Categories
વાચન સમૃદ્ધિ

દૂધરાજ (The Paradise Flycatcher)

ભારતની શોભારૂપ, પરી જેવું સુંદર પંખી. તેનું શાસ્ત્રીય નામ Terpsiphone paradisi – ફળ મોનાર્ચિની છે. હિંદીમાં તેને ‘શાહ બુલબુલ’, ‘દૂધરાજ’, ‘હુસેની બુલબુલ’, માદાને ‘સુલતાના બુલબુલ’ એવાં વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. તલવાર જેવી લાંબી પૂંછડીને કારણે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તેને ‘તરવરિયો’ અને ભીલ લોકોની બોલીમાં તેને ‘તેજિયો ગોવાળ’ કહે છે. તે નાચણ પંખીના કુળનું પંખી છે. એનાં કદ, કલગી અને દેખાવ બુલબુલ જેવાં છે, પણ તે બુલબુલની જાતનું નથી. તેનો રંગ સાવ જુદો જ હોય છે. 22 સેમી. લાંબા આ પંખીના નરને માથું, કલગી અને ડોક ચળકતા વાદળી રંગની ઝાંયવાળા કાળા રંગનાં અને બાકીનો ભાગ સફેદ રંગનો હોય છે. તેની પીઠ, પાંખો અને પૂંછડીના સફેદ રંગમાં ઝાંખી કાળી રેખાઓ હોય છે. પૂંછડી ચડાઊતરી પીંછાંવાળી હોય છે. તે ઉપરાંત પૂંછડી રૂપે તેનાં વચલાં બે પીંછાં લંબાઈને 25 સેમી. જેટલાં પાછળ લટકતાં ફરફરે છે. માથાની કલગી અણીદાર અને લાંબી હોય છે. ચાંચ અને આંખફરતી કિનાર ઘેરી વાદળી તો કોઈ વાર કાળી હોય છે. આમ નર પંખી રૂપાળો લાગે છે. માદાને લાંબી પૂંછડી નથી હોતી. તેની પીઠ, પૂંછડી અને પાંખો બધું જ સુંદર ઘેરા નારંગી રંગનું હોય છે. માથે આસમાની ને નારંગી રંગ વચ્ચે આસમાની કાંઠલો હોય છે, જે આગળ વધતાં સફેદ રંગમાં ફેરવાય છે. માદાને પણ કલગી હોય છે. આ પંખી તુર્કસ્તાન અને અફઘાનિસ્તાનથી માંડીને ભારત, મ્યાનમાર અને પૂર્વ એશિયા સુધી વસ્તી ધરાવે છે.

એનો વસવાટ ઝાડીવાળા, ઝરણાના પ્રદેશમાં વાંસથી ઢંકાયેલાં નાળાં હોય એવા પાંખા પાનખર જંગલમાં હોય છે. ઊડતાં જીવડાંની પાછળ હવામાં ચપળતાથી દાવપેચ ખેલતો નર ચંચળતાથી વળાંકો લેતો હોય, ગુલાંટો મારતો હોય, તેની રિબન જેવી પૂંછડી હવામાં જાતજાતની આકૃતિઓ રચતી હોય ત્યારે તે દૃશ્ય જોનારને મુગ્ધ કરી દે છે. તે ઊડવામાં એટલો કુશળ હોય છે કે ભાગ્યે જ પકડાતાં વાણિયા અથવા ‘ડ્રૅગન ફ્લાય’ નામનાં મોટાં જીવડાંને હવામાં જ પકડીને આરોગી જાય છે. તેનો અવાજ કર્કશ હોવા છતાં નર અને માદા પ્રજનનકાળમાં ખુશનુમા મધુર સ્વરે ગાન કરે છે. તે સૌથી વધુ કાશ્મીરની ખીણમાં પ્રજનન કરતાં જોવા મળે છે. તે 2થી 5 મીટર ઊંચે ફંટાતી ડાળખીઓના મૂળમાં ઘાસનાં ઝીણાં તણખલાં અને રેસાઓ ગૂંથી વાટકી કે કપ જેવો ઘાટીલો માળો બનાવે છે. માળાને બહારની બાજુએ કરોળિયાનાં જાળાં અને ઈંડાંની ખાલી કોથળીઓ વડે પ્લાસ્ટર કરે છે. તેમાં આછા મલાઈ રંગનાં ગુલાબી અને માથે રતાશપડતાં ભૂરાં છાંટણાંવાળાં 3થી 5 ઈંડાં મૂકે છે. નર અને માદા બંને તેમને સેવે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-9માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ઇઝરાયલ

