Categories
વાચન સમૃદ્ધિ

સીરિયા

ભૂમધ્ય સમુદ્રને પૂર્વ કિનારે આવેલો આરબ દેશ. દેશનું સત્તાવાર નામ સીરિયન આરબ પ્રજાસત્તાક છે. તેની ઉત્તરે તુર્કી, પૂર્વમાં ઇરાક, દક્ષિણે જૉર્ડન તથા પશ્ચિમે ઇઝરાયલ, લેબેનૉન અને ભૂમધ્ય સમુદ્ર આવેલા છે. તેનો વિસ્તાર આશરે ૧,૮૫,૧૮૦ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી લગભગ ૨,૫૨,૫૫,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે. દમાસ્કસ તેનું પાટનગર અને મોટામાં મોટું શહેર છે. દેશનો પૂર્વ ભાગ સીરિયાના રણથી બનેલો છે. બાકીના પ્રદેશમાં અસમતળ મેદાનો, ફળદ્રૂપ નદીખીણો અને ઉજ્જડ વિસ્તારો આવેલાં છે. આ દેશ ‘ફર્ટાઇલ ક્રેસન્ટ’ (ફળદ્રૂપ અર્ધચંદ્રાક્ર વિસ્તારવાળો) – એ નામથી ઓળખાતા સમૃદ્ધ ખેતપ્રદેશના પશ્ચિમ છેડે આવેલો છે. કિનારાના પ્રદેશની આબોહવા ભેજવાળી રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ લગભગ ૧૦૦૦ મિમી. જેટલો પડે છે. રણપ્રદેશમાં ગરમ અને સૂકી આબોહવા અનુભવાય છે. અહીં વરસાદ ખૂબ જ ઓછો પડે છે. કપાસ અને ઘઉં અહીંના મુખ્ય કૃષિપાકો છે. તે ઉપરાંત જવ, શર્કરાકંદ, તમાકુ, દ્રાક્ષ, ઑલિવ અને ટામેટાં જેવાં શાકભાજી અને ફળોનું પણ વાવેતર કરવામાં આવે છે. અહીંના બેદૂઈન લોકો તેમનાં ઢોર, ઘેટાં, બકરાં લઈ વિચરતા ફરે છે.

દમાસ્કસ શહેર, સીરિયા

સીરિયાના અર્થતંત્રમાં ૭% જેટલો ફાળો ખાણકાર્યમાંથી મળી રહે છે. દેશના ઈશાન ભાગમાંથી ખનિજતેલ અને મયના પાલ્મીરામાંથી ફૉસ્ફેટ-ખડકો મળી રહે છે. અહીં ખનિજતેલની શોધ ૧૯૫૬માં થયેલી. દેશના અન્ય ભાગોમાંથી ચિરોડી, ચૂનાખડક અને કુદરતી વાયુ મળી રહે છે. દમાસ્કસ, ઍલેપ્પો, હોમ્સ અને લેતકિયા મહત્ત્વનાં ઔદ્યોગિક મથકો છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં કાપડ, પીણાં, સિમેન્ટ, ખાતર, કાચ, પ્રક્રમિત ખાદ્યપેદાશો તથા ખાંડનો સમાવેશ થાય છે. દેશના અર્થતંત્રમાં ૬૦% હિસ્સો સેવા-ઉદ્યોગોનો છે. નાણાકીય બાબતો, શિક્ષણ, સ્વાસ્થ્ય-સંભાળ અને ઉપભોક્તા ચીજવસ્તુઓનું ખરીદ-વેચાણ સેવા-ઉદ્યોગમાં ગણાય છે. દમાસ્કસમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. દેશનો ઘણોખરો વિદેશી વેપાર ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા લેતકિયા બંદરેથી થાય છે. દેશમાં વસતા મોટા ભાગના લોકો જૂના વખતમાં અહીં આવીને વસેલી સેમાઇટ જાતિમાંથી ઊતરી આવેલા છે. અરબી લોકો ઉપરાંત અહીં આર્મેનિયન અને કુર્દ લોકો પણ વસે છે. સીરિયાની ભૂમિ અને તેની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા ઘણી પ્રાચીન ગણાય છે. આફ્રિકા, એશિયા અને યુરોપને જોડતા મુખ્ય વેપારી માર્ગોના ત્રિભેટે આ દેશ આવેલો હોવાથી તેનો ખૂબ વિકાસ થયો હતો. સ્થાપત્ય, જહાજી બાંધકામ અને લોખંડની ચીજવસ્તુઓનું કામ પણ સીરિયામાંથી શરૂ થયેલું. સાહિત્યક્ષેત્રે પણ સીરિયાનો ફાળો ઘણો અગત્યનો છે. આ દેશના જાણીતા કવિઓ, જ્ઞાનીઓ અને લેખકોમાં અલ્ મુતાનબ્બી, અલ્ મારી, અલ્ ફરાબી, ઓમર અબુ રીશ, નિઝાર કબ્બાની અને અલી અહમદ સઈદનો સમાવેશ થાય છે. અહીં આવેલાં પાલ્મીરાનાં ખંડિયેર જોવાલાયક છે. સીરિયા પ્રજાસત્તાક દેશ છે. તે ૧૩ પ્રાંતોમાં તથા દમાસ્કસ શહેરના એક અલગ એકમમાં વહેંચાયેલ છે. દમાસ્કસ ઉપરાંત ઍલેપ્પો, હોમ્સ, લેતકિયા તથા હામા અગત્યનાં શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સીરિયા, પૃ. ૨14)

