Categories
વાચન સમૃદ્ધિ

આંધ્રપ્રદેશ

ભારતમાં દક્ષિણ મધ્યપૂર્વમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે ૧૨° ૪૧´ થી ૧૯° ૦૭´ ઉ. અ. અને ૭૭° ૦૦´ થી ૮૪° ૪૦´ પૂ. રે. વચ્ચે આવેલો છે. જેનો વિસ્તાર ૧,૬૨,૯૬૭ ચો.કિમી. છે આ રાજ્યની ઉત્તરે તેલંગાણા, પશ્ચિમથી વાયવ્યે છત્તીસગઢ, ઉત્તરે ઓડિશા, પૂર્વે બંગાળનો ઉપસાગર, દક્ષિણે તમિળનાડુ જ્યારે પશ્ચિમે અને નૈઋત્યે કર્ણાટક રાજ્યની સીમા આવેલી છે. તેના દરિયાકિનારાની લંબાઈ આશરે ૯૭૦ કિમી. છે. આ રાજ્યનું પાટનગર અમરાવતી છે. નવું પાટનગર બને તે દરમિયાન હંગામી ધોરણે હૈદરાબાદ ગણાય છે. વસ્તી ૨૦૨૬ મુજબ આશરે ૯.૬૦ કરોડ છે. આ રાજ્યનું ભૂષૃષ્ઠ વૈવિધ્યસભર છે. આ રાજ્યને ભૌગોલિક દૃષ્ટિએ ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચી શકાય. પૂર્વમાં બંગાળના ઉપસાગરથી શરૂ કરીને પૂર્વઘાટની પર્વતમાળા અને દરિયાકિનારાનાં મેદાનો. પશ્ચિમથી પૂર્વ તરફ વહીને બંગાળના ઉપસાગરમાં ઠલવાતી અનેક નદીઓના જળથી આ મેદાનો સમૃદ્ધ બન્યાં છે. એમાં ગોદાવરી અને કૃષ્ણાનદીના ત્રિકોણાકાર પ્રદેશો કાંપના નિક્ષેપને કારણે અત્યંત ફળદ્રુપ બન્યા છે. અન્ય નદીઓમાં તુંગભદ્રા, પેનાર, વંશધારા અને નાગાદળીનો સમાવેશ થાય છે.

અહીં સાગ, વાંસ, યુકેલિપ્ટ્સ, કાજુ અને સરુનાં વૃક્ષો આવેલાં છે. આંધ્રપ્રદેશના અર્થતંત્રનો મુખ્ય પાયો ખેતી છે. ડાંગર અને દ્રાક્ષ તેના મુખ્ય પાક છે. તે ઉપરાંત જુવાર, બાજરી, મકાઈ વગેરે ખાદ્ય પાકો છે. તમાકુ, કપાસ, શેરડી, મરચાં, કેરી, મગફળી જેવા રોકડિયા પાકોની ખેતી લેવામાં આવે છે. આ રાજ્ય ચોખાની મહત્તમ નિકાસ કરતું હોવાથી તે ‘ભારતનો ચોખાનો વાટકો’ તરીકે ઓળખાય છે. જંગલોમાં હાથી વાઘ, હરણ, શિયાળ વગેરે પ્રાણીઓ જોવા મળે છે. અહીં યુરેનિયમ અને બૉકસાઇટનો જથ્થો રહેલો છે. વહાણવટું, પેટ્રોકેમિકલ, કાપડ, રસાયણ, સિમેન્ટ, ખાતર, યંત્રસામગ્રી અને દવાઓના ઉદ્યોગો વ્યાપક પ્રમાણમાં વિકસ્યા છે. આ રાજ્યનું પાટનગર અમરાવતી જાહેર કર્યું છે છતાં કાર્યકારી પાટનગર હૈદરાબાદ છે. મુખ્ય શહેરો વિશાખાપટ્ટનમ્, તિરુપતિ, વિજયવાડા, ગુંતૂર, કર્નૂલ, કડાવા વગેરે છે. આ રાજ્યનું સૌથી મોટું કુદરતી બંદર અને શહેર વિશાખાપટ્ટનમ્ છે. જોવાલાયક સ્થળોમાં તિરુપતિ મંદિર, કલાહસ્તી મંદિર, બોજ્ જન્નાકોન્ડા અને નાગાર્જુનકોન્ડાનાં બૌદ્ધ સ્થાપત્યો મુખ્ય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આંધ્રપ્રદેશ, પૃ. 143)

