જર્મન કન્ફેડરેશન


જર્મન રાજ્યોનો સંઘ. નેપોલિયનના પતન બાદ, ૧૮૧૫માં મળેલા વિયેના સંમેલને અનેક બાબતોમાં પુરાણી વ્યવસ્થાની પુન:સ્થાપનાનો આગ્રહ રાખ્યો હતો; પરંતુ જર્મનીનાં ૩૦૦ રજવાડાંને તેણે પાછાં અલગ ન કર્યાં. આ બાબતમાં નેપોલિયનના કાર્યનો સ્વીકાર કરી, તેમાં એક સોપાન આગળ વધ્યા, વિયેના સંમલેનમાં ભેગા થયેલા રાજપુરુષોએ જર્મનીનાં ૩૦૦ રાજ્યોને ભેગાં કરીને બનાવેલાં ૩૯ રાજ્યો ચાલુ રાખી તેના એક શિથિલ સંઘ(જર્મન સમૂહતંત્ર)ની રચના કરી. આ સંઘનાં રાજ્યોની એક સંઘસભા રાખી અને તેના પ્રમુખપદે ઑસ્ટ્રિયા અને ઉપપ્રમુખપદે પ્રશિયાને રાખવામાં આવ્યું. આ રીતે જર્મની પર ઑસ્ટ્રિયાનું વર્ચસ્ સ્થપાયું. ૧૮૧૫થી ૧૮૬૬ સુધી જર્મનીની સરકાર તરીકે તેનું અસ્તિત્વ ચાલુ રહ્યું.

આ સંઘમાં પ્રતિનિધિઓ પ્રજાના ન હતા; પરંતુ રાજાઓએ નિમણૂક કરેલા હતા. તેઓ રાજાઓનું હિત ધ્યાનમાં રાખતા અને રાજાની આજ્ઞા મુજબ મત આપતા. તે સ્વતંત્ર રાજ્યોનું બનેલું નબળું સંગઠન હતું. આ સંઘ રાજાઓનો હતો, પ્રજાનો નહિ. આ જર્મન સંઘ કાયમી કે શક્તિશાળી બની શકે તેમ ન હતો, કારણ કે તેણે બે મહત્ત્વની બાબતોની ઉપેક્ષા કરી હતી. એક તો તેણે જર્મન પ્રજામાં ફેલાયેલી એકતાની ભાવનાને અવગણી હતી અને બીજું ઑસ્ટ્રિયા તથા પ્રશિયા વચ્ચેની જર્મનીમાંની હરીફાઈને તેણે ધ્યાનમાં લીધી ન હતી. આ સંઘમાં મૂળભૂત કાયદા, અંગભૂત સંસ્થાઓ, વૈયક્તિક અધિકારો તથા ધાર્મિક બાબતોમાં સુધારા કરવા માટે સર્વાનુમતિનો નિર્ણય રાખવામાં આવેલ હોવાથી, કોઈ પણ નક્કર કાર્ય થઈ શકતું નહિ. વળી આ સંઘને પોતાનું લશ્કર અથવા વ્યવસ્થાતંત્ર ન હોવાથી, જર્મનીમાં યથાવત્ પરિસ્થિતિ તથા ઑસ્ટ્રિયાનું આધિપત્ય ચાલુ રહ્યાં. જર્મની ઑસ્ટ્રિયાના પૂરા આધિપત્ય હેઠળ તથા મેટરનિકની પ્રત્યાઘાતી નીતિના પ્રભાવ હેઠળ આવી ગયું. મેટરનિકની જર્મની પ્રત્યેની નીતિનું ધ્યેય ઉદારમતવાદ, બંધારણવાદ તથા સંસદીય લોકશાહીનો સખત વિરોધ કરવાનું હતું. તેણે આ ધ્યેયને પાર પાડવા વાસ્તે જર્મનીના સંઘનો ઉપયોગ કર્યો. જર્મનીના સામંતો ઉત્સાહ કે ડરથી લોકોને ઉદાર બંધારણીય સુધારા ન આપે તેની તેણે તકેદારી રાખી હતી. પ્રશિયાના રાજા ફ્રેડરિક વિલિયમ ત્રીજાએ પણ લોકોને બંધારણીય સુધારાનું આપેલું વચન, મેટરનિકની દબાણથી પાછું ખેંચી લીધું. ઑગસ્ટ, ૧૮૧૯માં મેટરનિકે જર્મનીના કાર્લ્સબાદ મુકામે પ્રશિયા સહિત અગત્યના રાજાઓની સભા બોલાવી. તેમાં રાષ્ટ્રવાદી વિચારોને કચડી નાખવા માટે કેટલાક આદેશો નક્કી કરી જર્મન સંઘની સભા પાસે તે મંજૂર કરાવવામાં આવ્યા. આ આદેશો અનુસાર દરેક રાજાએ પોતાના રાજ્યમાં શાળાઓ તથા યુનિવર્સિટીઓની પ્રવૃત્તિઓ પર નિયંત્રણો મૂકવાનાં હતાં, વિદ્યાર્થીઓની સભાઓ પર પ્રતિબંધ મૂકવાનો હતો, યુનિવર્સિટીઓમાંથી રાષ્ટ્રવાદી વિચારસરણી ધરાવતા અધ્યાપકો તથા વિદ્યાર્થીઓને બરતરફ કરવાના હતા તથા વર્તમાનપત્રો પર કડક નિયંત્રણો મૂકવાનાં હતાં. આ બધા આદેશોને પરિણામે જર્મન સંઘ એક પોલીસ-રાજ્ય સમાન બની ગયો. રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓને કચડી નાખવા માટે જર્મનીમાં દમન તથા અત્યાચારની શરૂઆત થઈ.

