Categories
વાચન સમૃદ્ધિ

મલ્લિકાર્જુન મનસૂર

જ. ૩૧ ડિસેમ્બર, ૧૯૧૦ અ. ૧૨ સપ્ટેમ્બર, ૧૯૯૨

મૃત્યુંજય સ્વરયોગી અને સશ્રદ્ધ ગાનપરંપરામાંના ‘તાર ષડજ’ તરીકે ઓળખાતા હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મહાન ગાયક. ધારવાડના એક નાના ગામમાં પિતા ભીમરાયપ્પા અને માતા નીલમ્માને ત્યાં જન્મેલ મલ્લિકાર્જુન પોતાના વતન મનસૂરને કારણે ગામના નામથી જ ઓળખાતા હતા. કન્નડ ભાષા-સાહિત્યના જ્ઞાતા હોવા છતાં તેમને હિંદુસ્તાની સંગીત તરફ આકર્ષણ થતાં પ્રસિદ્ધ ગુરુ નીલકંઠબુવા અલૂરમઠ પાસેથી ગ્વાલિયર ઘરાનાની ગાયકીને આત્મસાત્ કરી અને પોતાની ગાયકીથી સંગીતશ્રોતાઓને સંમોહિત પણ કરતા હતા. પછીથી તેમણે હિંદુસ્તાની સંગીતના જયપુર ઘરાનાના પ્રખ્યાત ગાયક ઉસ્તાદ મંજીખા પાસેથી તાલીમ લેવાનું શરૂ કર્યું. ગુરુ-શિષ્યનો આ ઉત્કટ પ્રેમભર્યો સંબંધ જવલ્લે જ જોવા મળે એવો રહ્યો. અત્રૌલી-જયપુર તથા ગ્વાલિયર બંને ઘરાનાની ગાયકીનો સમન્વય મલ્લિકાર્જુનના ગાયનમાં થયો. તેઓ કઠિન રાગોને પણ સહજતાથી રજૂ કરતા અને શ્રોતાઓ આશ્ચર્યમુગ્ધ બની જાય તેવી તાનો તેઓના કંઠેથી સાંભળવા મળતી. ખયાલ ગાયક હોવા છતાં તેઓ ઠૂમરી, નાટ્યસંગીત, ભજન, કવન વગેરેના પણ જાણકાર હતા. એમની માતૃભાષા કન્નડની ‘વચન અને રગડે’ પ્રકારની ગદ્ય-પદ્ય સાહિત્યના મિશ્રણવાળી શૈલીને શુદ્ધ સંગીત શૈલીમાં ઢાળીને તેને લોકપ્રિય બનાવવાનું બહુમૂલ્ય કામ પણ તેમણે કર્યું હતું. કેટલોક સમય ‘હિઝ માસ્ટર્સ વૉઇસ’ કંપનીમાં મ્યુઝિક ડિરેક્ટર તરીકે પણ સેવાઓ આપી હતી. બિહાગ, તોડી, કાનડા અને મલ્હાર તેમના પ્રિય રાગો હતા. તેમને ‘સંગીતરત્ન’, ‘ગંધર્વરત્ન’, કાલિદાસ સન્માન જેવી માનભરી પદવીઓ ઉપરાંત ભારત સરકાર દ્વારા સંગીતક્ષેત્રે કરેલી ઉપકારક સેવાના ફલસ્વરૂપે ૧૯૭૦માં ‘પદ્મશ્રી’, ૧૯૭૬માં ‘પદ્મભૂષણ’ અને ૧૯૯૨માં ‘પદ્મવિભૂષણ’ જેવા માનખિતાબોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પોસ્ટલ ડિપાર્ટમેન્ટ તરફથી તેમના નામની ટપાલટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની ખયાલ ગાયકીના એક ઉત્કૃષ્ટ ગાયક તરીકે સંગીતપ્રેમીઓમાં તેઓ હંમેશાં યાદ રહેશે.