Categories
વાચન સમૃદ્ધિ

દીવ

સૌરાષ્ટ્ર દ્વીપકલ્પની દક્ષિણે આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ગુજરાત અને પશ્ચિમ ભારતનું પ્રાચીન સમયનું પ્રમુખ બંદર અને આ જ નામ ધરાવતો ટાપુ. તેનું નામ સંસ્કૃત શબ્દ ‘દ્વીપ’ (બેટ) ઉપરથી અપભ્રંશ થઈને ‘દીવ’ પડ્યું છે. આ ટાપુ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે અરબી સમુદ્રમાં 20° 42´ ઉ. અ. અને 70° 59´ પૂ. રે. ઉપર આવેલો છે. તેની ત્રણ બાજુ સમુદ્ર અને ઉત્તર તરફ જૂનાગઢ જિલ્લાનો ઊના તાલુકો આવેલો છે. સૌરાષ્ટ્રની મુખ્ય ભૂમિથી તે યાસી નદીની સેસલખડા ખાડીને કારણે અલગ પડેલ છે. વિક્રમની પહેલી સદી સુધી તે સૌરાષ્ટ્ર સાથે જોડાયેલો હતો. સમગ્ર ટાપુનું ક્ષેત્રફળ 40 ચોકિમી. છે. ટાપુમાં દીવ ઉપરાંત માણેકવાડા, બોચરવાડા, નાગવા અને બરાંકવાડા ગામો આવેલાં છે. શહેરનો વિસ્તાર 40 ચોકિમી. છે. ટાપુની કુલ વસ્તી આશરે 72,000 (2026) છે. ત્યાંની આબોહવા ખુશનુમા અને સમધાત છે. વાર્ષિક સરેરાશ વરસાદ 694 મિમી. પડે છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. મુખ્ય પાક બાજરી, જુવાર અને મગફળી છે. થોડા પ્રમાણમાં ઘઉં અને શેરડીનું ઉત્પાદન પણ થાય છે. નારિયેળી, કેળાં, કેરી વગેરે ફળફળાદિના બગીચા અને સિંચાઈ માટેના કૂવા ઘણા છે. થોડા લોકો મચ્છીમારીમાં રોકાયેલા છે. ઔદ્યોગિક વસાહતની સ્થાપના પછી ત્યાં ઉદ્યોગોનો વિકાસ થયો છે. તેલની મિલો, સાબુનું કારખાનું, ફર્નિચર તથા દારૂ બનાવવાનાં કારખાનાં તથા મીઠાના અગરો છે. લઘુ અને ગૃહઉદ્યોગોનો વિકાસ થયો છે. 1988–89થી વીજળીઘર શરૂ કરાયું છે.

ટાપુ ઉપર વણાકબારા, દીવ અને ઘોઘલા ખાતે જેટીઓ છે. બાધક ખડકો (barrier reefs) નૈઋત્ય અને દક્ષિણના પવનોથી વહાણોનું રક્ષણ કરે છે. બજરા (barge) દ્વારા માલની ચડ-ઊતર થાય છે. દીવમાં રેલવે નથી. પાકા રસ્તાની લંબાઈ 60 કિમી. છે. એક હવાઈ મથક દ્વારા તે મુંબઈ સાથે જોડાયેલું છે. તે પ્રવાસન-મથક તરીકે વિકસ્યું છે. અહીં કિલ્લો, ચર્ચ, મ્યુઝિયમ, કંઠારરેતપટ જોવાલાયક છે. અનાજ, વિલાયતી નળિયાં, ઇમારતી લાકડું, બળતણ, કેરોસીન, કોપરાં, સિમેન્ટ વગેરેની આયાત અને મીઠું, દારૂ અને મચ્છીની નિકાસ મુખ્યત્વે છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9 માંથી (સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દીવ/)

Categories
વાચન સમૃદ્ધિ

આંગણવાડી

જાણીતા બાળકેણવણીકાર ગિજુભાઈ બધેકાની દૃષ્ટિએ ‘બાલમંદિર’નું વિકસિત અને વ્યાપક સ્વરૂપ.

