Categories
વાચન સમૃદ્ધિ

જયકૃષ્ણ રાજગુરુ મહાપાત્ર

જ. ૨૯ ઑક્ટોબર, ૧૭૩૯ અ. ૬ ડિસેમ્બર, ૧૮૦૬

ઓડિશા રાજ્યમાં જન્મેલા જયકૃષ્ણ ભારતીય સ્વતંત્રતાઆંદોલનની એક મુખ્ય વ્યક્તિ અને અંગ્રેજો વિરુદ્ધ સંગ્રામમાં ભારતના સૌપ્રથમ શહીદ હતા. ખુર્દા રાજ્યના દરબારમાં તેઓ રાજા ગજપતિ મુકુંદદેવ દ્વિતીયના કમાન્ડર-ઇન-ચીફ, શાહી પૂજારી તથા વહીવટદાર હતા. તેઓએ પોતાનું જીવન રાજ્યની સેવામાં જ વ્યતીત કરેલું અને આજીવન લગ્ન કર્યાં ન હતાં. ૧૭૭૯ની સાલમાં ખુર્દા રાજ્ય અને જાનૂજી ભોસલે વચ્ચે યુદ્ધ થયું. તે સમયે સેનાના નાયક નરસિંહ રાજગુરુ હતા. તેઓ યુદ્ધમાં માર્યા ગયા એટલે જય રાજગુરુને પ્રશાસનના અને ખુર્દાની સેનાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. આમ પિતાની જવાબદારી પુત્રએ લીધી.

સૌપ્રથમ ઘૂસણખોરોની સામે વિદ્રોહ કરવાનો સમય આવ્યો. કમજોર પ્રશાસનનો ફાયદો ઉઠાવાતાં ખુર્દાના લોકો પર બર્ગિયોના હુમલા વધવા માંડ્યા. આ પરિસ્થિતિ જયકૃષ્ણ માટે અસહ્ય હતી. તેઓએ સૈનિકોની શક્તિને વ્યક્તિગત રીતે પ્રોત્સાહન આપ્યું. ગામના યુવાનોને પણ સંગઠિત કરી યુદ્ધની તાલીમ આપી. હથિયાર અને તોપગોળા (બારૂત) બનાવતાં શિખવાડ્યાં. આમ ઘૂસણખોરોની સામે લડવા માટેની યોજના બનાવી. ૧૭૫૭માં મુખ્ય સમસ્યા શરૂ થઈ. અંગ્રેજોએ પ્લાસીની લડાઈ જીતીને ઓડિશાના બંગાળ, બિહાર અને મેદિનાપુર પ્રાંતો કબજે કરી લીધા. ૧૭૬૫માં તેઓએ હૈદરાબાદના નિઝામ તથા પારસીઓ પાસેથી આંધ્રપ્રદેશના એક વિશાળ ક્ષેત્ર પર કબજો કરી લીધો. તેમણે ખુર્દામાં એક કિલ્લો બનાવ્યો. ગંજમ અને મેદિનાપુરની વચ્ચે પરિવહન માટે રસ્તો પણ બનાવ્યો. ૧૭૯૮માં ખુર્દા પર હુમલો કર્યો, પણ જયકૃષ્ણે તેમને સફળ થવા ન દીધો. જયકૃષ્ણએ અંગ્રેજોને આપણા દેશમાંથી પાછા ધકેલવાના ઇરાદાથી સેનાને વ્યવસ્થિત કરી અને હિંમતથી બધાં પરગણાં પર કબજો કર્યો. છેવટે અંગ્રેજો અને ખુર્દાની સેના વચ્ચે ઐતિહાસિક યુદ્ધ શરૂ થયું. લડાઈ લાંબી ચાલી અને જયકૃષ્ણને ગિરફતાર કર્યા, બારાબતી કિલ્લામાં લઈ ગયા. તેમના પર કેસ ચલાવ્યો અને છેવટે ફાંસી આપી. એવું મનાય છે કે ઇતિહાસમાં અંગ્રેજોની વિરુદ્ધ ભારતની તેઓ પહેલી વ્યક્તિ હતા જેને મૃત્યુદંડ આપવામાં આવેલો.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

