Categories
વાચન સમૃદ્ધિ

દુર્ગ

નગરના રક્ષણ અર્થે બાંધવામાં આવતો કિલ્લો. પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં દુર્ગ-નિર્માણને રાજ્યના અનિવાર્ય અંગ તરીકે લેખવામાં આવેલ છે. દુર્ગ વિનાના રાજાને ઝેરવિહીન સર્પ કે દંતશૂળવિહીન હાથી સાથે સરખાવવામાં આવ્યો છે. એક હજાર હાથી અને એક લાખ ઘોડા જેટલું બળ રાજા એક દુર્ગ દ્વારા પ્રાપ્ત કરી શકે છે એવું શાસ્ત્રકારોનું વિધાન છે.

ભારતીય વાસ્તુવિદ્યામાં દુર્ગના વિવિધ પ્રકારો ગણાવ્યા છે, જેમાં નૈસર્ગિક રીતે ભૌગોલિક પરિસ્થિતિઓથી, પર્વત, નદી વગેરેને આશ્રયે રચાતા દુર્ગોને સ્વાભાવિક કે અકૃત્રિમ દુર્ગ કહ્યા છે. આવા સ્વાભાવિક દુર્ગોમાં જલદુર્ગ, પ્રાસ્તારદુર્ગ, વનદુર્ગ, મિશ્રક દુર્ગ અને મરુદુર્ગ જેવા પ્રકારો પણ પડે છે. ઊંડા પાણી કે મહાજળથી ઘેરાયેલ દુર્ગ જે સાધારણ રીતે નદી કે સમુદ્રજળથી ઘેરાયેલા હોય તેને ‘જલદુર્ગ’ કે ‘સલિલદુર્ગ’ કહે છે. આવા દુર્ગ ઘણું કરીને ઊંડા વહેણવાળી નદી કે સમુદ્ર વચ્ચે આવેલ દ્વીપ પર હોય છે. યમુનાકાંઠે આવેલો મુઘલકાલીન લાલ કિલ્લો આનું સારું દૃષ્ટાંત છે. પ્રાસ્તાર કે શૈલમય દુર્ગના ગિરિદુર્ગ, ગુહાદુર્ગ અને ગર્તાદુર્ગ એવા ત્રણ પ્રકારો જાણીતા છે. પર્વતની ટોચ પર આવેલા દુર્ગને ગિરિદુર્ગ કહે છે. એમાં ચઢાણ આકરું હોય છે અને દુર્ગને ફરતી ઝાડી હોય છે. દુર્ગમાં જળસંચય અને અનાજના કોઠાર તથા લાંબા સમય સુધી સુરક્ષાકવચ તરીકે કામ લાગે તેમજ બાહ્ય આક્રમણ વખતે પૂરેપૂરું રક્ષણ મળી રહે તેવી જોગવાઈ હોય છે. શાસ્ત્રોમાં ગિરિદુર્ગને શ્રેષ્ઠ કહ્યા છે. ભારતમાં આ પ્રકારના દુર્ગોનાં સંખ્યાબંધ દૃષ્ટાંત મળી આવે છે. જેમ કે, દેવગિરિનો કિલ્લો, ગ્વાલિયરનો કિલ્લો, મેવાડમાં ચિતોડગઢ, જયપુરનો આંબેરગઢ, ગુજરાતમાં જૂનાગઢનો ઉપરકોટ, પાવાગઢ, ઈડરનો ગઢ, મહારાષ્ટ્રમાં રાયગઢ, સિંહગઢ વગેરે આ પ્રકારના ગિરિદુર્ગ છે. જે દુર્ગ ચારે બાજુ પહાડીઓથી ઘેરાયેલો હોય તેને ગુહાદુર્ગ કહે છે. જયપુર અને ઉદયપુરના કિલ્લા આ પ્રકારના છે. બે પહાડોની વચ્ચેની ખીણમાં રચાયેલ દુર્ગને ગર્તાદુર્ગ કહે છે. બુંદીનો કિલ્લો આ પ્રકારનો છે. વનની મધ્યે ગીચ ઝાડીથી આવૃત દુર્ગને ‘વનદુર્ગ’ કહેવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દુર્ગ/)

Categories
વાચન સમૃદ્ધિ

આંબો

કેરી આપતું વૃક્ષ.

