Categories
વાચન સમૃદ્ધિ

બરકત વિરાણી ‘બેફામ’

જ. ૨૫ નવેમ્બર, ૧૯૨૩ અ. ૨ જાન્યુઆરી, ૧૯૯૪

‘બેફામ’ ઉપનામથી જાણીતા બરકત વિરાણીનું પૂરું નામ બરકતઅલી ગુલામહુસેન વિરાણી છે. તેઓ તેમની ગઝલ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ધાંધળી ગામે થયો હતો. બાળપણથી જ તેમને સાહિત્યમાં ઊંડો રસ હોવાથી ૧૪ વર્ષની વયે તેમણે ગઝલ લખી હતી. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગર મુકામે થયું હતું. ૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાવા માટે તેમણે મૅટ્રિકનો અભ્યાસ પડતો મૂક્યો હતો. બરકત વિરાણીને કવિતા અંગેની સમજ કિસ્મત કુરેશીએ આપી હતી. ‘શયદા’ના સૂચનથી તેઓ ૧૯૪૫માં મુંબઈ ગયા હતા. ત્યાં તેઓ ‘મરીઝ’ને મળ્યા અને પછીથી આકાશવાણી કેન્દ્ર, મુંબઈમાં જોડાયા હતા. ૧૯૫૨માં તેમનાં લગ્ન ‘શયદા’ની જ્યેષ્ઠ પુત્રી રુકૈયા સાથે થયાં હતાં.

આકાશવાણીની સાથોસાથ ‘બેફામ’ ગુજરાતી સિનેમા સાથે પણ જોડાયેલા હતા. તેમણે ગુજરાતી ચલચિત્ર ‘મંગળફેરા’(૧૯૪૯)માં અભિનય કર્યો હતો. તેમણે ‘અખંડ સૌભાગ્યવતી’ (૧૯૬૩), ‘કુળવધૂ’ (૧૯૯૭), ‘જાલમ સંગ જાડેજા’ અને ‘સ્નેહબંધન’ જેવાં ગુજરાતી ચલચિત્રોનાં ગીતો પણ લખ્યાં હતાં. બરકત વિરાણીએ ‘માનસર’ (૧૯૬૦), ‘ઘટા’ (૧૯૭૦), ‘પ્યાસ’ અને ‘પરબ’ નામે ગઝલસંગ્રહો તેમજ ‘આગ અને અજવાળાં’ (૧૯૫૬) અને ‘જીવતા સૂર’ નામે વાર્તાસંગ્રહો લખ્યા હતા. ‘રસસુગંધ’ ભાગ ૧-૨ (૧૯૬૬) નામની એક નવલકથા પણ તેમણે લખી હતી. આ સિવાય તેમણે નાટકો અને રેડિયોનાટકો પણ લખ્યાં હતાં.

‘નયનને બંધ રાખીને’ જેવી તેમની ગઝલ ખૂબ જ લોકપ્રિય બની છે. ‘બેફામ’ની ગઝલોમાં મૃત્યુનું સંવેદન પણ વિશેષપણે ધબકતું જોવા મળે છે :

‘બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું,

નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.’

આવા સમર્થ ગઝલકાર ‘બેફામ’નું ૭૦ વર્ષની વયે મુંબઈ ખાતે અવસાન થયું હતું.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

મહિપાલ ચંદ્ર ભંડારી

જ. ૨૪ નવેમ્બર, ૧૯૧૯ અ. ૧૫ મે, ૨૦૦૫

ભારતીય ચલચિત્રોના જાણીતા અદાકાર અને રાજસ્થાની ફિલ્મના પ્રથમ અભિનેતા. તેમનો જન્મ જોધપુર, રાજસ્થાનમાં થયેલો, જ્યાં તેમણે શાળાકીય શિક્ષણ મેળવી જસવંત ગવર્નમેન્ટ કૉલેજ, જોધપુરમાંથી સાહિત્યના વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી. નાનપણથી જ અભિનય પ્રત્યેની રુચિને લીધે બાળકલાકાર તરીકે કામ કરી ૧૯૪૦ના દસકામાં મુંબઈ આવ્યા. ૧૯૪૨ ‘નઝરાના’ ફિલ્મથી પદાર્પણ કર્યું, પણ તેમાં ઝાઝી સફળતા ન મળી. વી. શાંતારામની ફિલ્મો માટે ગીતો લખવાનું શરૂ કર્યું. તેમણે સોહરાબ મોદી જેવા નિર્દેશક તથા વાડિયા બ્રધર્સની સાથે પણ કામ કર્યું હતું. બોલિવુડમાં તેમણે ‘પારસમણિ’, ‘ઝલક’, ‘કોબ્રાગર્લ’, ‘જંતર મંતર’ જેવી ફિલ્મોમાં સ્ટંટમૅન તરીકે પણ કામ કર્યું હતું. તેમની અભિનીત ‘અલીબાબા ઔર ચાલીસ ચોર’ (૧૯૫૪), ‘જેની’ (૧૯૫૩), ‘અલાદીન ઔર જાદુઈ ચિરાગ’ (૧૯૫૨) અને ‘અલીબાબા કા બેટા’ (૧૯૫૫) જેવી ફિલ્મોથી ખાડીના દેશોમાં પણ ઘણી લોકપ્રિયતા મેળવી. આ ઉપરાંત પૌરાણિક કથા પર આધારિત ‘ગણેશ મહિમા’ અને ‘વીર ભીમસેન’ તથા ભાગવત પુરાણ, રામાયણ અને મહાભારતમાં આવતા ભગવાન વિષ્ણુ, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણનાં પ્રતીકાત્મક ચરિત્રો ભજવી ઘણી લોકચાહના મેળવી. વી. શાંતારામની ફિલ્મ ‘નવરંગ’(૧૯૫૯)માં મુખ્ય ભૂમિકા ભજવી અને બાબુભાઈ મિસ્ત્રીની ‘પારસમણિ’(૧૯૬૩)માં પણ ભૂમિકા ભજવી. તેમની ફિલ્મો સંગીત, શાસ્ત્રીય નૃત્ય અને યાદગાર ગીતો માટે જાણીતી બની. તેમણે પુરાણી હિંદી ફિલ્મોની પરંપરા તોડી જેમાં કેવળ મહિલાઓ જ નૃત્ય કરતી દર્શાવાતી. તેઓ પણ સારું નૃત્ય કરી જાણતા હતા.

