સંયુક્ત આરબ અમીરાતનું સૌથી મોટું શહેર. તે 25° 18´ ઉ. અ. અને 55° 18´ પૂ. રે.ની આજુબાજુનો 3900 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, પરંતુ સમુદ્રના વિસ્તારનું નવીનીકરણ કર્યું હોવાથી તેનો વિસ્તાર 4,110 ચો.કિમી. થવા જાય છે. દુબઈ શહેરની વસ્તી (2026 મુજબ) આશરે 40 લાખ છે. આ શહેર આશરે 16 મીટરની સમુદ્ર સપાટી ધરાવે છે. દુબઈ અરબ રણપ્રદેશમાં આવેલું છે. યુનાઇટેડ અરબ અમીરાતના દક્ષિણ ભાગ કરતાં દુબઈનું ભૂપૃષ્ઠ પ્રમાણમાં અલગ તરી આવે છે. દુબઈની દક્ષિણે રેતીના ઢૂવા આવેલા છે. દક્ષિણ ભાગમાં કાંકરીનું પ્રમાણ અધિક છે. મોટે ભાગે અહીં શંખ-છીપલાં અને કોરલ દ્વારા બનેલી રેતી સફેદ અને બારીક છે. આબોહવા, કુદરતી વનસ્પતિ અને પ્રાણીસંપત્તિ : દુબઈ આરબ દ્વીપકલ્પના વિષમ આબોહવાવાળા પ્રદેશમાં આવેલું છે. તેનાં જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે 23.4° સે. અને 42.3° સે. જેટલાં રહે છે. વર્ષ 2024ના પ્રારંભમાં દુબઈમાં કૃત્રિમ વરસાદના પ્રયોગથી દુબઈ શહેર લગભગ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

દુબઈ ખાતે બે મોટાં વ્યાપારિક બંદરો આવેલાં છે. જે પૉર્ટ રશીદ (Port Rashid) અને પૉર્ટ જેબેલ (Port Jebel) છે. પૉર્ટ જેબેલ વિશ્વમાં સૌથી મોટું કૃત્રિમ બંદર છે. જે વિશ્વમાં સૌથી વ્યસ્ત બંદરોમાં સાતમા ક્રમે આવે છે. The Main Transport Agency દ્વારા દુબઈની ખાડીમાં Water Bus અને Water Taxiનું પણ સંચાલન થાય છે. દુબઈ ખાડીના (Dubai Creek) જળમાર્ગે ભારત, આફ્રિકા અને યુરોપના દેશો સાથે વહાણવટું થાય છે. દુબઈ મધ્યપૂર્વનું ખરીદારીનું પાટનગર (Shopping Capital of the Middle East) ગણાય છે. અહીં 70 કરતાં વધુ ખરીદારીનાં કેન્દ્રો અને 250 કરતાં પણ વધુ સોનાનાં આભૂષણોની દુકાનો આવેલી છે. આથી તે ‘City of Gold’ તરીકે ઓળખાય છે. દુબઈ વિશ્વમાં દ્વિતીય ક્રમે આવતું ખરીદારીનું કેન્દ્ર ગણાય છે. આ શહેર ખરીદારીની સાથે પ્રાચીન અને અર્વાચીન સ્થાપત્યો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
નીતિન કોઠારી
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : https://gujarativishwakosh.org/દુબઈ/)
