Categories
વાચન સમૃદ્ધિ

ચેતન આનંદ

જ. ૩ જાન્યુઆરી, ૧૯૨૧ અ. ૬ જુલાઈ, ૧૯૯૭

ભારતીય સિનેમાના પ્રસિદ્ધ નિર્માતા નિર્દેશક ચેતન આનંદનો જન્મ લાહોરમાં થયો હતો. તેમના પિતા પિશોરીલાલ આનંદ ઍડ્વોકેટ હતા. ગુરુકુલ કાંગરી વિશ્વવિદ્યાલયમાં તેઓ હિન્દુ શાસ્ત્રો ભણ્યા અને ગવર્નમેન્ટ કૉલેજ, લાહોરમાંથી અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા. તેઓ ભારતીય નૅશનલ કૉંગ્રેસના સભ્ય હતા. તેમણે થોડો વખત બી.બી.સી. સાથે કામ કર્યું અને પછી દૂન શાળામાં શિક્ષક તરીકે જોડાયા. ત્યારબાદ પોતે લખેલી વાર્તા બતાવવા તેઓ મુંબઈ આવી ગયા. ઇતિહાસ ભણાવતી વખતે તેમણે રાજા અશોક ઉપર ફિલ્મવાર્તા લખી હતી તે ફણી મજુમદારે બતાવી. પરંતુ ફણી મજુમદારે તેમને પોતાની ફિલ્મ રાજકુમારમાં મુખ્ય ભૂમિકામાં કામ કરવા ઑફર આપી. તેઓ ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન (ઇપ્ટા) સાથે પણ જોડાયા. ફિલ્મ ‘નીચા નગર’થી તેઓ દિગ્દર્શક બન્યા. ૧૯૫૦ના અરસામાં તેમણે નાના ભાઈ દેવ આનંદ સાથે મુંબઈમાં નવકેતન પ્રોડક્શનની સ્થાપના કરી. આ બૅનર હેઠળ ‘અફસર’, ‘ટૅક્સી ડ્રાઇવર’, ‘આંધિયાં’ જેવી ફિલ્મો બતાવવામાં આવી. દિગ્દર્શન સાથે તેમણે ‘હમસફર’, ‘અર્પણ’, ‘અંજલિ’, ‘કાલા બજાર’, ‘હિન્દુસ્તાન કી કસમ’ વગેરે ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. ત્યારબાદ તેમણે  ફોટોગ્રાફર જય મિસ્ત્રી, સંગીતકાર મદનમોહન, ગીતકાર કૈફી આઝમી અને પ્રિયા રાજવંશ સાથે પોતાની ‘હિમાલય ફિલ્મ્સ’ નામની નિર્માણ કંપની શરૂ કરી. આ બૅનર હેઠળ ‘હકીકત’, ‘હીરરાંઝા’, ‘હંસતે ઝખ્મ’ જેવી યાદગાર ફિલ્મો બનાવવામાં આવી. સુપરસ્ટાર રાજેશ ખન્નાને ઍક્ટિંગ હરીફાઈમાંથી શોધી લાવનાર પણ તેઓ જ હતા. ૧૭ ફિચર ફિલ્મો ઉપરાંત તેમણે લોકપ્રિય ટીવી સિરિયલ ‘પરમવીર ચક્ર’ પણ દિગ્દર્શિત કરી હતી. ૧૯૪૬માં તેમને ‘નીચા નગર’ ફિલ્મ માટે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘Palm d’Or’ ઍવૉર્ડ, ૧૯૬૫માં ‘હકીકત’ માટે નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ (સેકન્ડ બેસ્ટ ફિલ્મ ફિચર), ૧૯૮૨માં ‘કુદરત’ ફિલ્મ માટે ફિલ્મફેર બેસ્ટ સ્ટોરીનો ઍવૉર્ડ મળ્યો હતો.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

