠેક ગામો છે. પાનમ ઉપર બંધ બાંધીને સિંચાઈ માટે તેનો ઉપયોગ થાય છે.

આ તાલુકો સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ છે, પરંતુ તેના વિસ્તારમાં જંગલો અને ડુંગરો હોવાને કારણે તાપમાન સામાન્ય રીતે બેથી ત્રણ સે. ઓછું રહે છે. ડુંગરો અને જંગલોને કારણે વરસાદ – વાર્ષિક સરેરાશ 1,027 મિમી. પડે છે.

આ પ્રદેશમાં ખરાઉ પાનવાળાં જંગલો છે. સાગ, સાદડ, ખેર, ટીમરુ, સીસમ, મહુડો, ધાવડો, ખાખરો, બોરડી, કરંજ, જાંબુ, કેગાર, કલમ, ગૂગળી વગેરે વૃક્ષો છે. આ જંગલો દ્વારા ઇમારતી અને બળતણનું લાકડું, મધ, ગુંદર વગેરે મળે છે. દીપડો, જરખ, નીલગાય, શિયાળ, સસલું, હરણ વગેરે વન્ય પશુઓ છે. તાલુકામાં દૂધ સહકારી મંડળીઓ છે. તાલુકામાં મકાઈ, ડાંગર, ઘઉં, જુવાર અને બાજરી તથા તુવેર, ચણા અને અડદ વવાય છે. કપાસ, મગફળી, તલ, તમાકુ, શેરડી, એરંડા રોકડિયા પાકો છે.

(વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દેવગઢબારિયા/)

Categories
વાચન સમૃદ્ધિ

ઇરાક

મધ્યપૂર્વનો લોકશાહી ધરાવતો આરબ દેશ. ભૌગોલિક સ્થાન : તે ૨૯° ૨૦´થી ૩૭° ૩૩´ ઉ. અ. અને ૩૮° ૫૩´થી ૪૮° ૧૬´ પૂ. રે. વચ્ચેનો ૪.૩૮ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. ઇરાકની વસ્તી ૪.૭૨ કરોડ (૨૦૨૬, આશરે) જેટલી છે. પ્રાચીન સમયમાં યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદી વચ્ચેના ‘મેસોપોટેમિયા’ (‘માસે’ એટલે વચ્ચે અને ‘પોટામિયા’ એટલે નદીઓ) નામે ઓળખાતા આ પ્રદેશમાં ઉચ્ચ કોટિની વિશ્વસંસ્કૃતિ વિકસી હતી. વિશ્વની ચાર મહાન સંસ્કૃતિઓમાં તેની ગણના છે. તે એક સમયે ચંદ્રલેખાના ફળદ્રૂપ પ્રદેશ તરીકે પણ ઓળખાતો હતો. તે ઈરાનના અખાતની વાયવ્યમાં આવેલો છે. ઉત્તરે તુર્કી, ઈશાન અને પૂર્વમાં ઈરાન, અગ્નિકોણમાં ઈરાનનો અખાત, દક્ષિણમાં કુવૈત અને સાઉદી અરેબિયા, પશ્ચિમમાં સીરિયા અને જૉર્ડન આવેલાં છે. તેનું પાટનગર બગદાદ છે. અરબી ભાષામાં ‘ઇરાક’નો અર્થ ‘ઊંડા મૂળવાળો દેશ’ એવો થાય છે. મૂળે આ દેશ ખેતીપ્રધાન છે; પરંતુ હાલમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તે વિશ્વના ખનિજતેલના મહત્ત્વના ઉત્પાદક દેશ તરીકે જાણીતો છે.

ઇરાકને ભૂપૃષ્ઠની દૃષ્ટિએ ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (૧) કુર્દિસ્તાનનો ઈશાની પહાડી પ્રદેશ, (૨) મેસોપોટેમિયાનો નદીખીણનો પ્રદેશ અને (૩) નૈઋત્યનો રણપ્રદેશ. ઇરાકની મુખ્ય બે નદીઓ યુફ્રેટિસ અને ટાઇગ્રિસ છે. ઇરાક ખેતીપ્રધાન દેશ છે. ખેતીના પાકમાં મુખ્યત્વે જવ ઉગાડવામાં આવે છે. તે સિવાય અહીં ઘઉં, ડાંગર, બાજરી અને મકાઈની ખેતી પણ થાય છે. રોકડિયા પાકમાં કપાસ અને તમાકુની ખેતી થાય છે. પર્વતીય ક્ષેત્રોની તળેટીમાં દ્રાક્ષના બગીચા ઉપરાંત અંજીર, શેતૂર, સફરજન, મોસંબી, નારંગી જેવાં ફળફળાદિની બાગાયતી ખેતી થાય છે. ખજૂર ઇરાકનો સૌથી મહત્ત્વનો પાક છે. ખજૂરના ઉત્પાદનમાં ઇરાક વિશ્વમાં પ્રથમ નંબરે છે. ઇરાકનું મુખ્ય ઉત્પાદન ખનિજતેલ છે. પૂર્વમાં આવેલા કિરકુકમાં ઇરાકનાં વિશાળ તેલક્ષેત્રો છે. ઇરાકનો ઔદ્યોગિક વિકાસ તેને આભારી છે. બગદાદ અને તેની આજુબાજુના પ્રદેશોમાં તેલ-રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સ અને રાસાયણિક ખાતરના ઉદ્યોગો વિકસ્યા છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇરાક, પૃ. 161)