એશિયા, આફ્રિકા અને યુરોપના ત્રિભેટે આવેલો દેશ.

તે ૩૧° ૩૦´ ઉ. અ. વચ્ચેનો અને ૩૫° ૦૦´ પૂ. રે.ની આજુબાજુનો ૨૦,૭૭૦ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ભૂમધ્ય સમુદ્રના પૂર્વ છેડે આવેલો છે. તેની ઉત્તરે સીરિયા અને લેબેનૉન, પૂર્વમાં સીરિયા અને જૉર્ડન તથા પૅલેસ્ટાઇન વિસ્તાર વેસ્ટ બૅન્ક તથા દક્ષિણ પૂર્વમાં ગાઝાપટ્ટી આવેલાં છે. તેમ જ નૈઋત્યે ઇજિપ્ત સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. ઇઝરાયલના ૬૦ % ભૂમિવિસ્તારમાં રણ છે, જ્યાં સરેરાશ વાર્ષિક ૨૫ મિમી. જેટલો વરસાદ થાય છે. ઇઝરાયલના દક્ષિણ ભાગમાં આવેલું નેગેવનું રણ તેમાં આવેલા ‘મૃત સરોવર’ નામક ખારા પાણીના સરોવર માટે જગવિખ્યાત છે. તેની ક્ષારતા ૨૪૦ % જેટલી રહેતી હોવાથી તેમાં ડૂબી જવાતું નથી. પૃથ્વી ઉપરની સૌથી વધારે નીચી ભૂમિસપાટી ધરાવતો ભાગ અહીં છે. ઇઝરાયલની એકમાત્ર નદી જૉર્ડન છે, જેના પાણીનો ઉપયોગ સિંચાઈમાં થાય છે. ઉત્તરે આવેલું ગેલીલીનું મીઠા પાણીનું સરોવર દેશનો એકમાત્ર મીઠા પાણીનો સ્રોત છે. યુનેસ્કોના આંકડા મુજબ પોતાની જળશક્તિનો ૯૪ % જેટલો મહત્તમ ઉપયોગ કરનાર એકમાત્ર દેશ ઇઝરાયલ છે. ત્યાં પાણીનો બગાડ થતો નથી. દૈનિક પ્રક્રિયામાં વાપરેલું પાણી શુદ્ધ કરી ખેતીના ઉપયોગમાં લેવામાં આવે છે. ઇઝરાયલે સિંચાઈની નવી ‘ટપક-પદ્ધતિ’ વિકસાવી છે.

