Categories
વાચન સમૃદ્ધિ

રમાબાઈ રાનડે

જ. ૨૫ જાન્યુઆરી, ૧૮૬૩ અ. ૨૫ જાન્યુઆરી, ૧૯૨૪

૧૯મી સદીનાં પ્રથમ મહિલા અધિકાર કાર્યકર્તા અને સમાજસુધારક તરીકે જાણીતાં રમાબાઈ રાનડેનો જન્મ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના દેવરાષ્ટ્રે નામના ગામમાં થયો હતો. એ દિવસોમાં સ્ત્રીશિક્ષણ નિષેધ હોવાના કારણે તેમના પિતાએ તેમને અક્ષરજ્ઞાન આપેલું જ નહીં. ૧૮૭૩માં ૧૦ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને સમાજસુધારક એવા મહાદેવ ગોવિંદ રાનડે સાથે થયાં હતાં. પરિવારના વિરોધ વચ્ચે પણ રમાબાઈને તેમના પતિએ શિક્ષિત કરવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. પતિના મજબૂત સમર્થન અને દૂરંદેશિતાથી રમાબાઈએ પોતાનું સમગ્ર જીવન મહિલાઓની આત્મનિર્ભરતા માટે સમર્પિત કરી દીધું હતું. યુવા રમાબાઈને જસ્ટિસ રાનડેએ મરાઠી, અંગ્રેજી, ગણિત, ભૂગોળ અને ઇતિહાસ જેવા વિષયોનું વાંચન અને લેખન શીખવ્યું હતું. તેમણે રમાબાઈને વર્તમાનપત્રોના નિયમિત વાંચન દ્વારા સમસામયિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની પ્રેરણા આપી હતી. રમાબાઈનું મહત્ત્વનું સાહિત્યિક યોગદાન મરાઠીમાં લખાયેલી તેમની આત્મકથા ‘અમચ્યા આયુષતિલ આથવાણી’ છે. જેમાં તેમણે તેમના સાંસારિક જીવનનું વિગતે આલેખન કર્યું છે. તેમણે જસ્ટિસ રાનડેના ધર્મસંબંધિત વ્યાખ્યાનોનો એક સંગ્રહ પણ પ્રકાશિત કર્યો હતો. રમાબાઈએ નાશિક હાઈસ્કૂલમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી સાર્વજનિક કાર્યક્રમમાં પ્રથમ વ્યાખ્યાન આપ્યું હતું. મુંબઈમાં પ્રાર્થના સમાજની શાખામાં જોડાયાં બાદ તેમણે આર્ય મહિલા સમાજની શાખા પણ શરૂ કરી હતી. ૧૮૯૩થી ૧૯૦૧ દરમિયાન તેમની સામાજિક પ્રવૃત્તિઓ ચરમસીમા પર રહી હતી. ૧૯૦૧માં રમાબાઈ મુંબઈ છોડી પુણે સ્થાયી થયાં હતાં. પતિના મૃત્યુ પછીનું તેમનું શેષજીવન તેમણે મહિલાઓના શિક્ષણ અને અધિકાર માટે વિતાવ્યું હતું. પીડિત મહિલાઓના પુનર્વસન માટે તેમણે ‘સેવાસદન’ જેવી સામાજિક સંસ્થા સ્થાપી હતી.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી

જ. ૨૪ જાન્યુઆરી, ૧૮૮૨ અ. ૨૯ નવેમ્બર, ૧૯૫૨

ગુજરાતના ઇતિહાસકાર, વૈદકશાસ્ત્રમાં રસ ધરાવનાર અને ઐતિહાસિક સંશોધક દુર્ગાશંકરનો જન્મ પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં અમરેલી, ગુજરાતમાં થયો હતો. પિતાના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સાહિત્યના શિષ્ટ ગ્રંથોનો અભ્યાસ કરી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રમાણભૂત ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. તેઓએ મુંબઈમાં ઝંડુ ફાર્મસીમાં જીવનભર નોકરી કરી હતી. વૈદકશાસ્ત્રના તેમના તલસ્પર્શી અધ્યયનના ફળસ્વરૂપે તેઓએ ‘બાળકોના વૈદ્ય’ (૧૯૧૭), ‘માધવનિદાન’ (૧૯૧૮) અને ‘ઝંડુ ભટ્ટનું જીવનચરિત્ર’ (૧૯૧૯) પુસ્તકો લખ્યાં હતાં. દસ્તાવેજો અને ગ્રંથોના આધારે ‘વૈષ્ણવ ધર્મ અને ગુજરાત પર તેની અસર’ વિષય પર ‘ફાર્બસ સભા’ની સ્પર્ધા માટે નિબંધ લખ્યો હતો જે પુસ્તક રૂપે ૧૯૧૮માં પ્રગટ થયો. આ ગ્રંથમાં તેઓએ ધર્મના ઉદભવ, વિકાસ, વિસ્તાર અને વિશિષ્ટતાઓ અને તેની મર્યાદાઓનો ઉલ્લેખ કર્યો. આ પુસ્તક લખવાથી દુર્ગાપ્રસાદને ઇતિહાસકાર તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. ‘ગુજરાતનાં ધાર્મિક સ્થળો’ (૧૯૨૮), ‘ગુજરાતનાં મુખ્ય યાત્રાધામોનો ઉદભવ-વિકાસ’, ‘પ્રબંધચિંતામણિ’ ગ્રંથનું વિસ્તૃત નોંધ સાથે સંપાદન, ‘ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ’ જેવાં અભ્યાસપૂર્ણ અને સંશોધનાત્મક પુસ્તકો તેઓએ લખ્યાં છે. તેઓએ પુરાવા અને દસ્તાવેજોને આધારે ઇતિહાસ-લેખન કર્યું છે અને ઇતિહાસલેખનમાં શુદ્ધતાનો આગ્રહ રાખ્યો હતો.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