પ્રીતિ ચોકસી

Categories
વાચન સમૃદ્ધિ

શ્રી રમણ મહર્ષિ

જ. ૩૦ ડિસેમ્બર, ૧૮૭૯ અ. ૧૪ એપ્રિલ, ૧૯૫૦

અર્વાચીન ભારતના એક મહાન સંત રમણ મહર્ષિનું મૂળ નામ વેંકટરમણ અય્યર હતું. તેમનો જન્મ તિરુચુલી, તમિળનાડુમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ તેમણે પોતાના ગામમાં જ લીધું. ૧૮૯૨માં પિતાનું અવસાન થવાથી મોટા ભાઈ સાથે મદુરાઈમાં તેમના કાકાને ત્યાં રહી ભણવા લાગ્યા. અહીં સ્કૉટ મિડલ સ્કૂલમાં છઠ્ઠી અને સાતમી  કક્ષાનો અને પછી ત્યાંની અમેરિકન મિશન હાઈસ્કૂલમાં દસમા ધોરણનો અભ્યાસ કર્યો. કુશાગ્ર બુદ્ધિવાળા હોવાથી ગણિત અને તમિળમાં હોશિયારી અસાધારણ હતી. ૧૮૯૫માં નવેમ્બર માસમાં તિરુચ્ચુળિના એક વૃદ્ધ પુરુષ પાસેથી ‘અરુણાચળ’નું નામ સાંભળતાં તેમની નસોમાં વીજળી પ્રસરી ગઈ. વળી એક દિવસ ‘પેરિયપુરાણમ્’ નામનો ગ્રંથ વાંચ્યો અને ભક્તો માટે અસીમ શ્રદ્ધા અને પ્રેમ પેદા થયાં. ૧૮૯૬ના ઑગસ્ટ મહિનાથી દિલમાં ભક્તિનું જોર વધવા લાગ્યું. આમ સત્તર વર્ષની ઉંમરે જ આત્મતત્ત્વની અનુભૂતિ થઈ. છેવટે ૧૮૯૬માં વૈરાગ્ય પ્રબળ થતાં ૧લી સપ્ટેમ્બરે ગૃહત્યાગ કરી અરુણાચળ ઉપરના દેવમંદિરમાં પહોંચ્યા. દેહભાવ ચાલી ગયો અને પરમ શાંતિનો અનુભવ થતાં જાતે જ સંન્યાસ લઈ માથા પરથી વાળ ઉતરાવી, જનોઈ ઉતારી અને માત્ર લંગોટી જેટલું કપડું ફાડી બીજું વસ્ત્ર ફેંકી દીધું. ૧૮૯૭માં ‘ગુરુમૂર્તમ્’ રહેવા ગયા અને ‘બ્રાહ્મણસ્વામી’ તરીકે ઓળખાયા. એક વાર પલનિસ્વામી નામે એક ભાઈ આવ્યા અને પ્રભાવિત થતાં સેવક બની રહ્યા. ૧૮૯૯માં અરુણાચળના પહાડને જ રહેઠાણ બનાવ્યું. અહીં ગંભીરમ્ શેષય્યરે રાજયોગ અને જ્ઞાનયોગમાંથી પ્રશ્નોનું સમધાન માંગ્યું જે સ્વામીજીએ કાગળની કાપલીઓ પર આપ્યું અને તેનું સંકલન ‘આત્માનુસંધાન’ રૂપે પ્રકટ થયું. તેથી આ સ્વામીજીનું પ્રથમ પુસ્તક. ૧૯૦૩માં ગણપતિશાસ્ત્રીએ જાણ્યું કે સ્વામીજીને બાળપણમાં ‘રમણ’ કહી બોલાવતા તેથી તેમણે ‘શ્રીરમણપંચક’ની રચના કરી. તેમણે તમિળમાં ‘ઉળ્ળદુનાર્પદુ’ નામના ૭૦૦ શ્લોકો લખ્યા છે. તેમનાં ઉપદેશવચનો, વિચારસંગ્રહમ્, ‘હુ એમ આઇ’ જેવી કેટલીક રચના મળે છે. એમના ઉપદેશને અનુસરીને એમના અનુયાયીઓ દ્વારા
શ્રી રમણાશ્રમ કાર્યરત છે.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

