Categories
વાચન સમૃદ્ધિ

દુર્ગા ભાગવત

જ. ૧૦ ફેબ્રુઆરી, ૧૯૧૦ અ. ૭ મે, ૨૦૦૨

મરાઠી ભાષાનાં જાણીતાં લેખિકા અને લોકસાહિત્યનાં અભ્યાસી દુર્ગા નારાયણ ભાગવતનો જન્મ ઇંદોરમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં અને માધ્યમિક શિક્ષણ નાશિક, પુણેમાં લીધું અને ઉચ્ચશિક્ષણ મુંબઈમાં લીધું. ૧૯૩૨માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. ૧૯૩૫માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૩૯માં તેમનો મહાનિબંધ પ્રકાશિત થયો. ત્યાર બાદ તેઓએ ગાંધીજીથી પ્રભાવિત થઈ સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેવા માંડ્યો અને અભ્યાસ છોડી દીધો. ૧૯૭૬માં કરાડ ખાતે આયોજિત ૫૧મા મરાઠી સાહિત્ય સંમેલનનાં અધ્યક્ષ તરીકે તેમની વરણી થઈ. તેમનાં લખાણોમાં સર્જનાત્મક કલ્પનાશીલતા જોવા મળે છે. તેમણે શરૂઆતમાં અંગ્રેજીમાં કેટલાંક લખાણો લખ્યાં હતાં. તેમના ઉત્તમ સર્જનમાં ‘ઋતુચક્ર’ (૧૯૪૮), ‘ભાવમુદ્રા’ (૧૯૬૦), ‘વ્યાસપર્વ’ (૧૯૬૨), ‘રૂપરંગ’ (૧૯૬૭) તથા ‘પૈસ’(૧૯૭૦)નો સમાવેશ થાય છે. ‘કેતકરી કાદંબરી’ અને ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ તેમનાં સાહિત્યિક તત્ત્વવિષયક વ્યાખ્યાનો છે. તેમણે જુદા જુદા પ્રદેશોની લોકકથાઓ અતિ સરળ અને સુગમ શૈલીમાં લખી છે. તેઓએ નિબંધલેખનમાં પણ સારું કામ કર્યું છે. તેમનાં લખાણોમાં વિષયવૈવિધ્ય, ઊર્મિસભરતા તથા માનવમનની ઇચ્છાઓ વિશે જાણવા મળે છે. તેમનું ‘ઋતુચક્ર’ મરાઠી ભાષાનાં ઉત્તમ પુસ્તકોમાં સ્થાન ધરાવે છે. તેમાં પ્રકૃતિના બદલાવો વિશે લખવામાં આવ્યું છે. તેમાં ભારતની બધી મોસમો અને તેની ખાસિયત વિશેનું નિરૂપણ છે.  તેમનું ‘ધર્મ આણિ લોકસાહિત્ય’ (૧૯૭૫) પુસ્તક પણ ખૂબ જાણીતું થયું છે. તેમણે સંસ્કૃત, અંગ્રેજી તથા અમેરિકન કૃતિઓનાં પણ સુંદર ભાષાંતરો કર્યાં છે. તદ્ઉપરાંત તેમની કેટલીક ઉત્તમ કૃતિઓનો ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે. દુર્ગા ભાગવતે કદી લગ્ન કર્યાં નહીં. જીવનભર ગૌતમ બુદ્ધ, વ્યાસ, આદિશંકરાચાર્ય, અમેરિકન દાર્શનિક હેનરી ડેવિડ થોરો અને ભારતીય લેખક શ્રીધર વેંકટેશ કેતકર તેમના આદર્શ હતા. ૧૯૭૧માં તેમના પુસ્તક ‘પૈસ’ માટે તેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. તેઓ ‘મરાઠી સરસ્વતીચી સરસ્વતી’થી નામના પામ્યાં હતાં.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