મેટરનિકની સૂચનાથી, જર્મન સંઘની સભાએ, રાજાઓને તેમના વહીવટી તંત્રમાં લોકોનો સહકાર લેવાની મનાઈ ફરમાવી. આમ, જર્મનીમાં મેટરનિકની પ્રત્યાઘાતી નીતિ સફળ થઈ તેના ફલસ્વરૂપે જર્મની ઑસ્ટ્રિયાના આધિપત્ય હેઠળ અને તેના આપખુદ વહીવટ હેઠળ કચડાયેલું રહ્યું. ૧૮૬૬માં ઑસ્ટ્રિયા અને પ્રશિયા વચ્ચે થયેલી તુમુલ લડાઈ બાદ પ્રાગ સંધિ કરવામાં આવી. તે મુજબ જર્મન સંઘનું વિસર્જન કરવામાં આવ્યું. તેનાથી જર્મન રાજકારણ પરનું ઑસ્ટ્રિયાનું આધિપત્ય નાબૂદ થયું.

જયકુમાર ર. શુક્લ

જયકૃષ્ણ રાજગુરુ મહાપાત્ર


જ. ૨૯ ઑક્ટોબર, ૧૭૩૯ અ. ૬ ડિસેમ્બર, ૧૮૦૬

ઓડિશા રાજ્યમાં જન્મેલા જયકૃષ્ણ ભારતીય સ્વતંત્રતાઆંદોલનની એક મુખ્ય વ્યક્તિ અને અંગ્રેજો વિરુદ્ધ સંગ્રામમાં ભારતના સૌપ્રથમ શહીદ હતા. ખુર્દા રાજ્યના દરબારમાં તેઓ રાજા ગજપતિ મુકુંદદેવ દ્વિતીયના કમાન્ડર-ઇન-ચીફ, શાહી પૂજારી તથા વહીવટદાર હતા. તેઓએ પોતાનું જીવન રાજ્યની સેવામાં જ વ્યતીત કરેલું અને આજીવન લગ્ન કર્યાં ન હતાં. ૧૭૭૯ની સાલમાં ખુર્દા રાજ્ય અને જાનૂજી ભોસલે વચ્ચે યુદ્ધ થયું. તે સમયે સેનાના નાયક નરસિંહ રાજગુરુ હતા. તેઓ યુદ્ધમાં માર્યા ગયા એટલે જય રાજગુરુને પ્રશાસનના અને ખુર્દાની સેનાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. આમ પિતાની જવાબદારી પુત્રએ લીધી.