શ્રીકાંત શાહ

જ. ૨૯ ડિસેમ્બર, ૧૯૩૬ અ. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૦

ગુજરાતી ભાષાના જાણીતા કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યલેખક શ્રીકાંત શાહનો જન્મ  જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે શ્રી વલ્લભદાસ અને શ્રીમતી વસંતબહેનના ઘેર થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ  તેમણે બાંટવામાં જ પૂર્ણ કર્યું હતું. ૧૯૫૯માં બી.એ. અને ૧૯૬૧માં એમ.એ.ની પદવી તેમણે બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાંથી પ્રાપ્ત કરી હતી. શ્રીકાંત શાહે તેમની વ્યાખ્યાતા તરીકેની કારકિર્દી ૧૯૬૨-૬૩માં એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદથી શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે ‘જનસત્તા’ના રોજગાર અધિકારી તરીકે જામનગરમાં અને ‘જનસત્તા’ દૈનિકના મૅનેજર તરીકે રાજકોટ અને જનરલ મૅનેજર તરીકે અમદાવાદમાં કાર્ય કર્યું હતું. અમદાવાદની વિવેકાનંદ કૉલેજમાંથી તેઓ વ્યાખ્યાતા તરીકે નિવૃત્ત થયા હતા. શ્રીકાંત શાહે ‘નિરંજન સરકાર’ એવું ઉપનામ રાખી લેખનકાર્ય શરૂ કર્યું હતું. ૧૯૬૨માં તેમનો કાવ્યસંગ્રહ ‘એક માણસનું નગર’ નામે પ્રગટ થયો હતો. ‘અસ્તી’ નામની એક અસ્તિત્વવાદી નવલકથા તેમણે ૧૯૬૬માં પ્રકાશિત કરી હતી. ‘અસ્તી’ એમની પ્રાયોગિક  નવલકથા છે. આ નવલકથામાં કોઈ કથાવસ્તુ નથી અને તે એક નામ વગરની વ્યક્તિની આસપાસ કેન્દ્રિત છે. જેને ‘તે’ કહેવાયો છે. ત્યારબાદ એક રહસ્ય નવલકથા ‘ત્રીજો માણસ’ પ્રકાશિત થઈ હતી. ‘તિરાડ અને બીજાં નાટકો, ‘નૅગેટિવ’, ‘કૅન્વાસ પરના ચહેરા’, ‘હું’ તેમજ ‘બિલોરી કાચના માણસો’, ‘એકાંતને અડોઅડ’, ‘વેનીશિયન બ્લાઇન્ડ’, ‘કારણ વિનાના લોકો’, ‘એકાંત નંબર ૮૦’ તેમનાં નાટકો છે. ૨૦૦૩માં તેમનો કાવ્યસંગ્રહ ‘એક માણસનું નગર’ શ્રી નિરંજન ભગત દ્વારા લખાયેલ પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ થયો હતો. નાટ્યલેખન ઉપરાંત તેમણે ચલચિત્ર, સાહિત્ય, મનોવિજ્ઞાન અને પ્રાચીન વસ્તુઓ જેવા વિવિધ વિષયો પર આશરે ૨૦૦ જેટલા સ્ફુટ લેખ અને ૫૦ જેટલી કવિતાઓ અને ત્રીસેક વાર્તાઓ લખેલ જે ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘અભિયાન, ‘પરબ’ અને ‘નવનીત સમર્પણ’માં પ્રસિદ્ધ થયાં હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તેમનાં નાટકો  પુરસ્કૃત પણ થયાં છે.

અશ્વિન આણદાણી