કમલનયન બજાજ

જ. ૨૩ જાન્યુઆરી, ૧૯૧૫ અ. ૧ મે, ૧૯૭૨

ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ, દાનવીર અને રાષ્ટ્રીય નેતા કમલનયન બજાજનો જન્મ વર્ધામાં ધનવાન કુટુંબમાં થયો હતો. પિતા જમનાલાલ બજાજ રાષ્ટ્રીય કૉંગ્રેસની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. કમલનયન બજાજે આચાર્ય વિનોબા ભાવેના વર્ધા આશ્રમમાં રહી શરૂઆતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. અહીં તેમનું પ્રારંભિક જીવન ચરખો ચલાવવો, દળવું, વણવું, રસોઈ, ખેતીકામ, સફાઈ વગેરેમાં વીત્યું. ૧૫ વર્ષની વયે ગાંધીજીની દાંડીકૂચમાં જોડાયા. તે પછી દારૂ અને પરદેશી માલ વેચતી દુકાનો પર પિકેટિંગ કર્યું અને જેલવાસ પણ ભોગવ્યો. વધુ શિક્ષણ માટે તેઓ પુણે ગયા. તે પછી થોડો સમય ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ ઇંગ્લૅન્ડ જઈને કેમ્બ્રિજમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ૧૯૪૨માં પિતાનું અચાનક અવસાન થયું અને તેઓ ભારતમાં જ સ્થાયી થયા. ગાંધીજીની ‘હિંદ છોડો’ લડત દરમિયાન તેમણે સત્યાગ્રહીઓ અને ભૂગર્ભ કાર્યકરોને મદદ કરવાનું શરૂ કર્યું. સાર્વજનિક કાર્યોને પ્રોત્સાહન આપવાના હેતુથી તેમણે ‘જમનાલાલ બજાજ સેવા ટ્રસ્ટ’ની સ્થાપના કરી. તેમણે બજાજ ગ્રૂપની પ્રવૃત્તિઓનો અભૂતપૂર્વ વિકાસ કર્યો. બજાજ ઑટો, બજાજ ટેમ્પો, બજાજ ઇલેક્ટ્રૉનિક્સ, કે. સી. ઇન્ડસ્ટ્રીઝ વગેરે કંપનીઓની સ્થાપના કરી જે તેમની દૂરદર્શિતાનું પ્રમાણ છે. તેઓ ખાદી અને દારૂબંધીના હિમાયતી હતા. તેઓ ૧૯૫૭થી ૧૯૭૦ સુધી વર્ધા મતદાર મંડળમાંથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. સંસદસભ્ય તરીકે તેઓ નાણાં, ઉદ્યોગ, શિક્ષણ અને વિદેશનીતિની બાબતોમાં ખૂબ સક્રિય હતા. ઉદ્યોગપતિ તરીકે તેમણે અનેક દેશોની મુલાકાત લીધી હતી. તેમને સાદગી, સમાજસેવા અને નૈતિકતા જેવા ગુણો વારસામાં મળ્યા હતા. તેઓ તેમની આવકનો મોટો ભાગ સામાજિક કાર્યોમાં ખર્ચતા. મુંબઈ યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બિઝનેસ મૅનેજમેન્ટ શરૂ કરવા અને બૅંગાલુરુમાં આંતરરાષ્ટ્રીય સર્વોદય કેન્દ્ર શરૂ કરવા માટે મોટું દાન આપ્યું હતું. કારોબાર, શિક્ષણ, સમાજસેવા, રાજનીતિ સહિત અનેક ક્ષેત્રોમાં પોતાની અમીટ છાપ છોડનાર કમલનયન બજાજનો ભારતના ઔદ્યોગિક વિકાસમાં બહુમૂલ્ય ફાળો છે.

શુભ્રા દેસાઈ