સૌપ્રથમ ઘૂસણખોરોની સામે વિદ્રોહ કરવાનો સમય આવ્યો. કમજોર પ્રશાસનનો ફાયદો ઉઠાવાતાં ખુર્દાના લોકો પર બર્ગિયોના હુમલા વધવા માંડ્યા. આ પરિસ્થિતિ જયકૃષ્ણ માટે અસહ્ય હતી. તેઓએ સૈનિકોની શક્તિને વ્યક્તિગત રીતે પ્રોત્સાહન આપ્યું. ગામના યુવાનોને પણ સંગઠિત કરી યુદ્ધની તાલીમ આપી. હથિયાર અને તોપગોળા (બારૂત) બનાવતાં શિખવાડ્યાં. આમ ઘૂસણખોરોની સામે લડવા માટેની યોજના બનાવી. ૧૭૫૭માં મુખ્ય સમસ્યા શરૂ થઈ. અંગ્રેજોએ પ્લાસીની લડાઈ જીતીને ઓડિશાના બંગાળ, બિહાર અને મેદિનાપુર પ્રાંતો કબજે કરી લીધા. ૧૭૬૫માં તેઓએ હૈદરાબાદના નિઝામ તથા પારસીઓ પાસેથી આંધ્રપ્રદેશના એક વિશાળ ક્ષેત્ર પર કબજો કરી લીધો. તેમણે ખુર્દામાં એક કિલ્લો બનાવ્યો. ગંજમ અને મેદિનાપુરની વચ્ચે પરિવહન માટે રસ્તો પણ બનાવ્યો. ૧૭૯૮માં ખુર્દા પર હુમલો કર્યો, પણ જયકૃષ્ણે તેમને સફળ થવા ન દીધો. જયકૃષ્ણએ અંગ્રેજોને આપણા દેશમાંથી પાછા ધકેલવાના ઇરાદાથી સેનાને વ્યવસ્થિત કરી અને હિંમતથી બધાં પરગણાં પર કબજો કર્યો. છેવટે અંગ્રેજો અને ખુર્દાની સેના વચ્ચે ઐતિહાસિક યુદ્ધ શરૂ થયું. લડાઈ લાંબી ચાલી અને જયકૃષ્ણને ગિરફતાર કર્યા, બારાબતી કિલ્લામાં લઈ ગયા. તેમના પર કેસ ચલાવ્યો અને છેવટે ફાંસી આપી. એવું મનાય છે કે ઇતિહાસમાં અંગ્રેજોની વિરુદ્ધ ભારતની તેઓ પહેલી વ્યક્તિ હતા જેને મૃત્યુદંડ આપવામાં આવેલો.

અંજના ભગવતી

જરદાલુ


દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Prunus armeniaca Linn. (હિં. જરદાલુ, અં. કૉમન ઍપ્રિકૉટ) છે. તે મધ્યમ કદનું, ૧૦ મી. જેટલું ઊંચું, રતાશ પડતી છાલવાળું વૃક્ષ છે; અને ઉત્તર-પશ્ચિમ હિમાલયમાં – ખાસ કરીને કાશ્મીર, ચિનાબ અને કુલુની ખીણોમાં તથા સિમલાની ટેકરીઓ પર લગભગ ૩૦૦૦ મી.ની ઊંચાઈ સુધી તેનું પ્રાકૃતિકીકરણ (naturalization) થયેલું છે. પર્ણો સાદાં, અંડાકારથી માંડી ગોળ-અંડાકાર કે કેટલીક વાર ઉપ-હૃદયાકાર (sub-cordate) અને ૫–૯ સેમી. જેટલાં લાંબાં તથા ૪–૫ સેમી. પહોળાં, ઘટ્ટ ચળકતાં લીલાં હોય છે. પુષ્પો ગુલાબી, સફેદ અને એકાકી હોય છે. માર્ચ-એપ્રિલમાં પર્ણો કરતાં પુષ્પો વહેલાં દેખાય છે. ફળ પાંચ સેમી. જેટલા વ્યાસવાળું ગોળાકાર, કાચું હોય ત્યારે રોમિલ અને પાકે ત્યારે લગભગ અરોમિલ (glabrous). તેની છાલ પીળાશ સાથે લાલાશ પડતા મિશ્ર રંગવાળી હોય છે. ગર પીળો કે પીળાશ પડતો નારંગી રંગનો અને મીઠો તથા ચપટા કઠણ ઠળિયામુક્ત હોય છે. ઠળિયો સુંવાળી સપાટીવાળો અને એક ધારવાળો હોય છે. મીંજ કેટલીક જાતમાં મીઠી તો અન્ય જાતમાં કડવી હોય છે.