પ્રતાપરાય મોહનલાલ મોદી

જ. ૯ ફેબ્રુઆરી, ૧૮૯૬ અ. ૧૧ ઑગસ્ટ, ૧૯૮૬

સંસ્કૃતના પ્રખર વિદ્વાન, વિવેચક અને અનુવાદક પ્રતાપરાય મોદીનો જન્મ ભાવનગરમાં થયો હતો. પિતા મોહનલાલ અને માતા સૂરજબહેન મોદી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું. ભણવામાં ખૂબ તેજસ્વી હતા. મૅટ્રિકમાં ભાવનગર રાજ્યની તમામ શાળાઓમાં પ્રથમ સ્થાને આવ્યા અને શ્રી જશવંતસિંહજી સ્કૉલરશિપ પ્રાપ્ત કરી. ગુજરાત કૉલેજમાંથી બી.એ. થયા તથા દક્ષિણા ફેલોશિપ મેળવી. એમ.એ.ની ઉપાધિ ૧૯૨૬માં કાશીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી મેળવી. ૧૯૨૮માં જર્મનીની કિલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ ૧૯૨૬થી ૧૯૫૩ સુધી ભાવનગરની શામળદાસ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે સેવા આપી. તે પછી જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક બન્યા અને પછી આચાર્ય તરીકે કામગીરી કરી નિવૃત્ત થયા. ૧૯૬૧થી તેમણે એમ.એસ.યુનિવર્સિટી, વડોદરા ખાતે માનાર્હ અધ્યાપક તરીકે કામ કર્યું. તેમણે આજીવન સંસ્કૃત ભાષા અને સાહિત્યની નિ:સ્વાર્થપણે સેવા બજાવી હતી. તેમણે ૧૩થી વધુ ગ્રંથો અને ૫૩ જેટલા સંશોધનલેખો આપ્યા છે. તેમાં હિંદુ ધર્મનાં મૂળ તત્ત્વો, ‘રામાનુજાચાર્ય’, ‘એ ક્રિટિક ઑવ્ ધ બ્રહ્મસૂત્ર’, ‘શ્રી મધુસૂદન શાસ્ત્રીનું સિદ્ધાંતબિંદુ’ (અંગ્રેજી અનુવાદ),  ‘શ્રીમદ્ ભગવદગીતા – એક અભિનવ દૃષ્ટિબિંદુ’, ‘ધ ભગવદગીતા – એ ફ્રેશ અપ્રોચ’, ‘શ્રીમદ્ ભગવદગીતા – એક સરળ ભાષાંતર’, ‘શુદ્ધાદ્વૈત લેક્ચર્સ’ અને ‘શ્રીમદ્ અણુભાષ્ય’ (અંગ્રેજી ભાષાંતર) વગેરે મુખ્ય છે. તેમને અનેક પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા હતા. તેમાં સુજ્ઞ શ્રી ગોકુળજી ઝાલા વેદાંત પ્રાઇઝ, શેઠ ટોડરમલ શુદ્ધાદ્વૈત વેદાંત પ્રાઇઝ મુખ્ય છે. તેમની કૃતિ ‘શ્રીમદ્ ભગવદગીતા – એક અભિનવ દૃષ્ટિબિંદુ’ને ગુજરાત યુનિવર્સિટી તરફથી ડૉ. કે. જી. નાયક સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ઓરિયેન્ટલ કૉન્ફરન્સની અનેક બેઠકોમાં તેમણે ભાગ લીધો હતો. ૧૯૬૭માં ભારત સરકાર તરફથી ‘પ્રેસિડન્ટ ઍવૉર્ડથી વિભૂષિત થનારા તેઓ ગુજરાતના સંસ્કૃત પ્રાધ્યાપકોમાં પ્રથમ હતા. ડૉ. રાધાકૃષ્ણન, ડૉ. ઝાયરમૅન, ડૉ. સુબ્રીંગ, પ્રો. હરમાન માસેલી, ડૉ. લક્ષ્મણ સ્વરૂપ, મહામહોપાધ્યાય પી. વી. કાણે જેવા લબ્ધપ્રતિષ્ઠિત વિદ્વાનોએ તેમની વિદ્વત્તાની કદર કરી છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી

જ. ૭ ફેબ્રુઆરી, ૧૮૮૩ અ. ૧૭ ઑગસ્ટ, ૧૯૩૬

ગુજરાતી ભાષાના આ મહાન ગઝલકારનો જન્મ જંબુસરમાં થયો હતો. બાળપણથી જ હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય એવા જગન્નાથ ‘સાગર’ ઉપનામથી ઓળખાતા. ૧૯૦૩માં પિતાના અવસાન પછી વૈરાગ્યભાવના વધુ ઉત્કટ બની અને ૧૯૦૬માં ‘વિશ્વવંદ્ય’ને મળ્યા અને કોઈ પણ સંપ્રદાયમાં જોડાયા વગર પોતે જ અધ્યાત્મમાર્ગ અનુસરવાનો દૃઢ નિશ્ચય કર્યો. ૧૯૧૨માં અખાજીની વાણીની અસર હેઠળ આવ્યા. હિમાલયના મણિકૂટ પર્વતની જયવલ્લી ગુફામાં જઈ તપશ્ચર્યા કરી બ્રહ્મર્ષિ સાગર બન્યા. હિમાલયથી પાછા ફર્યા પછી તેમણે વડોદરામાં પાદરા પાસે ચિત્રાલમાં ‘સાગરાશ્રમ’ સ્થાપ્યો. ‘ૐ પ્રભુજી’ના જીવનમંત્ર સાથે જ જીવન ગાળ્યું. ૧૯૨૦માં કલ્યાણદાસજીની સમાધિનો શતાબ્દી-ઉત્સવ ઊજવ્યો. શિષ્યા ૐકારેશ્વરીને સિદ્ધિપદે સ્થાપવા એ જ સમયગાળામાં ચિત્રાલમાં ‘બ્રહ્મયજ્ઞ’ આરંભ્યો. શરૂઆતની રચનાઓમાં કલાપીની કવિતાનો પ્રભાવ જોઈ શકાય છે. ૧૯૦૯માં રચેલું કાવ્ય ‘થાકેલું હૃદય’ એવું જ કાવ્ય છે. ‘દીવાને સાગર’નો પહેલો ગ્રંથ ૧૯૧૬માં પ્રગટ થયો હતો અને ૧૯૩૬માં ‘દીવાને સાગર’ ભાગ-૨ પ્રકાશિત થયો હતો, જેમાં તેમણે રચેલાં ભક્તિપદો છે. આ ઉપરાંત ‘કલાપી અને તેની કવિતા’, ‘ગુજરાતી સાહિત્યમાં ગઝલનું સ્થાન’ અને ‘સ્વીડનબૉર્ગનું ધર્મશિક્ષણ’ તેમના વિશેષ ગ્રંથો છે.  ‘ગુજરાતી ગઝલિસ્તાન’ (૧૯૧૩), ‘સંતોની વાણી’ (૧૯૨૦), ‘કલાપીની પત્રધારા’ (૧૯૩૧) અને ‘કલાપીનો કેકારવ’ (૧૯૩૨) તેમણે કરેલાં સંપાદનો ઉલ્લેખનીય છે. તે ઉપરાંત ‘અક્ષયવાણી – અખાજીની અપ્રસિદ્ધ વાણી’ ટીકા સહિત સંપાદિત કરી છે. તો ‘સાગરની પત્રરેષા અને વિચારણા કેટલાક મહાનુભાવો અને પરિવારના સભ્યોને લખેલા પત્રોનો સંચય છે. સાતમા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હોવા છતાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે સંકળાયેલા અને કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન પણ કરેલું.

રાજશ્રી મહાદેવિયા