આંબો દ્વિદળી વર્ગની વનસ્પતિ છે. તેનું વૃક્ષ ૧૫થી ૨૦ મીટર ઊંચું હોય છે. તે સદા લીલુંછમ રહે છે. તેની ઉપર આછી તરંગિત કિનારીવાળાં સાદાં પર્ણો બારે માસ હોય છે. ઘણાં ઝીણાં પુષ્પો ઝૂમખામાં આવે છે, જેમને ‘મૉર’ કહેવાય છે. આંબાનું ફળ તે કેરી કહેવાય છે. જે કાચી હોય ત્યારે લીલા રંગની હોય છે અને પાકે પછી કેસરી રંગની થાય છે. તેની અંદર ગોટલો હોય છે. આંબાનું વૃક્ષ ઘણાં વર્ષો સુધી કેરી આપે છે. કેરી ઘણા દેશોમાં થાય છે; પણ ભારતમાં તેનું સ્થાન અનેરું છે. તેનું મૂળ વતન પૂર્વ ભારત અને ઉત્તર હિમાલયના પહાડી પ્રદેશો ગણાય છે. ગુજરાતમાં વલસાડની આફૂસ (આલ્ફોન્સો) કેરી અને જૂનાગઢની કેસર કેરીઓ તથા રત્નાગિરિ(મહારાષ્ટ્ર)ની આફૂસ કેરી જગવિખ્યાત છે. બીજા દેશોના મુકાબલે ભારતમાંની કેરીની જાતોની વિવિધતા, વિપુલતા અને મીઠાશ અનન્ય છે. ભારતમાં લગભગ ૧,૦૦૦ કરતાં પણ વધુ જાતો વવાય છે. આફૂસ, કેસર, રાજાપુરી, તોતાપુરી, બનારસી, લંગડો, પાયરી, દાડમિયો, મલગોબા, દશેરી, નીલમ વગેરે તેની પ્રચલિત જાતો છે. ભારતમાં કેરીનું વાર્ષિક ઉત્પાદન ૨.૧ કરોડ મેટ્રિક ટન છે. ભારતમાં આંબાનું વાવેતર ૪૦૦૦થી ૬૦૦૦ વર્ષ જેટલું પ્રાચીન છે. મહાભારત અને રામાયણમાં આમ્રવનોનાં વર્ણન આવે છે. ચરક અને સુશ્રુત જેવા મહાન આયુર્વેદાચાર્યોએ પણ કેરીનાં વખાણ કર્યાં છે.

કેરીના પાકા ગરમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ જેવી શર્કરાઓ અને વિટામિન ‘એ’ અને પોટૅશિયમ-તત્ત્વ સારા પ્રમાણમાં હોય છે. કેરીમાં ખટાશ સાઇટ્રિક ઍસિડને કારણે હોય છે. પાકી કેરીનો ખાવામાં સીધો ઉપયોગ થાય છે. તેનો રસ કે તેના ટુકડાઓ કે અથાણાં ડબ્બાઓમાં પૅક કરેલાં કોઈ પણ ઋતુમાં મળે છે. પાકી કેરીના રસને સૂકવી પાપડ બનાવવામાં આવે છે. કાચી કેરીમાંથી ચટણી, અથાણાં, આંબોળિયાં વગેરે બનાવવામાં આવે છે. કેરીના ઔષધ તરીકે પણ ઘણા ઉપયોગો છે. તેની છાલમાંથી મળતો રંગ સુતરાઉ કે રેશમી કાપડ અને ઊનને આછા પીળા રંગથી રંગે છે. ભારતના કેટલાક પ્રદેશમાં અછત દરમિયાન બીજ(ગોટલી)નો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે. આંબાના લાકડાનો ફર્નિચર, છતનાં પાટિયાં, બારીનાં ચોકઠાં, પેટીઓ, હલેસાં, હોડીઓ, ખેતીનાં ઓજારો વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે. તેના લાકડામાંથી સારો કોલસો પણ થાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1માંથી