ગિજુભાઈનાં સાથી અને મહારાષ્ટ્રનાં વિખ્યાત બાળકેળવણીકાર તારાબહેન મોડકે ૫૦ વર્ષ પહેલાં એનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતમાં પણ એ વિચાર સ્વીકારાયો. જુગતરામભાઈ દવેએ આદિવાસી વિસ્તારમાં આંગણવાડીઓની સ્થાપના કરી અને તે ઉત્તમ રીતે ચલાવી. આંગણવાડીમાં બાળકના છ વર્ષ સુધીના વયગાળામાં માનસિક, ભાવાત્મક અને ક્રિયાત્મક – એમ સર્વાંગી વિકાસનો ખ્યાલ રહેલો છે. કેટલાક એને પૂર્વપ્રાથમિક શિક્ષણ રૂપે પણ ઓળખે છે. બાળકના વ્યક્તિત્વનો પાયો છ વર્ષની ઉંમર સુધીમાં નંખાઈ જાય છે એવો ખ્યાલ દુનિયાભરમાં સ્વીકાર પામ્યો છે. એટલે રમતો, ગીતો, નૃત્યો, ચિત્રો જેવી વિવિધ ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ થાય એવી આંગણવાડીની વિભાવના છે. મોટા ભાગની આંગણવાડીઓ ગ્રામસ્તરે હોઈ બાળક્રીડાંગણનો ખ્યાલ પણ વિકસ્યો. સ્વરાજ પછી ગુજરાતમાં મનુભાઈ પંચોળીએ બાળશિક્ષણની સતત હિમાયત કરી અને બાળકેળવણીને ‘વિશ્વશાંતિની ગુરુકિલ્લી’ (Master Key) તરીકે ઓળખાવી. આંગણવાડીમાં (કે બાળમંદિરમાં) અક્ષરજ્ઞાન કે ગણિત શીખવવાનો હેતુ નથી, પરંતુ બાળકની ક્રિયાશક્તિ, તેનાં ભાવાત્મક પાસાંઓ અને તેનો જ્ઞાનપ્રાપ્તિનો પાયો દૃઢ બને એ ઉદ્દેશ છે.

સ્વરાજ આવ્યા પછી પણ વ્યાપક રૂપમાં આંગણવાડીનો ખ્યાલ સ્વીકારાયો ન હતો. ૧૯૭૫થી કેન્દ્ર સરકારે ‘સંકલિત બાળવિકાસ યોજના’ (Integrated Children’s Development Scheme – ICDS) દ્વારા માતા અને શિશુની જાળવણી, કાળજી અને વિકાસની દૃષ્ટિએ યોજના અમલમાં મૂકી. દરેક રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામ સુધી આવાં કેન્દ્રો સ્થપાયાં છે. તેનું સંચાલન સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા થાય છે. જ્યાં સ્વૈચ્છિક સંસ્થાઓ જાગૃત અને દૃષ્ટિવાળી હોય છે ત્યાં બાળકેળવણીનું કામ વધુ નક્કર રીતે થાય છે. માતૃકલ્યાણ, પ્રસૂતિમાં કાળજી, બાળઉછેર, બાળકનું પોષણ અને છ વર્ષ સુધીનાં બાળકો માટેની કેળવણીની આ સંકલિત યોજનામાં આજે આરોગ્ય અને પોષણની કાળજી વધુ લેવાય છે. જોકે આંગણવાડીમાં બાળશિક્ષણ અંગે પણ પૂરતી કાળજી લેવાય એ જરૂરી છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આંગણવાડી, પૃ. 140)