Categories
વાચન સમૃદ્ધિ

આઇસલૅન્ડ

સ્કૉટલૅન્ડથી વાયવ્યમાં ૮૦૦ કિમી. દૂર આટલાન્ટિક મહાસાગરમાં આવેલો દેશ.

ભૌગોલિક સ્થાન : તે ૬૫° ઉ. અ. અને ૧૮° પ. રે.ની આજુબાજુનો આશરે ૧ લાખ ચો.કિમી. જેટલો છે. આઇસલૅન્ડમાં વસવાટની શરૂઆત નવમી સદીના આરંભમાં થઈ હતી. આઇસલૅન્ડમાં ધરતીકંપ વારંવાર થાય છે; પરંતુ તે ગંભીર સ્વરૂપના હોતા નથી. તેના કુલ ૧૩૦ જ્વાળામુખીમાંથી ૩૨ જેટલા હાલ સક્રિય છે. હેકલા (Hekla) અને લાકી (Laki) જાણીતા જ્વાળામુખીઓ છે. કુલ જમીનના ૨%માં જ જંગલો છે અને ૧,૦૨,૭૭૫ ચો.કિમી.ના વિસ્તારમાંથી ૧% વિસ્તાર જ ખેડાણલાયક છે. આ દેશ ઉત્તર ધ્રુવવૃત્ત નજીક આવેલો હોવા છતાં ત્યાંથી પસાર થતા ગરમ અખાતી પ્રવાહને કારણે ત્યાંનો દરિયો હૂંફાળો રહે છે અને ઠંડીની તીવ્રતા ઓછી અનુભવાય છે. અહીંના રીજવિક(પાટનગર)નું જાન્યુઆરી માસનું સરેરાશ મહત્તમ તાપમાન – ૧° સે. જ્યારે જુલાઈનું સરેરાશ મહત્તમ તાપમાન ૧૧° સે. રહે છે. વરસાદની સરેરાશ ૭૮૮ મિમી. જેટલી રહે છે.

લાકી જ્વાળામુખી

આઇસલૅન્ડની નદીઓ વહાણવટાને લાયક નથી. ‘ગોલ્ડન ફૉલ્સ’ અને ‘ગોડા ફૉલ્સ’ ત્યાંના જાણીતા ધોધ છે. આઇસલૅન્ડમાં સુંદર સરોવરો આવેલાં છે. અહીં જાતજાતનાં પક્ષીઓ આવે છે. માછીમારી માટે પણ આ સરોવર ખૂબ ઉપયોગી છે. પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર પણ છે. આઇસલૅન્ડની કુલ વસ્તી ૪,૦૦,૦૦૦ લાખ (૨૦૨૬, આશરે) જેટલી છે. આઇસલૅન્ડના મોટા ભાગના લોકો નૉર્ડિક છે. ૯૬.૯% પ્રજા ઇવેન્જેલિકલ લ્યૂથરન છે. સત્તાવાર ભાષા આઇસલૅન્ડિક છે. તેઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે. મત્સ્ય-ઉદ્યોગ અહીંના લોકોની જીવાદોરી છે. અહીંના જળવિસ્તારોમાં માછલીઓના ભંડાર આવેલા છે; જેમાં કોડ, કૅપલીન અને રેડફિશ મુખ્ય છે. મોટા ભાગની માછલીઓને સૂકવી, ડબ્બામાં કૅનિંગ કરી (canned) નિકાસ કરવામાં આવે છે. ગરમ પાણીના ઝરા અને ફુવારા આઇસલૅન્ડની લાક્ષણિકતા છે. આ પાણીની મદદથી તેઓ ટમેટાં, કાકડી, લેટિસની ભાજી (lettuce) અને ફૂલો ઉગાડે છે. રાજધાની રીજવિકનાં ઘરોમાં, ઑફિસોમાં ઝરાનું ગરમ પાણી પાઇપ વડે પૂરું પાડવામાં આવે છે. રાજધાની રીજવિક ઉપરાંત કોપવોગુર (Kopavogur), અકુરેયરી (Akureyri) જાણીતાં શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આઇસલૅન્ડ, પૃ. 95)

Categories
વાચન સમૃદ્ધિ

દરજીડો અથવા દરજી

ચકલીના કદનું ભારતમાં સર્વત્ર જોવા મળતું ગાયક પક્ષી. (અં. ટેઇલર બર્ડ, લૅ. ઑર્થોટોમસ સુટોરિયસ) કુળ મ્યુસિકૅપિડી, શ્રેણી પાસરિફૉર્મિસ. નગરો તથા ગામોમાં, ઉદ્યાનો તથા વાડીઓમાં છોડવેલ ઉપર ઊડતું જોવા મળે છે. પીઠ અને પાંખો લીલાશ પડતાં, પેટ સફેદ, માથું બદામી રંગનું અને પાછળ બહુ લાંબી નહિ એવી ઊભી પૂંછડી. લંબાઈ 12 સેમી. આસપાસ. એને ઓળખવું અઘરું નથી. જોકે ફુત્કી નામનું તેનું જાતભાઈ છેતરી જાય એવું બને. નરમાદા ઘણી વાર જોડમાં ફરે છે. લજ્જાળુ છતાં દોરા અથવા આહારની શોધમાં તે ઘરના વરંડામાં આવતાં ખચકાતું નથી.