Categories
વાચન સમૃદ્ધિ

દુબઈ (Dubai; Dubayy)

સંયુક્ત આરબ અમીરાતનું સૌથી મોટું શહેર. તે 25° 18´ ઉ. અ. અને 55° 18´ પૂ. રે.ની આજુબાજુનો 3900 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, પરંતુ સમુદ્રના વિસ્તારનું નવીનીકરણ કર્યું હોવાથી તેનો વિસ્તાર 4,110 ચો.કિમી. થવા જાય છે. દુબઈ શહેરની વસ્તી (2026 મુજબ) આશરે 40 લાખ છે. આ શહેર આશરે 16 મીટરની સમુદ્ર સપાટી ધરાવે છે. દુબઈ અરબ રણપ્રદેશમાં આવેલું છે. યુનાઇટેડ અરબ અમીરાતના દક્ષિણ ભાગ કરતાં દુબઈનું ભૂપૃષ્ઠ પ્રમાણમાં અલગ તરી આવે છે. દુબઈની દક્ષિણે રેતીના ઢૂવા આવેલા છે. દક્ષિણ ભાગમાં કાંકરીનું પ્રમાણ અધિક છે. મોટે ભાગે અહીં શંખ-છીપલાં અને કોરલ દ્વારા બનેલી રેતી સફેદ અને બારીક છે. આબોહવા, કુદરતી વનસ્પતિ અને પ્રાણીસંપત્તિ : દુબઈ આરબ દ્વીપકલ્પના વિષમ આબોહવાવાળા પ્રદેશમાં આવેલું છે. તેનાં જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે 23.4° સે. અને 42.3° સે. જેટલાં રહે છે. વર્ષ 2024ના પ્રારંભમાં દુબઈમાં કૃત્રિમ વરસાદના પ્રયોગથી દુબઈ શહેર લગભગ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

દુબઈ ખાતે બે મોટાં વ્યાપારિક બંદરો આવેલાં છે. જે પૉર્ટ રશીદ (Port Rashid) અને પૉર્ટ જેબેલ (Port Jebel) છે. પૉર્ટ જેબેલ વિશ્વમાં સૌથી મોટું કૃત્રિમ બંદર છે. જે વિશ્વમાં સૌથી વ્યસ્ત બંદરોમાં સાતમા ક્રમે આવે છે. The Main Transport Agency દ્વારા દુબઈની ખાડીમાં Water Bus અને Water Taxiનું પણ સંચાલન થાય છે. દુબઈ ખાડીના (Dubai Creek) જળમાર્ગે ભારત, આફ્રિકા અને યુરોપના દેશો સાથે વહાણવટું થાય છે. દુબઈ મધ્યપૂર્વનું ખરીદારીનું પાટનગર (Shopping Capital of the Middle East) ગણાય છે. અહીં 70 કરતાં વધુ ખરીદારીનાં કેન્દ્રો અને 250 કરતાં પણ વધુ સોનાનાં આભૂષણોની દુકાનો આવેલી છે. આથી તે ‘City of Gold’ તરીકે ઓળખાય છે. દુબઈ વિશ્વમાં દ્વિતીય ક્રમે આવતું ખરીદારીનું કેન્દ્ર ગણાય છે. આ શહેર ખરીદારીની સાથે પ્રાચીન અને અર્વાચીન સ્થાપત્યો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : https://gujarativishwakosh.org/દુબઈ/)