જ. ૨ ઑગસ્ટ, ૧૯૦૧ અ. ૧૦ નવેમ્બર, ૧૯૭૬

એસ. વી. દેસાઈના હુલામણા નામે જાણીતા શિક્ષણશાસ્ત્રી સુરેન્દ્ર દેસાઈનો જન્મ અમદાવાદમાં. વતન અલીણા. માતાનું નામ વિજયાગૌરી અને પિતાનું નામ વૈકુંઠરાય. પિતા મુંબઈની હોમરૂલ લીગના આગેવાન અને દાદા અંબાલાલ સાકરલાલ દેસાઈ ન્યાયમૂર્તિ હતા. તેઓ ૧૯૧૮માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં સમગ્ર બોર્ડમાં સાતમા સ્થાને હતા. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ઇન્ટર આર્ટ્સ કરીને ઉચ્ચઅભ્યાસ માટે ૧૯૨૧માં અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ગયા. ત્યાં બી.એસસી. અને એમ.એસ.ની પદવી ‘એ’ ગ્રેડ સાથે મેળવી. તેમને ‘બીટા-ગૅમા-સિગ્મા’નું બહુમાન મળ્યું હતું. કોલંબિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી વિદ્યાર્થી હતા. તેઓ ગુજરાતમાં ડબલ ગ્રૅજ્યુએટ થનાર પ્રથમ હતા. ભારતમાં આવીને તેઓ ‘ઇન્ડિયન ઇકૉનૉમિક્સ’ સાપ્તાહિકમાં જોડાયા. પછી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને અર્થશાસ્ત્ર વિભાગના વડા બન્યા. તેમણે સિંધિયા સ્ટીમ નૅવિગેશન કંપનીમાં પણ કામ કર્યું. એ પછી તેઓ સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં જોડાયા. ૧૯૩૬માં તેઓ અમદાવાદની એચ.એલ.કૉલેજ ઑવ્ કૉમર્સમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ૧૯૪૪માં આચાર્ય બન્યા. તેમણે ગુજરાત યુનિવર્સિટીની સેનેટ સિંડિકેટ અને એકૅડેમિક કાઉન્સિલમાં સેવા આપી હતી. તેઓ ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પણ બન્યા હતા. ૧૯૪૨ની ‘ભારત છોડો’ લડત દરમિયાન દેશભક્તિના રંગે રંગાયા. તેમણે આજીવન ખાદીનાં વસ્ત્રો પહેરવાનો નિર્ણય કર્યો અને પાળ્યો પણ ખરો. તેઓ સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિક ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા. શિક્ષણક્ષેત્રે તેમણે કરેલાં કાર્યો આજે પણ સ્મરણીય બની રહ્યાં છે.
અનિલ રાવલ