તેમની ફિલ્મ ‘જય સંતોષીમા’(૧૯૭૫)એ બોલિવુડ બૉક્સ ઑફિસનો રેકૉર્ડ તોડ્યો હતો.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

વાલચંદ હીરાચંદ દોશી

જ. ૨૩ નવેમ્બર, ૧૮૮૨ અ. ૮ એપ્રિલ, ૧૯૫૩

આર્થિક સ્વતંત્રતા એ રાજકીય કે સામાજિક સ્વતંત્રતાના પાયારૂપ છે, આ સિદ્ધાંત ખાતર જેઓ આખી જિંદગી લડતા રહ્યા એવા દેશભક્ત ઉદ્યોગપતિ વાલચંદ દોશીનો જન્મ સોલાપુરમાં થયો હતો. પિતા હીરાચંદ રૂના વેપારી તથા ધીરધારનો ધંધો કરતા હતા. વાલચંદભાઈએ ઔરંગાબાદ, સોલાપુર, મુંબઈ તેમજ પુણે ખાતે અભ્યાસ કર્યો હતો. પિતાની તબિયત અસ્વસ્થ રહેવાથી બી.એ.ની અંતિમ પરીક્ષા આપ્યા વગર કૌટુંબિક ધંધામાં જોડાઈ ગયા. તેઓ બધી જ્ઞાતિઓની વ્યક્તિઓ સાથે ભળતા, ખાતાપીતા અને અસ્પૃશ્યતાના સખત વિરોધી હતા. તે પોતે ઓછું ખર્ચાળ અને સાદું જીવન જીવતા હતા અને ખાદી જ પહેરતા. ભારતે જ સ્વનિર્ભર થઈ, પોતાના ઉદ્યોગો વિકસાવી, ઉત્પાદન વધારવું જરૂરી છે જેથી કરીને લોકોને બ્રિટિશ વસ્તુઓ ખરીદવાની ફરજ ન પડે – એવા દાદાભાઈ નવરોજીએ કરેલા સંવેદનશીલ ભાષણે યુવાન વાલચંદ ઉપર ખૂબ પ્રભાવ પાડ્યો અને તેમણે ભારતમાં જ વિવિધ ઉદ્યોગો સ્થાપી, બ્રિટિશ ઉદ્યોગોની હરીફાઈ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો.

તેમણે વિશાખાપટ્ટનમ્ ખાતે જહાજઉદ્યોગ, બૅંગાલુરુ ખાતે ઍરોપ્લેન બનાવવાનું કારખાનું તથા મુંબઈમાં કુર્લા ખાતે મોટરઉદ્યોગ સ્થાપીને ભારતના ઉદ્યોગવિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. તેઓ ખાંડઉદ્યોગ અને બાંધકામઉદ્યોગ સાથે પણ સંકળાયેલા હતા. તેઓ સાહસિક ઉદ્યોગપતિ તરીકે અગ્રેસર હતા. અંગ્રેજ સરકારની નીતિઓનો જબરો પ્રતિકાર કરતા. ભારત કંઈ પણ હાંસલ કરવાને શક્તિમાન છે તેમ તે ખાતરીપૂર્વક માનતા. તેઓ આંતરરાષ્ટ્રીય વેપારની આંટીઘૂંટીઓને પણ સારી રીતે સમજતા હતા. ભારતમાં તે સમયે એક પણ શિપયાર્ડ ન હોવાને કારણે, તેમણે વિશાખાપટ્ટનમ્ ખાતે જહાજઉદ્યોગ સ્થાપ્યો. મરીન એન્જિનિયરિંગ અને વાયરલેસ કૉમ્યુનિકેશન અને તેવી અન્ય વિદ્યાઓ ભારતવાસીઓએ હસ્તગત કરવી જોઈએ તેવો આગ્રહ પણ તેમણે રાખ્યો હતો. તેમની રચનાત્મક તેમજ સંશોધક કલ્પનાશક્તિએ નૂતન ભારતનો પાયો મજબૂત બનાવવામાં મદદ કરી છે.

અમલા પરીખ