ઇઝરાયલનું અર્થતંત્ર પશ્ચિમનાં રાષ્ટ્રો જેવું આર્થિક માળખું અને વિકાસધોરણ ધરાવે છે. ખોરાક-પ્રક્રિયા, રંગ અને રસાયણ, વિદ્યુત અને વીજાણુ-સરંજામ તથા ધાતુ-ઉદ્યોગના ક્ષેત્રે તે મોખરે છે. વિશ્વમાં સૌથી વધુ સૂર્યશક્તિનો ઉપયોગ કરનાર રાષ્ટ્ર ઇઝરાયલ છે. ઇઝરાયલની વસ્તી ૧ કરોડ (૨૦૨૬, આશરે) જેટલી છે. તેઓ હિબ્રૂ, અરબી, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાઓ બોલે છે તથા યહૂદી, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ પાળે છે. પાટનગર જેરૂસલેમ ત્યાંનું પવિત્ર શહેર છે. ખ્રિસ્તી, યહૂદી અને મુસ્લિમોનું તે યાત્રાધામ છે. યહૂદીઓના પ્રાચીન દેવળની ‘રુદનની દીવાલ’ (The wailing wall) જેરૂસલેમમાં છે, જ્યાં યહૂદીઓ મંદિરના વિનાશ અને રાષ્ટ્રીય સ્વતંત્રતાને પહોંચેલી હાનિ માટે શોક વ્યક્ત કરે છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, ઇઝરાયલ, પૃ. 150)

Categories
વાચન સમૃદ્ધિ

દુર્ગાપુર

પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં આવેલું ઔદ્યોગિક નગર. આશરે 23° 05´ ઉ. અ. અને 87° 05´ પૂ. રે ઉપર તે આવેલું છે. દામોદર નદીના ડાબા કાંઠે રાણીગંજથી અગ્નિખૂણે 24 કિમી. દૂર છે. તે દરિયાથી દૂર ઉષ્ણકટિબંધમાં આવેલું હોવાથી તેની આબોહવા વિષમ છે. ઉનાળો ગરમ અને શિયાળો સખત હોય છે. શહેરની આસપાસ સપાટપ્રદેશ છે. દામોદર અને ગંગાની નહેરનો તેમાં સિંચાઈ માટે ઉપયોગ થાય છે, જેને લીધે મબલક પાક થાય છે. ડાંગર, શેરડી, ઘઉં, તેલીબિયાં મુખ્ય પાક છે. દુર્ગાપુર મહત્ત્વનું વેપારી કેન્દ્ર છે.

1962માં અહીં ઇંગ્લૅન્ડની સહાયથી 10 લાખ ટન પોલાદ ઉત્પન્ન કરતું કારખાનું સ્થપાયું હતું. રાણીગંજ અને ઝરિયાનાં કોલસાનાં ક્ષેત્રો આ શહેર નજીક આવેલાં છે. બિહાર, ઝારખંડ અને ઓરિસાની લોખંડની કાચી ધાતુ તથા ચૂનાના પથ્થરો અહીં ઉપલબ્ધ છે. ત્યાંના કારખાનાને બે થર્મલ વિદ્યુતમથકો વીજળી પૂરી પાડે છે. ત્યાંના પોલાદના કારખાનાનું વિસ્તૃતીકરણ થયું છે. આ કારખાના ઉપરાંત કોલસા ધોવાનું કારખાનું, મિશ્રધાતુઓ અને વિશિષ્ટ પોલાદના ઉત્પાદન માટેનું કારખાનું, ઈંટ અને નળિયાં બનાવવાનો ઉદ્યોગ, કોલસાની ખાણ માટેનાં યંત્રો, સિમેન્ટ વગેરે માટે ઉદ્યોગો અહીં વિકસ્યા છે. આ શહેર આસનસોલ બર્દવાન માર્ગ પરનું રેલવે-મથક છે. ઉપરાંત, કૉલકાતા, બર્દવાન અને આસનસોલ સાથે તે જમીનમાર્ગે જોડાયેલું છે. નહેરથી જોડાયેલું નજીકનું બંદર કૉલકાતા છે. આમ, દુર્ગાપુર વાહનવ્યવહારની સારી સગવડ ધરાવે છે. અહીં બર્દવાન યુનિવર્સિટી સાથે જોડાયેલી ઇજનેરી કૉલેજ, એક સરકારી કૉલેજ તથા રવીન્દ્રભારતી યુનિવર્સિટી સાથે સંલગ્ન સંગીત મહાવિદ્યાલય છે. શહેરની વસ્તી આશરે 7,50,000 (2026) છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-9માંથી