Categories
વાચન સમૃદ્ધિ

ટોકેલો

દક્ષિણ પૅસિફિક મહાસાગરના મધ્ય ભાગમાં આવેલો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : ૯° ૦૦´
દ. અ. અને ૧૭૧° ૪૫´ પ. રે.. તે પશ્ચિમ સામોઆથી ઉત્તરે ૫૦૦ કિમી. અને હવાઈ ટાપુઓથી નૈર્ઋત્યે ૩૮૪૦ કિમી. દૂર આવેલો છે. આ પરવાળાના ટાપુઓમાં અટાફુ, ફાકાઓફુ અને નુકુનોનો સમાવેશ થાય છે. તેનું કુલ ક્ષેત્રફળ ૧૨ ચોકિમી. છે. સૌથી મોટા ટાપુ ફાકાઓફુનું ક્ષેત્રફળ ૫.૩ ચોકિમી. છે. આ ટાપુઓની આસપાસ ઘણા નાના ટાપુઓ આવેલા છે. આ ટાપુઓ સમુદ્રની સપાટીથી ૩થી ૫ મી. જેટલા ઊંચા છે. ટાપુના વચ્ચેના ભાગમાં છીછરું સરોવર છે અને તેની ફરતે કિનારે જમીન આવી છે, જે પરવાળાના ખડકોની બનેલી હોઈ ખૂબ જ છિદ્રાળુ છે. અહીં સરાસરી તાપમાન ૨૮° સે. રહે છે. એપ્રિલથી નવેમ્બર દરમિયાન ૨૫૦૦ મિમી. વરસાદ પડે છે. ક્યારેક આ ટાપુઓ ‘ટાઇફૂન’ વાવાઝોડાનો ભોગ બને છે. અહીં ગીચ જંગલો આવેલાં છે. અહીં નારિયેળી અને પેન્ડેનસ જેવાં ૪૦ પ્રકારનાં વૃક્ષો જોવા મળે છે. ઉંદર, ખિસકોલી, ભુંડ, મરઘાં, દરિયાઈ પક્ષીઓ તથા સ્થળાંતર કરીને આવતાં યાયાવર પક્ષીઓ જોવા મળે છે.