મનુભાઈ જોધાણી

જ. ૨૮ ઑક્ટોબર, ૧૯૦૨ અ. ૨૯ ડિસેમ્બર, ૧૯૭૯

શૌર્ય અને સાહસપ્રધાન પુસ્તકોના લેખક અને સંપાદક તરીકે જાણીતા મનુભાઈ લલ્લુભાઈ જોધાણીએ પ્રાથમિક શિક્ષણ બરવાળાની પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શિક્ષણ લીંબડીની સર જસવંતસિંહ હાઈસ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું હતું. તેમણે મૅટ્રિક સુધી અભ્યાસ કરીને બરવાળાની અંગ્રેજી શાળામાં શિક્ષકની નોકરી સ્વીકારી, અનેકવિધ પ્રવૃત્તિઓ આરંભી પિતાના ધંધામાં પણ ઝંપલાવ્યું હતું. ૧૯૩૦માં ગાંધીજીની મીઠાના સત્યાગ્રહની હાકલ પડતાં મનુભાઈ જોધાણીએ શાળામાંથી રાજીનામું આપી રાણપુરવાળા અમૃતલાલ શેઠની રાહબરી હેઠળ ચળવળની પ્રવૃત્તિ શરૂ કરી હતી. તેમણે જાહેરસભામાં આપેલું ભાષણ ઝવેરચંદ મેઘાણીને નામે ચડી જવાથી મેઘાણીની અને પાછળથી તેમની પણ ધરપકડ થઈ હતી. આ જેલનિવાસના ફળ રૂપે ‘જનપદ’ (૧૯૩૨) અને ‘સોરઠી શૂરવીરો’ (૧૯૩૨) પુસ્તકો મળ્યાં છે. જેલમાંથી છૂટ્યા બાદ અમદાવાદમાં તેઓ સ્થિર થયા હતા અને ૧૯૩૨થી જીવણલાલ અમરસી મહેતાએ ‘સ્ત્રીબોધ’ નામનું સામયિક પૂતળીબાઈ કાબરાજી પાસેથી લીધેલું તેના સંપાદનકાર્યમાં તેઓ જોડાયા હતા. સાત-આઠ વર્ષ ‘સ્ત્રીબોધ’નું સંપાદન કર્યા બાદ એ સામયિક બંધ પડતાં મિત્રોની મબલક હૂંફ અને નજીવી મૂડી સાથે એમણે  ‘સ્ત્રીજીવન’ નામનું સામયિક ૧૯૩૯માં શરૂ કર્યું હતું અને કપરા સંજોગોમાં પણ જીવનના અંત સુધી પોતાની આગવી સૂઝ પ્રમાણે એનું સંપાદન કર્યું હતું.

સમકાલીન સાહિત્યકારો સાથે સાહિત્યની ગોષ્ઠી અને વિચારોની આપ-લેમાં ‘ચા-ઘર’ જેવું મંડળ અસ્તિત્વમાં આવ્યું હતું અને એના ફળ રૂપે ‘ચા-ઘર’ ભાગ ૧-૨ જેવાં પુસ્તકો અને એમના ડાયરાની વાતો ‘ચા-ઘર’ ડાયરી સ્વરૂપે મનુભાઈ પાસેથી પ્રાપ્ત થયાં. ઝવેરચંદ મેઘાણી પછી લોકસાહિત્યના સંશોધન-સંપાદનકાર્યમાં મનુભાઈ જોધાણીનું કાર્ય નોંધનીય છે. તેમણે અનેક લોકભોગ્ય શ્રેણીઓ આપી છે. ‘સુંદરીઓનો શણગાર ભાગ ૧-૨ તેમજ ‘રાંદલનાં ગીતો એ નારી-ઉપયોગી પુસ્તિકાઓ છે. ‘સોરઠી જવાહર, ‘ખાટીમીઠી બાળવાતો, ‘સોરઠી વિભૂતિઓ’, ‘આકાશી ચાંચિયો’, ‘કાળિયાર અને બીજી પ્રાણીકથાઓ’, ‘કુમારોની પ્રવાસકથા’ વગેરે તેમનું કિશોરોને ગમે તેવું સાહિત્ય છે. આ ઉપરાંત ‘આંગણાનાં પંખી’ ભાગ ૧-૨, ‘પાદરનાં પંખી’ ભાગ ૧-૨, ‘વનવગડાનાં પંખી’ ભાગ ૧-૨, ‘પાદરની વનસ્પતિ’, ‘આંગણાની વનસ્પતિ’, ‘પેટે ચાલનારાં પ્રાણીઓ’ જેવું સર્વભોગ્ય સાહિત્ય તેમણે સરળ ભાષામાં આપ્યું છે. આ સિવાય ન્હાનાલાલ, મેઘાણી, ર. વ. દેસાઈ, ધૂમકેતુ જેવા અનેક સાહિત્યકારો વિશે સ્મૃતિઅંકો પ્રગટ કર્યા. ગુજરાત લોકસાહિત્ય સમિતિના અધ્યક્ષ બન્યા બાદ આશરે ૪૫ જેટલાં પુસ્તકો એમણે પ્રગટ કરાવ્યાં હતાં. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પાલડી વિસ્તારમાં ‘શ્રી મનુભાઈ જોધાણી માર્ગ’નું નામાભિધાન કરી તેમનું સન્માન કર્યું છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