Categories
વાચન સમૃદ્ધિ

દેલવાડાનાં મંદિરો

સોલંકીકાળ દરમિયાન ગુજરાતના મંદિરસ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ મંદિરોનું નિર્માણ થયું તેમાં આબુ પર્વત પર દેલવાડાના સ્થળે આવેલાં આ મંદિરો શિરમોર છે. આબુ પર્વત ઉપર દેલવાડાના સ્થળે આવેલાં હોવાથી આબુ પરનાં મંદિરો કરતાં દેલવાડાના મંદિરો કે દેરાં તરીકે લોકોમાં વધુ જાણીતાં છે. સોલંકી રાજા ભીમદેવ 1લાના મંત્રી વિમલ શાહે વિ. સં. 1088(ઈ. સ. 1031-32)માં અહીં બંધાવેલું મંદિર ‘વિમલવસહી’ (વિમલવસતિકા) નામે ઓળખાય છે. મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, નવ ચોકી, રંગમંડપ, દેવકુલિકાઓ, બલાણક, હસ્તિશાલ અને તોરણ વગેરે સ્થાપત્યકીય અંગો આવેલાં છે. એમાં કુલ 117 મંડપો અને 121 સ્તંભો છે. ગર્ભગૃહ અને એની સાથે જોડાયેલ ગૂઢમંડપ (એનાં ઉત્તર-દક્ષિણનાં દ્વારો તથા તેમની સાથે જોડાયેલ ચોકીઓ સિવાય) મંત્રી વિમલના સમયના હોવાનું સ્પષ્ટ થાય છે. ગર્ભગૃહ અને ગૂઢમંડપ બહારથી તદ્દન સાદાં છે અને તેમની ઉપરના આચ્છાદન સાદા ફાસના ઘાટનાં છે. નવચોકી, રંગમંડપ અને દેવકુલિકાઓ સામેની પડાળીના સ્તંભો અને છતોમાં ખૂબ જ સુંદર કોતરણી કરેલી છે. ગર્ભગૃહની દ્વારશાખા પ્રાચીન નથી તેમજ મૂળનાયક-આદિનાથની પ્રતિમા પણ ઈ. સ. 1322ના જીર્ણોદ્ધારના સમયની છે. ગૂઢમંડપ આગળની ષટ્ચોકી(છ ચોકી)ની રચના વિમલના કુટુંબી ચહિલ્લે કરાવી હોય તેમ જણાય છે. આ છ ચોકીનું નવચોકીયા રૂપાંતર કુમારપાલના મંત્રી પૃથ્વીપાલે રંગમંડપના જીર્ણોદ્ધારના સમયે (ઈ. સ. 1150) કરાવ્યું હોય એમ જણાય છે. આ જ પૃથ્વીપાલે મંદિરની સામે એના પૂર્વજોની સ્મૃતિમાં હસ્તિશાલા રચાવી હોવાનું જાણવા મળે છે. મંદિરની ચોતરફ દેવકુલિકાઓ પણ પૃથ્વીપાલના સમય(ઈ. સ. 1144-1187)માં બંધાઈ હતી. હસ્તિશાલાને ચાર દ્વાર છે.

પૂર્વના દ્વારે બે મોટાં દ્વારપાલનાં શિલ્પો છે અને એને અડીને જ અલંકૃત તોરણ છે. હસ્તિશાલાની અંદર સામે જ અશ્વારુઢ વિમલમંત્રીની છત્રધારી મૂર્તિ છે. હસ્તિશાલાની વચ્ચે આદિનાથનું સમવસરણ છે. મંદિરના ગભારામાં મૂળ નાયક ઋષભદેવની સપરિકર-પંચતીર્થી પ્રતિમા છે. મંદિરમાં ઠેર ઠેર વિમલના વંશજોની મૂર્તિઓ અને અભિલેખો આવેલા છે. અહીંની શિલ્પ સમૃદ્ધિમાં સપરિકર તીર્થંકરની મૂર્તિઓ, ચોવીસીનો પટ્ટ, સમવસરણ, સાધુ-સાધવીઓ, શ્રાવક-શ્રાવિકાઓ, અંબિકા, સોળ વિદ્યાદેવીઓ, ભરત-બાહુબલિ યુદ્ધ, પંચકલ્યાણક, કાલીયમર્દન, નૃસિંહ, સરસ્વતી, લક્ષ્મી, 56 દિક્કુમારિકાઓ વગેરેનો સમાવેશ થાય છે.

(વધુ વિગત માટે જુઓ : https://gujarativishwakosh.org/દેલવાડાનાં મંદિરો/)