Categories
વાચન સમૃદ્ધિ

ઍલેકઝાન્ડર મૅકમિલન

જ. ૩ ઑક્ટોબર, ૧૮૧૮ અ. ૨૬ જાન્યુઆરી, ૧૮૯૬

તેઓ  સ્કૉટલૅન્ડના પુસ્તક-વિક્રેતા અને પ્રકાશક હતા. તેમના મોટા ભાઈ ડેનિયલ સાથે મળીને તેઓએ ‘મૅકમિલન ઍન્ડ કંપની’ નામની મોટી પ્રકાશન-સંસ્થાનો વિકાસ કર્યો હતો. જેમાં પાઠ્યપુસ્તકો, વૈજ્ઞાનિક જર્નલ, વૈજ્ઞાનિક ગ્રંથો, સાહિત્યિક કૃતિઓ તથા ઉચ્ચ કોટિનાં સામયિકોનાં વિવિધસર પ્રકાશન કર્યાં હતાં. મૅકમિલન બંધુઓએ કેમ્બ્રિજમાં પુસ્તકો વેચવાની દુકાનથી શરૂઆત કરી, જેને સફળતા મળતાં જ તેઓએ પ્રકાશનમાં ઝંપલાવ્યું અને તે ક્ષેત્રમાં હરણફાળ ભરી. ઈ. સ. ૧૮૪૪માં પાઠ્યપુસ્તકોના પ્રકાશનનો પ્રારંભ કર્યો અને ૧૮૫૫ની સાલમાં પ્રથમ નવલકથા ચાર્લ્સ કિંગ્ઝલીની ‘વેસ્ટવર્ડ હો’નું પ્રકાશન કર્યું, જે સૌથી વધુ વેચાણપાત્ર બની. ત્યારબાદ તેમણે થોમસ હ્યુસની ‘ટૉમ બ્રાઉન્સ સ્કૂલ ડેઝ’(૧૮૫૭) પુસ્તકની સતત પાંચ આવૃત્તિ પ્રકાશિત થઈ.

૧૮૫૭માં ભાઈ ડેનિયલના અવસાન સમયે પુસ્તક વેચવાની દુકાન નાની હતી અને પ્રકાશન-કૅટલૉગમાં વર્ષનાં ૪૦ પુસ્તકોની યાદી હતી. ઍલેક્ઝાન્ડરે ખૂબ પુરુષાર્થ કરી પછીનાં ૩૨ વર્ષો દરમિયાન આ ગ્રંથસૂચિમાં વર્ષનાં કુલ ૧૫૦ પુસ્તકો પ્રકાશન ધોરણે ઉમેર્યાં. તેમણે ‘મૅકમિલન્સ મૅગેઝિન’ નામક સાહિત્યિક સામયિક અને ‘નેચર’ (૧૮૬૯) નામથી અગ્રણી વૈજ્ઞાનિક સામયિક શરૂ કર્યાં. તેમણે કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને ભારતમાં પોતાની પ્રવૃત્તિઓ વિસ્તારી. આ પ્રકાશનગૃહે ટેનિસન, હકસ્લી, લૂઈ કૅરોલ, રડ્યાર્ડ કિપ્લિંગ તથા યેટ્સ જેવા મહત્ત્વના લેખકોની કૃતિઓ પ્રગટ કરી.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