હરચંદસિંઘ લોંગોવાલ

જ. ૨ જાન્યુઆરી, ૧૯૩૨ અ. ૨૦ ઑગસ્ટ, ૧૯૮૫

પંજાબમાં ૧૯૮૦ના દાયકામાં બળવા દરમિયાન અકાલી દળના પ્રમુખ તરીકે જાણીતા હરચંદસિંઘ લોંગોવાલનો જન્મ પટિયાલા રજવાડામાં આવેલા ગીદરિયાની ગામે થયો હતો. તેમણે સંત જોધસિંઘના આશ્રયમાં રહીને શીખ ધર્મગ્રંથો અને શીખ સંગીતનો અભ્યાસ કર્યો હતો. એકવીસ વર્ષની ઉંમરે તેમણે ગુરુદ્વારામાં ગ્રંથ-વાચક અને કસ્ટોડિયન તરીકે સેવા આપી હતી. લોંગોવાલ ગામમાં તેમણે અઢારમી સદીના પ્રખ્યાત વિદ્વાન અને શહીદ ભાઈ મણિસિંઘની યાદમાં ગુરુદ્વારા ઊભું કર્યું હતું. ૧૯૬૨માં તેમને દમદમા સાહિબ (તલવંડી સાબો) ખાતેના ઐતિહાસિક મંદિરના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાથી તેઓ ‘સંતજી’ તરીકે ઓળખાતા હતા. હરચંદસિંઘ લોંગોવાલનું રાજકીય જીવન ૧૯૬૪માં શરૂ થયું હતું. જ્યારે તેમણે હાલના હિમાચલ પ્રદેશ રાજ્યમાં પાઓંટા સાહિબના ઐતિહાસિક સ્થળ પર શીખ અધિકારો માટે યોજાયેલા પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. ૧૯૬૫માં લોંગોવાલ સંગરૂર જિલ્લામાં અકાલી સંગઠનના પ્રમુખ બન્યા અને શિરોમણિ અકાલી દળની કારોબારી સમિતિના સભ્ય બન્યા હતા. ૧૯૬૯માં તેઓ પંજાબ વિધાનસભામાં અકાલી ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. ૧૯૮૦માં અકાલી દળના અધ્યક્ષ તરીકેની ભૂમિકા દરમિયાન હરચંદસિંઘે પંજાબના શીખોની લાંબા સમયથી ચાલતી ફરિયાદો અંગે કેન્દ્ર સરકાર પાસેથી છૂટ મેળવવા માટે નાગરિક અસહકારની મોટા પાયે ઝુંબેશ શરૂ કરી હતી. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે તેમણે ખૂબ જ વાટાઘાટો કરી હતી. આ વાટાઘાટો નિષ્ફળ જવાથી લોકોના વિશ્વાસને ઠેસ પહોંચી હતી. જેનાથી ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓના હાથ મજબૂત થયા હતા. હરચંદસિંઘ લોંગોવાલે ૨૪ જુલાઈ, ૧૯૮૫ના રોજ રાજીવ ગાંધી સાથે પંજાબ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, જેને રાજીવ-લોંગોવાલ ઍકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. સરકારે અકાલી દળની મોટા ભાગની માંગણીઓ સ્વીકારી લીધી હતી. કરાર પર હસ્તાક્ષર કર્યાના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં લોંગોવાલની હત્યા થવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

સત્યેન્દ્રનાથ બોઝ

જ. ૧ જાન્યુઆરી, ૧૮૯૪ અ. ૪ ફેબ્રુઆરી, ૧૯૭૪

ભૌતિકશાસ્ત્રના જગવિખ્યાત વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ ૧૯૧૩માં કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એસસી., ૧૯૧૫માં પ્રથમ વર્ગમાં એમ.એસસી. થયા. ૧૯૧૬માં એ જ યુનિવર્સિટીમાં લેક્ચરર નિમાયા.  ભૌતિકવિજ્ઞાનના પ્રશ્નોમાં ગણિતનો ઉપયોગ કરી સંશોધન કરવામાં તેમને ભારે રસ હતો. ૧૯૨૦માં એમણે પ્રો. મેઘનાદ સહાના સહયોગમાં આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના પુસ્તકનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. ૧૯૨૧માં તેઓ ઢાકા યુનિવર્સિટીમાં રીડર તરીકે નિમાયા. અહીં તેમણે નવી સંશોધનપ્રવૃત્તિ શરૂ કરી. મૅક્સ પ્લૅન્કના જાણીતા ‘પ્લૅન્ક નિયમ’ની મૌલિક સાબિતી આપતો એક નિબંધ લખી આઇન્સ્ટાઇનની મદદથી ભૌતિકવિજ્ઞાનના અગ્રિમ માસિકમાં છપાવ્યો. ૧૯૨૪-૨૫માં માદામ ક્યૂરી સાથે કામ કર્યું અને ૧૯૨૫-૨૬માં બર્લિનમાં તેઓ આઇન્સ્ટાઇન ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયા. અહીં આઇન્સ્ટાઇન સાથે કામ કરી ‘બોઝ-આઇન્સ્ટાઇન’ નામનો પ્રાથમિક કણોના કેટલાક ગુણધર્મો બતાવતો નૂતન સિદ્ધાંત પ્રસિદ્ધ કર્યો. ૧૯૫૬થી ૫૮ સુધી વિશ્વભારતી યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરપદે રહ્યા. તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના અને ૧૯૫૮માં રૉયલ સોસાયટી-લંડનના પણ ફેલો હતા. ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના તથા નૅશનલ ફિઝિકલ લૅબોરેટરીના તેઓ લાંબા સમય સુધી અધ્યક્ષ હતા. રાજ્યસભામાં પણ તેમની નિયુક્તિ થઈ હતી. આ ઉપરાંત ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના તેઓ બે વખત પ્રમુખ બન્યા હતા. તેઓ માનતા કે વિજ્ઞાન માતૃભાષા દ્વારા શીખવવું જોઈએ. આથી ૧૯૪૮માં ‘બંગીય વિજ્ઞાન પરિષદ’ નામની સંસ્થા સ્થાપી. ‘જ્ઞાન-ઓ-વિજ્ઞાન’ નામનું બંગાળી જર્નલ પ્રકાશિત કરી ઘણા લેખો લખેલા. તેમની સ્મૃતિમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે પ્રશંસાત્મક કાર્ય કરનારને પ્રતિવર્ષ ‘સત્યેન્દ્રનાથ બોઝ સ્મારક પુરસ્કાર’ આપવામાં આવે છે. ભારતની અનેક યુનિવર્સિટીઓએ તેમને માનાર્હ ડૉક્ટરની પદવી આપી હતી. ૧૯૫૮માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી સન્માન્યા હતા.

રાજશ્રી મહાદેવિયા