જરદાલુની પુષ્પ, ફળ સહિતની શાખા

વિતરણ : જરદાલુ ચીન અને મધ્ય એશિયાઈ પ્રદેશની મૂલનિવાસી વનસ્પતિ છે; જ્યાંથી તેનો ભારત, ઈરાન, ઇજિપ્ત અને ગ્રીસમાં આર્મેનિયા થઈને પ્રસાર થયો છે. ભારતમાં અમેરિકા અને યુરોપની કેટલીક જાતોનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. જરદાલુનું દક્ષિણ ભારતમાં સફળ વાવેતર થઈ શક્યું નથી. દુનિયાના સમશીતોષ્ણ પ્રદેશોમાં જરદાલુનું વાવેતર થાય છે. તે હિમસંવેદી હોવાથી હૂંફાળા સમશીતોષ્ણ વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. જરદાલુનું વ્યાપારિક ઉત્પાદન કરતા દેશોમાં ઉત્તર અમેરિકા, સ્પેન, ફ્રાન્સ, ઇટાલી, મોરોક્કો, તુર્કી, ઈરાન, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. મોટા ભાગનાં ફળો સૂકી, હિમશીતિત (frozen), ડબ્બાબંધ (canned) કે ગર-સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે.

જાતો : જરદાલુની ઘણી જાતો છે. તે પૈકી મહત્ત્વની જાતોમાં કાળું કે જાંબલી જરદાલુ (Prunus dasycarpa syn. P. armeniaca var. dasycarpa), રશિયન કે સાઇબેરિયન જરદાલુ (P. sibirica), જાપાની જરદાલુ (P. mume) અને મંચુરિયન જરદાલુ(P. mandschurica)નો સમાવેશ થાય છે. આ બધી જાતોનાં ફળો P. armeniaca  કરતાં નાનાં અને હલકી કક્ષાનાં હોય છે. કાળી કે જાંબલી જાતનાં કાષ્ઠ અને કલિકા સખત હોય છે. સાઇબેરિયન અને મંચુરિયન જાત આમૅનિયેકા કરતાં વધારે ઠંડી સહન કરી શકે છે. મંચુરિયન જાત ૪૫ સે. તાપમાન સહી શકે છે. જાપાની જાત તેના ફળ ઉપરાંત શોભાની વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.

વાવણી : ઉનાળામાં મધ્યમસરનું તાપમાન ધરાવતા વિસ્તારોમાં ૮૫૦-૧૭૦૦ મી.ની ઊંચાઈએ જરદાલુ સારી રીતે થાય છે. જરદાલુને છિદ્રાળુ, હલકી છતાં ફળદ્રૂપ, સારા નિતારવાળી ગોરાડુ જમીન વધારે માફક આવે છે. જંગલી જરદાલુ, આડૂ કે સતાલુ (Peach) (Prunus persica) કે માયરોબેલન પ્લમ(P.carasibera)ના મૂલકાંડ (rootstocks) પર ‘T’ કે ઢાલ (Shield) કલિકારોપણ દ્વારા પ્રસર્જન કરવામાં આવે છે. પાનખર કે વસંતઋતુની શરૂઆતમાં તૈયાર થયેલી કલમોને ૬–૮મી.ના અંતરે વાવવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જરદાલુ, પૃ. ૫૮૦)

સુરેન્દ્ર દવે, બળદેવભાઈ પટેલ