ક્ષેમુ દિવેટિયા

જ. ૧ ઑક્ટોબર, ૧૯૨૪ અ. ૩૦ જુલાઈ, ૨૦૦૯

ગુજરાતી સુગમસંગીતના મૂર્ધન્ય સ્વરકાર અને સંગીતકાર ક્ષેમેન્દ્ર દિવેટિયાનો જન્મ અમદાવાદમાં સંસ્કારી નાગર પરિવારમાં થયો હતો. પિતા વીરમિત્ર અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રાધ્યાપક અને ગુજરાતમાં સુગમસંગીત પ્રવૃત્તિના આદ્યસ્થાપક. ૧૯૪૬માં ક્ષેમુભાઈ વિજ્ઞાનના સ્નાતક થયા. નાની વયથી જ સંગીતનો ખૂબ શોખ. આથી આરંભમાં જયસુખલાલ ભોજક, હામીદ હુસેનખાં તથા વી. આર. આઠવલે પાસેથી સંગીતની તાલીમ લીધી. અમદાવાદના ‘રંગમંડળ’થી સ્વરરચનાની શરૂઆત કરી. ૧૯૬૨માં સંગીતસંસ્થા ‘શ્રુતિ’માં જોડાયા. આ ઉપરાંત અમદાવાદની સંગીતની ‘આલાપ’, ‘શ્રવણમાધુરી’, ‘સ્પંદન’ સંસ્થા તથા નૃત્યસંસ્થા ‘કદમ્બ’ રાસગરબાની પ્રવૃત્તિઓ કરતી ‘નૂપુરઝંકાર’ તથા ‘વેણુનાદ’ જેવી સંસ્થાઓમાં સક્રિય હતા. ગુજરાત રાજ્ય યુવકસેવા તથા સાંસ્કૃતિક વિભાગ તરફથી તેમણે સતત દસ વર્ષ સુગમસંગીતનાં સંમેલનોનું આયોજન-સંચાલન કર્યું. તેમણે અમદાવાદની ‘દર્પણ’ સંસ્થા, મુંબઈની આઈ.એન.ટી. તથા વડોદરાની સંસ્થાઓ માટે ૧૯ નાટકોમાં તથા નૃત્યનાટિકાઓમાં સ્વરનિયોજન કર્યું. ૧૯૮૬થી અનેક વર્ષો તેમણે આકાશવાણી, દિલ્હી ખાતેના સંગીત બોર્ડના સભ્ય તરીકે સેવાઓ આપી હતી. તેમણે સ્વરનિયોજન કરેલાં ગીતોની રેકર્ડ, ‘હિઝ માસ્ટર્સ વૉઇસ દ્વારા ઉતારવામાં આવી છે. તેમાં ૧૯૮૪માં પ્રસિદ્ધ થયેલી ‘સંગીતસુધા’ને ખૂબ પ્રશંસા પ્રાપ્ત થઈ. તેમણે દેશ-વિદેશમાં પણ અનેક કાર્યક્રમો આપ્યા. મુંબઈમાં તેમણે ‘આ માસનાં ગીતો’ શીર્ષક હેઠળ અનેક કાર્યક્રમો આપ્યા.

ક્ષેમુભાઈનાં પત્ની સુધાબહેન પણ ગાયિકા હતાં. ક્ષેમુભાઈ ક્રિકેટ રમવાના શોખીન હતા અને તેમણે આકાશવાણી પરથી કૉમેન્ટરી પણ આપી છે. વિજ્ઞાનના વિદ્યાર્થી, ક્રિકેટના શોખીન અને આત્મા સંગીતકારનો. આ કંઈક અદભુત સંયોજન હતું તેમના વ્યક્તિત્વનું. તેમણે કેટકેટલા નામી કવિઓની કેટકેટલી કૃતિઓ ઉત્તમ રીતે સ્વરબદ્ધ કરી! તેમણે પોતાનાં સ્વરાંકનો થકી કવિના શબ્દોને નવો અર્થ અને નવી ઊંચાઈ બક્ષ્યાં. તેમને ‘કાશીનો દીકરો’ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીતકારનો ઍવૉર્ડ, ૧૯૮૮માં ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર ઉપરાંત અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા. તેમની કેટલીક રચનાઓ ‘રાધાનું નામ’, ‘ગોરમાને પાંચે’, ‘મારી આંખે કંકુના’, ‘દાડમડીનાં ફૂલ રાતાં’, ‘કેવા રે મળેલા વગેરે જેવી અનેક સ્વરરચનાઓ અવિસ્મરણીય છે.