દરજીડો

મોટા ભાગનાં પક્ષીઓની જેમ મુખ્ય આહાર જીવાત તથા તેનાં ઈંડાં છે. પુષ્પરસ પણ ભાવે. સ્વર મીઠો અને બુલંદ ટિવટ્, ટિ્વટ, ટિ્વટ અથવા જરા બદલાયેલો પ્રીત પ્રીત પ્રીત ઉદ્યાનોમાં સાંભળવા મળે. પક્ષીનું દરજીડો નામ તેના માળાને કારણે સાર્થક છે. છોડ કે વેલ અને કોઈ વાર પહોળાં પાંદડાંવાળાં નાનાં વૃક્ષ પર મીટર – બે મીટર ઊંચાઈ સુધીમાં બે કે ત્રણ પાંદડાંને સીવીને, સિલાઈ ઊકલી ન જાય તે માટે ગાંઠ વાળીને નાળચાના ઘાટનો માળો બનાવી, તેમાં વાળ, મૃદુ રેસા, રૂ, દોરા અને કુમળી ડાંખળીઓ પાથરી સુકોમળ આચ્છાદન કરે છે. માળા ઉપર ઢાંકણ જેવી રચના પણ હોય છે. તેથી ટાઢતાપ અને વર્ષામાં રક્ષણ મળે છે. સાધારણ દૃષ્ટિમાં માળો પરખાતો નથી. વર્ષાઋતુ દરજીડાનો સંવનનકાળ છે. સ્વભાવે નરમ અને લજ્જાળુ પક્ષી આ સમયે ઉન્માદમાં આવે છે. 3 કે 4 ઈંડાં મૂકે છે. ઈંડાંનો રંગ રતાશ કે ભૂરાશ પડતો શ્વેત, ઉપર બદામી ટપકાં. માણસ માળાનો સ્પર્શ કરે તો પક્ષી તેનો ત્યાગ કરે છે અને નવો માળો સીવે છે.

ગુજરાતી વિશ્વકોશ

Categories
વાચન સમૃદ્ધિ

અંબાજી

એક પ્રખ્યાત શક્તિપીઠ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા અને આરાસુર પર્વતમાળા વચ્ચે આવેલું તે પ્રસિદ્ધ યાત્રાધામ છે. ભૌગોલિક સ્થાન : ૨૪° ૧૯´ ઉ. અ. અને ૭૨° ૫૦´ પૂ. રે.. ભારતના વિભિન્ન પ્રદેશોની માફક ગુજરાત પણ શક્તિની સાધના અને ઉપાસનાનું કેન્દ્ર છે. ગુજરાતનાં દેવીની ઉપાસનાનાં અનેક પવિત્ર સ્થળોમાં અંબિકા, કાલિકા અને શ્રીબાલા બહુચરા મુખ્ય છે. આ સિવાય ગૌણ રૂપે કચ્છમાં આશાપુરા, ભુજ પાસે રુદ્રાણી, દ્વારકા પાસે અભયમાતા, પોરબંદરનાં હરસિદ્ધ માતા, ગોંડલનાં ભુવનેશ્વરી, ઘોઘા-ભાવનગર પાસે ખોડિયાર માતા, હળવદ પાસે સુંદરી ભવાની, વઢવાણમાં બૂટ(ભૂત)માતા, ચોટીલાનાં ચામુંડા, નર્મદાતટે અનસૂયા, પેટલાદ પાસે આશાપુરી વગેરે પ્રખ્યાત છે.

અંબાજીનું મંદિર, માતાના સ્થાને અખંડ દીપ અને ગબ્બરનો ડુંગર

આરાસુરી અંબિકા કે અંબાજી એટલે માતાજી. માતાને સંસ્કૃતમાં ‘अम्बा’ કહે છે. પૌરાણિક કથા કહે છે કે દક્ષે કરેલા યજ્ઞમાં તેમણે પોતાની પુત્રી સતી અને જમાઈ શિવને નિમંત્રણ આપ્યું ન હતું; પરંતુ પિતાને ત્યાં યજ્ઞ હોઈ અન્ય દેવદેવીઓને જતાં જોઈ સતી પણ પિતાને ત્યાં ગયાં. ત્યાં પોતાના પતિનું અપમાન અને પોતાની અવગણના જોઈ તેમને લાગી આવતાં પોતાના દેહને બાળી નાખ્યો. શિવને ખબર પડતાં ક્રોધના આવેશમાં વીરભદ્રને ઉત્પન્ન કરી યજ્ઞનો નાશ કર્યો. મૃત સતીના દેહને લઈ શિવ આવેશ અને આઘાતથી ફરવા લાગ્યા. શંકર ભગવાનના મોહને છિન્નભિન્ન કરવાના હેતુથી વિષ્ણુએ ચક્રને ગુપ્ત રીતે સતીના દેહમાં પ્રવેશ કરાવી દેહનાં અંગોને છેદવા માંડ્યાં. જ્યાં જ્યાં આ અંગો પડ્યાં ત્યાં ત્યાં શક્તિપીઠો થઈ. ગુજરાતના અર્બુદારણ્ય(આરાસુર વિસ્તાર)માં પર્વતના શિખર ઉપર સતીના હૃદયનો એક ભાગ પડ્યો હતો. ત્યાં થયેલી આ શક્તિપીઠમાં માતા અંબા પૂજાય છે. અંબાજી વિશે લોકોમાં અનેક કથાઓ પ્રચલિત પણ થઈ છે. ગબ્બર (ગહવર-ગુફા) માતાની ગુફા કહેવાય છે. ઇડરિયો ગઢ – ચામુંડાની ટેકરી માતાજીનું વિહારસ્થાન છે. દાંતાના ઠાકોર અંબાજીના ભક્ત અને વહીવટકર્તા હતા. ૨૦૨૫ મુજબ વસ્તી આશરે ૨૫,૭૦૦ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અંબાજી, પૃ. 88)