નૃત્ય કરતી બહેનો

લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને મચ્છીમારી છે. નારિયેળ, ટારો, બ્રેડ, ફ્રૂટ, પપૈયાં, કેળાં વગેરે મુખ્ય પાકો છે. છીછરાં સરોવરો અને સમુદ્રમાં માછીમારી કરવામાં આવે છે. તરાપા તથા ઘરના બાંધકામ માટે તૌઅન્વે વૃક્ષનું ખાસ વાવેતર કરાય છે. કોપરાં પીલવાની મિલ અને તરાપા બાંધવાના ઉદ્યોગો ઉપરાંત લાકડાનું કોતરકામ, ટોપા (hats), સાદડીઓ, બૅગથેલીઓ બનાવવાના ગૃહઉદ્યોગો વિકસ્યા છે. અહીંની મુખ્ય નિકાસ કોપરાની છે. ટાપુઓનો આસપાસનો સમુદ્ર છીછરો અને ખડકોવાળો છે તેથી વહાણ કે સ્ટીમર ઊંડા પાણીમાં થોભે છે અને હોડી મારફત માલની ચડઊતર થાય છે. ૧૯૮૨થી
સી-પ્લેન આવે છે. ટાપુના મોટા ભાગના લોકો સામોઆના લોકોને મળતા પૉલિનીશિયન છે. તેમની ભાષા અને સંસ્કૃતિ સમાન છે. કુલ વસ્તી ૨૬૦૦ (૨૦૨૫, આશરે)ના ૯૮% લોકો ખ્રિસ્તી છે. લોકો અન્યત્ર સ્થળાંતર કરે છે. વહીવટની ભાષા ટોકેલો ભાષા છે, પણ અંગ્રેજી ભાષાનો પણ વ્યાપક ઉપયોગ થાય છે. ૧૭૬૫માં કોમોડોર જ્હૉન બાયરને આ ટાપુની શોધ કરી હતી. ૧૮૪૧માં યુ.એસ. દ્વારા ત્યાંની ભાષા તથા રીતિરિવાજને લગતું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૮૬૩માં રોગચાળો ફેલાતાં તથા પેરૂના ચાંચિયાઓએ  લોકોને  ગુલામ તરીકે પકડી જતાં ત્યાંની વસ્તી ૨૦૦ જેટલી થઈ ગઈ હતી. ૧૮૭૭માં બ્રિટને આ પ્રદેશ ફીજીના હાઈકમિશનર નીચે મૂક્યો હતો. ૧૮૮૯માં તે રક્ષિત પ્રદેશ જાહેર થયો હતો. ૧૯૧૬થી ગિલ્બર્ટ અને એલિસ ટાપુના ભાગ તરીકે બ્રિટિશ તાજનું તે સંસ્થાન બન્યું હતું. ૧૯૨૫માં તે ન્યૂઝીલૅન્ડની દેખરેખ નીચે મુકાયું અને ૧૯૪૮થી તે ન્યૂઝીલૅન્ડનો વિધિસરનો ભાગ બનેલ છે. દરેક ટાપુનો વહીવટ ૪૫ સભ્યોની બનેલી કાઉન્સિલની સહાયથી કમિશનર દ્વારા કરવામાં આવે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સિંહ

બિલાડીના કુળનું જગપ્રસિદ્ધ શિકારી સસ્તન પ્રાણી.