શુભ્રા દેસાઈ

Categories
Uncategorized વાચન સમૃદ્ધિ

અહંકાર આવે એટલે ભક્તિ ઓગળી જાય

એક વાર શ્રીકૃષ્ણ અર્જુન સાથે ફરવા નીકળ્યા. એવામાં એક બ્રાહ્મણને સૂકું ઘાસ ખાતો જોયો. એની અહિંસક વૃત્તિ જોઈને અર્જુનને આદર થયો, પરંતુ એણે કેડે બાંધેલી તલવાર જોઈને અતિ આશ્ચર્ય થયું. બ્રાહ્મણને પૂછ્યું, તો એણે કહ્યું, ‘હું ભગવાન શ્રીકૃષ્ણની એકનિષ્ઠ ઉપાસના કરું છું, પરંતુ મારે ચાર વ્યક્તિઓને એમના ગુનાની સજા કરવી છે. એમને માટે આ તલવાર રાખી છે. જો એ મળે તો આ તલવારથી એમનું મસ્તક ઉડાવી દઈશ.’ શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત હોવાનો અહંકાર ધરાવતા અર્જુને જિજ્ઞાસાથી પૂછ્યું, ‘આટલો બધો ક્રોધ શાને ? કોણ છે એ ચાર વ્યક્તિઓ ?’ બ્રાહ્મણે કહ્યું, ‘જગતને તારનાર અને આતતાયીઓના સંહારક શ્રીકૃષ્ણને ખલેલ પહોંચાડનાર પ્રથમ વ્યક્તિ છે નારદ. બસ, એમને મન થાય એટલે શ્રીકૃષ્ણ પાસે પહોંચી જાય. સતત ભજન-કીર્તન કરી જાગતા રાખે. એમના આરામનો લેશમાત્ર ખ્યાલ ન રાખે.’અર્જુને કહ્યું, ‘વાત તો તમારી સાચી છે. બીજી વ્યક્તિ કોણ છે કે જેના પર તમે કોપાયમાન છો ?’ બ્રાહ્મણે કહ્યું, ‘બીજી વ્યક્તિ છે દ્રુપદની પુત્રી દ્રૌપદી. ભગવાન ભોજન આરોગતા હતા અને એમને પોકાર કરીને દ્રૌપદીએ બોલાવ્યા. શ્રીકૃષ્ણને ભોજન છોડીને તત્કાલ દોડવું પડ્યું. દુર્વાસા ઋષિના શાપમાંથી પાંડવોને ઉગાર્યા પણ ખરા. અરે ! આ દ્રૌપદીની ધૃષ્ટતા તો કેવી ? એણે પોતાનું વધ્યું-ઘટ્યું અન્ન પ્રભુને ખવડાવ્યું. જો આ ધૃષ્ટ દ્રૌપદી મળે તો એની બરાબર ખબર લઈ નાખીશ.’

અર્જુને કહ્યું, ‘સાવ સાચી વાત ભક્તરાજ, દ્રૌપદીએ શ્રીકૃષ્ણને ઘણી પીડા આપી છે. ત્રીજી વ્યક્તિ કોણ છે ?’ બ્રાહ્મણે કહ્યું, ‘એ છે હૃદયહીન પ્રહલાદ. એણે મારા પ્રભુને ગરમ તેલવાળી કડાઈમાં પ્રવેશ કરાવ્યો. હાથીના પગ નીચે કચડાવ્યા અને થાંભલામાંથી પ્રગટ થવા માટે વિવશ કર્યા.’ અર્જુને કહ્યું, ‘બરાબર. એણે પ્રભુને પારાવાર પરિતાપ આપ્યો.’ બ્રાહ્મણે કહ્યું, ‘આ ત્રણનો ગુનો તો ઠીક છે, પણ ચોથાના ગુનાને તો કોઈ રીતે માફ કરી શકાય તેમ નથી.

અર્જુને પૂછ્યું, ‘કોણ છે એ અક્ષમ્ય અપરાધ કરનાર ?’ બ્રાહ્મણે કહ્યું, ‘એ છે બાણાવાળી અર્જુન. મારા પ્રિય ભગવાનને એેણે પોતાના રથના સારથિ બનાવ્યા. આનાથી વધુ વિવેકહીન નિકૃષ્ટ અપરાધ બીજો કયો હોઈ શકે ?’ અર્જુન તો આ બ્રાહ્મણનાં વચનો સાંભળીને સ્તબ્ધ બની ગયો. અપ્રતિમ કૃષ્ણભક્તિ હતી તેની. અર્જુનના મનનો ગર્વ ગળી ગયો. ભક્તિમાં જેટલી સાહજિકતા એટલી એની ઊંચાઈ વધુ. એમાં જ્યારે પ્રદર્શન કે અહંકાર આવે, ત્યારે ભક્તિ એ ઈશ્વરભક્તિ બનવાને બદલે આત્મભક્તિ બની જાય છે. સાચો ભક્તિવાન કદી અહંકાર કરતો નથી, કારણ કે એની પાસે એનું પોતાનું તો કશું હોતું નથી, કિંતુ પૂર્ણપણે સમર્પણશીલ હોય છે.

કુમારપાળ દેસાઈ