વૈકુંઠભાઈ મહેતા

જ. ૨૬ ઑક્ટોબર, ૧૮૯૧ અ. ૨૮ ઑક્ટોબર, ૧૯૬૪

ભારતમાં સહકારી પ્રવૃત્તિના પ્રણેતા વૈકુંઠભાઈનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમના પિતા સર લલ્લુભાઈ શામળદાસ અને માતા સત્યવતીબહેન (શ્રી ભોળાનાથ સારાભાઈનાં પૌત્રી). ૧૯૦૭માં મુંબઈમાં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. ૧૯૧૦માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી તેઓ ગણિતના વિષય સાથે બી.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. તેઓ અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતા. મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં પ્રથમ આવવા બદલ તેમને ‘એલિસ પ્રાઇઝ’ મળ્યું હતું. આ ઉપરાંત તેમને અનેક સ્કૉલરશિપ તથા ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા. તેમણે ૧૯૧૩થી ૧૯૪૬ સુધી બૉમ્બે સેન્ટ્રલ બૅન્કમાં મૅનેજર અને મૅનેજિંગ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી. બૉમ્બે સ્ટેટ કો-ઑપરેટિવ યુનિયનના ચૅરમૅન તરીકે ૧૯૫૩થી ૧૯૬૦ સુધી કાર્યરત હતા. ૧૯૪૬થી ૧૯૫૨ દરમિયાન મુંબઈ સરકારના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી  શ્રી બી. જી. ખેરે તેમને નાણાપ્રધાન અને સહકારમંત્રી બનાવ્યા. તેમણે પહેલી વાર વેચાણવેરો દાખલ કર્યો. તેમણે કેન્દ્ર અને પ્રાદેશિક સરકાર વચ્ચે સાધનસામગ્રીની તેમજ આવકની વહેંચણી કરતા ફાઇનાન્સ કમિશનની મહત્ત્વની કામગીરી બજાવી. ૧૯૫૩માં ભારત સરકારે સ્થાપેલા ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના તેઓ અધ્યક્ષપદે નિમાયેલા.

વૈકુંઠભાઈએ અનેક સહકારી પરિષદોનું પ્રમુખસ્થાન શોભાવ્યું હતું. દેશમાં બેરોજગારી નાબૂદી માટે, દલિતો અને દરિદ્રનારાયણોની સેવા તેમજ સહકારી પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય હતા. તેમણે લખેલા કેટલાક ગ્રંથોમાં ‘ધ કો-ઑપરેટિવ મૂવમેન્ટ’, ‘ધ કો-ઑપરેટિવ મૂવમેન્ટ ઇન ન્યૂ ઇન્ડિયા’, ‘સ્ટડીઝ ઇન કો-ઑપરેટિવ ફાઇનાન્સ’, ‘પ્લાનિંગ ફોર કો-ઑપરેટિવ મૂવમેન્ટ’, ‘કો-ઑપરેટિવ ફાર્મિંગ’, ‘ટોવર્ડ્ઝ કો-ઑપરેટિવ કોમનવેલ્થ : ઍગ્રિકલ્ચરલ  ફાઇનાન્સ ઇન ઇન્ડિયા’, ‘ટોવર્ડ્ઝ ડિસેન્ટ્રલાઇઝ્ડ ઇકૉનૉમી’ (ખાદી કમિશન) વગેરે મહત્ત્વના છે.

સહકારી ક્ષેત્રે સુદીર્ઘ સેવાઓ આપનાર વૈકુંઠભાઈને ગાંધીજી માટે ખૂબ પ્રેમ અને માન હતું. જોકે તેઓ કૉંગ્રેસમાં કદી જોડાયા નહીં. તેઓ તેમની કાર્યનિષ્ઠા, સાદગી, નમ્રતા તથા ત્યાગવૃત્તિ માટે જાણીતા હતા. હાડકાંના માળા જેવું શરીર ધરાવતા વૈકુંઠભાઈ દૃઢ મનોબળ ધરાવતા હતા.

તેમની સેવાઓની કદર રૂપે ભારત સરકારે ૧૯૫૪માં તેમને ‘પદ્મભૂષણ’થી સન્માન્યા હતા. ૧૯૧૬માં બ્રિટિશ સરકારે વૈકુંઠભાઈને ‘કૈસરે હિન્દ’ રજતચંદ્રક અને સુવર્ણચંદ્રક અર્પણ કર્યા હતા, પરંતુ વિદેશી સરકારની દમનનીતિના વિરોધમાં તેમણે આ બંને ચંદ્રક બ્રિટિશ સરકારને પરત કર્યા હતા.

શુભ્રા દેસાઈ