સિંહનું વૈજ્ઞાનિક નામ Panthera Leo, persica છે. સસ્તન વર્ગનું આ પ્રાણી ભારતનું અને ખાસ કરીને ગુજરાતનું ગૌરવ છે. વાઘ, દીપડો, ચિત્તા જેવાં પ્રાણીઓમાં સિંહનું સ્થાન મોખરાનું માનવામાં આવે છે. આ પ્રાણીનો દેહ મજબૂત, ખડતલ, સ્નાયુમય અને શક્તિશાળી હોય છે. નર અને માદાની ત્વચા બદામી, સોનેરી રંગની હોય છે. નરને કેશવાળી હોવાથી તે વધુ પ્રભાવશાળી લાગે છે. આને લીધે નર માદાથી અલગ પડે છે. સિંહનું કદ વાઘથી થોડું નાનું હોય છે. સિંહને ઘણા લોકો આળસુ પ્રાણી ગણે છે, પરંતુ સિંહ નિશાચર પ્રાણી છે તેથી દિવસે ગરમીમાં મોટા ભાગે આરામ કરતો હોય છે એટલે તે આળસુ લાગે છે. ખરેખર તે ઉમદા સ્વભાવનું પ્રાણી છે. સિંહનું કુદરતી રહેઠાણ સવાના પ્રકારનું ઘાસિયું જંગલ, સૂકું કંટકવન કે પાનખરનું ઝાંખરાંયુક્ત જંગલ છે. સિંહ ગુજરાતમાં સાસણગીરના જંગલમાં વાસ કરે છે. આ સિવાય હાલમાં ભારતમાં બીજી કોઈ જગ્યાએ સિંહ વસતા નથી. વિશ્વમાં આફ્રિકા ખંડના ઘણા દેશોમાં સિંહ વસે છે.

સિંહનું જીવન મનુષ્યની જેમ સામાજિક હોઈ ઘણું રસપ્રદ છે. તે ૧૦થી ૪૦ની સંખ્યામાં જૂથમાં રહે છે. તેમાં ૪થી ૫ નર, ૧૫થી ૨૦ જેટલી માદાઓ અને બાકીનાં બચ્ચાં હોય છે. પુખ્ત પ્રભાવી નર એ ટોળાનો નાયક હોય છે. ઘણી વાર નર સિંહ બીજા જૂથના સરદારને મારી ટોળાનો સરદાર બની જાય છે, આ સમયે જૂથમાં આવેલાં બીજાં નર બચ્ચાંને પણ તે મારી નાંખે છે. સિંહણો જીવનપર્યંત એક જ જૂથમાં રહે છે. વાઘ, ચિત્તો, દીપડો વગેરે આ કુળનાં બીજાં પ્રાણીઓ જૂથમાં રહેતાં નથી. આફ્રિકાનાં જંગલમાં જંગલી ભેંસ, વાઇલ્ડ બીસ્ટ જેવાં મોટાં પ્રાણીઓ હોવાથી તેમના શિકાર કરવા એકથી વધુ સિંહોની જરૂર પડે છે; તેથી ત્યાં સિંહોનાં મોટાં જૂથ હોય છે; જ્યારે ગીરમાં તેમનો મુખ્ય શિકાર ચીતળ હોવાથી જૂથમાં એક નર સિંહ જ રહે છે. સિંહણો બે કે ત્રણની સંખ્યામાં શિકારનો પીછો કરી, શિકાર કરે છે. તેઓની દોડવાની ઝડપ ચિત્તા કે વાઘ કરતાં ઓછી હોય છે અને લાંબા અંતર સુધી ભક્ષ્યનો પીછો તેઓ કરી શકતા નથી, પરંતુ શિકાર હાથવેંત આવતાં તેના ઉપર એકદમ તૂટી પડે છે. આકાશમાં ઊડતાં ગીધ, સમડી વગેરેના અને વાંદરાના અવાજોને આધારે તે પોતાનો શિકાર શોધી લે છે. શિકાર કરવાનો સમય સાંજ કે રાત્રિનો હોય છે. સિંહણો સાથે મળી શિકાર કરે અને સિંહ સૌપહેલાં તેને આરોગે પછી માદા અને બચ્ચાંનો વારો આવે છે. સિંહની ગર્જના લાક્ષણિક હોય છે. જંગલમાં સિંહની ડણક દૂર દૂર સુધી સંભળાય છે. ગર્જના કરતા સિંહ માથું જમીન તરફ રાખે છે અને તેથી તેનો શિકાર કે ભક્ષ્ય થનાર પ્રાણીઓ સિંહનું સ્થાન જાણી શકતાં નથી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિંહ, પૃ. ૨11)